શ્રીકૃષ્ણની રાણીઓ ભાગ 8 : સત્યભામાએ શ્રીકૃષ્ણને જણાવી પ્રેમ અને તેના અહંકારની વાત.

0
619

ભાગ 1 થી 7 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

સાતમાં ભાગમાં આપણે જાણ્યું કે, શ્રીકૃષ્ણ પારિજાતનું વૃક્ષ પૃથ્વીલોક પર લાવવા ઇન્દ્રદેવ સાથે યુ ધકરે છે, જેમાં સંધ્યા સમયે વિરામ લીધા પછી શિવની પૂજાઅર્ચના કરે છે અને વિજય મેળવવા માટે આશીર્વાદ પ્રાપ્ત કરે છે. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

કૃષ્ણના ઇન્દ્ર સાથેના યુ ધના વૃત્તાંતને ધ્યાનપૂર્વક સાંભળી રહેલ લક્ષ્મીજીએ એક પડાવે અચંબિત સ્વરે પૃચ્છા કરી- “હે શ્રીહરિ, યુ ધના મધ્યમાં જ મહાદેવની પૂજા-અર્ચના સાવ સહજ તો ના જ ભાસે. પણ મારી અનુમાન-શક્તિ આ બાબતે મર્યાદિત જ છે. તો શું કોઈ ખાસ પ્રયોજન હોઈ શકે?”

“હે મહાદેવી, ઇષ્ટદેવની પૂજા તો સહજ અને નિઃસ્વાર્થ જ ઉત્તમ ગણાય, છતાંય કોઈ ખાસ ફળપ્રાપ્તિ માટે એ થઈ હોય એવાં અગણિત દાખલા મળી આવશે. પણ અહીં નિખાલસતાપૂર્વક કહું તો મહાદેવની પૂજામાં કૃષ્ણનું પણ એક છદ્મ પ્રયોજન હતું જ.”

“અર્થાત પ્રભુ, મારો વહેમ સત્ય જ છે. પણ હજુય હું એ બાબતમાં વધુ વિસ્તારથી કલ્પી શકતી નથી, તો કૃપા કરી એ પૂજા-અર્ચનાના પ્રયોજન બાબતે પ્રકાશ પાડશો?”

“એ બાબતે કૃષ્ણનો એકમેવ હેતુ શ્રીમહાદેવને પોતાના આશયથી અવગત કરાવી તેમના આશીર્વાદ મેળવવાનો જ હતો. કારણ કે દેવી, આપને તો એ વિદિત જ હશે, કે જ્યારે કોઈ માનવ કે દાનવ, ગાંધર્વ કે અપ્સરા, કે કોઈને પણ, જો કોઈ ફળની ઈચ્છા હોય ત્યારે એ તપના બળે ફળપ્રાપ્તિનો માર્ગ શોધે છે. અને મહદ અંશે એ મહાદેવજીનું તપ કરી એમને રીઝવવા પ્રયાસ કરે છે, કારણ મહાદેવ ભોળા અને સરળ સ્વભાવના છે. ઇન્દ્રદેવ કદાચિત એમનું એવું કોઈ વરદાન મેળવી પોતાનો પક્ષ બળવત્તર બનાવે એ પૂર્વે જ, એવી શક્યતાઓ નહિવત કરવા હેતુ કૃષ્ણએ, શિવરાત્રીના શુભ અવસરે મહાદેવનો સાક્ષાત્કાર કરવાનું ઉચિત જાણ્યું.”

“અલબત્ત આ દુરંદેશી હતું અને એટલે, તે પછીની ઘટનાઓ રસપ્રદ હતી.” -મહાલક્ષ્મી સસ્મિત વદયા.

“ચોક્કસ જ..! લ્યો સાંભળો.”

પછી બીજે દિવસે સવારે પુનઃ ઇન્દ્રદેવ અને શ્રીકૃષ્ણ વચ્ચે યુ ધશરૂ થયું. અંતે, જ્યારે ઇન્દ્રે તેમનું વજ્ર શ્રીકૃષ્ણ ઉપર છોડી દીધું, એ જોઈ તત્ક્ષણ કૃષ્ણે તે તરફ સુદર્શનચક્ર મોકલ્યુ. તો તુરંત જ સુદર્શન-ચક્ર એ વજ્રને ગળી ગયું.

આ જોઈને ઇન્દ્રદેવ અચંબિત થઈ ગયા. પણ ત્યાં તો તે ચક્ર ઇન્દ્રની તરફ આગળ વધવા માંડયુ, તો પોતાની સમીપ આવતા આ ચક્રને જોઈને ઈન્દ્ર ભયભીત થઈ ગયા.

પણ ત્યારે જ ચક્ર અને ઇન્દ્રની વચ્ચે દેવમાતા અદિતિ પ્રગટ થયા અને કહ્યું- “હે પુત્ર કૃષ્ણ, તું આ શું કરી રહ્યો છે?”

આ સાંભળીને કૃષ્ણે તત્કાળ આદેશ આપ્યો- “ખમી જાઓ સુદર્શન..!” -અને સુદર્શનચક્ર ત્યાં જ સ્થિર બની અટકી ગયું.

ત્યારે કૃષ્ણ બોલ્યા- “પ્રણામ દેવમાતા..!”

ઉત્તરમાં દેવમાતા બોલ્યા- “શું આમ પોતાના જ ભાઈની સ મા પ્તિ કરી નાખશે? વામન અવતાર સમયે તને જન્મ આપનાર તારી માતા હું જ હતી, શું એ વાત પણ મારે તને યાદ કરાવવાની આવશ્યકતા છે? એટલું તો સમજો હે કૃષ્ણ, કે ઇન્દ્રના આમ પરાભવથી તો, તેનું સન્માન જ નષ્ટ થઇ જશે. માટે કૃષ્ણ, આ યુ ધબંધ કરો.”

“જેવી આજ્ઞા, દેવમાતા..!” -કહી કૃષ્ણએ પછી, સુદર્શન-ચક્રને પુનઃ પોતાની આંગળી પર પાછું લાવીને સ્થિર કરી દીધું.

ત્યારે દેવમાતાએ કહ્યું- “કૃષ્ણ, હું તમને પારિજાતનું ઝાડ પ્રદાન કરું છું, પરંતુ તેને આદેશ એવો હશે કે સત્યભામાનું પુણ્યતવ્રત પૂર્ણ થતાંની સાથે જ એ સ્વર્ગમાં પાછું આવી જશે.”

આ સાંભળીને બોલ્યા- “આપની આજ્ઞા શિરોધાર્ય દેવમાતા..! અને હે ઇન્દ્રદેવ, લો આપનું વજ્ર આપને પુનઃ પાછું આપું છું.”

પછી સુદર્શનચક્રમાંથી વજ્ર નીકળીને ઇન્દ્ર તરફ ગયું અને એ સાથે જ, સુદર્શનચક્ર પણ અદૃશ્ય થઈ ગયું.

ત્યાર બાદ પારીજાતનું ઝાડ ગરુડ પર બિરાજમાન કરીને કૃષ્ણ તેને પૃથ્વી પર લઈ આવ્યા.

એ દરમ્યાન, દેવર્ષિ નારદમુનિએ સત્યભામાને જઈને જણાવ્યું કે કૃષ્ણ દેવલોકથી પારીજાતનું ઝાડ લઈને પાછા આવી રહ્યા છે. અને સાથે જ દેવર્ષીએ સત્યભામાને શ્રીકૃષ્ણ અને ઇન્દ્રની યુ ધકથા સવિસ્તાર કહી સંભળાવી, અને આગળ કહ્યું- “દેવમાતાએ આ વૃક્ષ પ્રદાન કર્યું છે, પણ સાથે એમ કહ્યું છે કે વ્રત પછી તુરંત જ એ વૃક્ષ પુનઃ સ્વર્ગમાં પાછું મોકલી દેવું પડશે.”

પછી એ સાથે દેવર્ષિ હસ્યા અને બોલ્યા-, “માતા પાર્વતી વડે જે ન થઈ શક્યું તે તમારા કહેવા પર થયું છે. આ સાબિત કરે છે કે શ્રીકૃષ્ણ તમને સૌથી વધુ પ્રેમ કરે છે.”

આ સાંભળીને સત્યભામા પ્રસન્ન થયા અને પોતાની દાસીઓને શ્રીકૃષ્ણની સ્વાગત-તૈયારીઓ કરવાનો આદેશ આપ્યો. પછી કૃષ્ણના આગમન પર સત્યભામાએ તેમનું સ્વાગત કરવા હૃદયપૂર્વક તેમની આરતી ઉતારી.

ત્યારબાદ પોતાનાં કક્ષમાં નિરાંતની પળોમાં સત્યભામાએ કૃષ્ણને કહ્યું- “દેવર્ષીએ મને સર્વેકંઈ જણાવ્યું છે. હા, મને લાગે છે કે આ ખરેખર મારી જીત છે. આ વાતથી તમે સાબિત કર્યું છે કે ફક્ત હું જ આપની સૌથી વહાલી પત્ની છું. પણ હે નાથ, મારા પર વિશ્વાસ કરો, મારાથી વધુ પ્રેમ તમને કોઈ જ રાણી કરી શકશે નહીં. જો હું હઠ કરું છું, તો એનો અન્ય કોઈ અર્થ ન કરશો, હું તો બસ, મારા પ્રેમના બળથી જ મારા પ્રેમનું મૂલ્ય માંગું છું. મારા પ્રેમની આ જીત પર હવે હું ગર્વ અને ગૌરવ સાથે બધાની સામે માથું ઊંચું કરીને રહેવા માંગુ છું.”

“દેવી સત્યભામા, તમે બહુ સુંદર વાત કહી ને એનાથી મારું હૃદય જાગૃત થયું, પરંતુ..”

“પરંતુ શું સ્વામી?”

“કંઈ નહીં. હું તો ફક્ત વિચારતો હતો કે લોકો જે કહે છે કે- ‘પ્રેમમાં તો ફક્ત આપવાનું જ હોય છે, ને કંઇ લેવાનું હોતું નથી. સમર્પણમાં અધિકાર કેવો? ને પ્રેમમાં વળી ગર્વ કેવો, ને અહંકાર કેવો?’ -પણ રાણી હવે લાગે છે કે આ બધી ધારણાઓ ખોટી હશે, ખરું ને?”

“એકદમ ખોટું, નાથ..! જેમણે ક્યારેય પ્રેમ નથી કર્યો, તેમને પ્રેમના ગર્વ વિશે શું ખબર હોય? તમારા વિશે તો માત્ર એક જ વાત મેં સાંભળી છે કે તમને કોઈનો જ મોહ નથી, કોઈ સાથેય લગાવ નથી. તો હે નિર્લિપ્ત નિર્મોહી યોગેશ્વર શ્રીકૃષ્ણ..! એટલે તમે પણ એ વાત કેમ સમજી શકશો કે પ્રેમના અહંકારમાં કેટલો આનંદ હોય છે.”

આ સાંભળીને કૃષ્ણ સસ્મિત બોલ્યા- “તમે દેવી સત્ય જ કહ્યું. હવે મને ખબર પડી કે પ્રેમમાં અહંકારની વાત કેમ મને સમજમાં નથી આવતી. વાસ્તવમાં, આ જે સંન્યસીઓ, યોગીઓ અને નિર્મોહી લોકો હોય છે, તેઓને પ્રેમવ્રેમનું કોઈ જ જ્ઞાન નથી હોતું. તેઓ ખૂબ અજ્ઞાની હોય છે.”

એમ કહીને કૃષ્ણ જ્યારે હસ્યા ત્યારે સત્યભામાએ પણ હસીને કહ્યું- “તો હે અજ્ઞાની કંથ, મારી વાત સમજો અને વિશ્વાસ કરો કે હું આપ તરફ ક્રોધ દર્શાવી શકું છું, આપ સામે હઠ કરી શકું છું, પરંતુ એક ક્ષણ માટે પણ હું તમારો વિરહ સહન નથી કરી શકતી. જો કોઈ તમને મારી પાસેથી લઈ જશે, તો આપના ચરણોના સોગંદ, મારા પ્રાણ પણ આપની સાથે જ જશે. હું તે જ સમયે મારું જીવન ત્યાગી દઈશ.”

“રાણી, આવા શુભ અવસરે કોઈ અશુભ વાતો ના કરશો. હવે તમારે તમારા પુણ્યતવ્રતના અનુષ્ઠાનનું આયોજન પણ ત્વરિત જ કરવું જોઈએ. અત્યારે જ્યારે તમારા પ્રેમની આવી ભવ્ય જીત થઈ છે, તો પછી તેનું ઉજવણું પણ એટલું જ ભવ્ય હોવું જોઈએ.”

“આપની વાત સત્ય છે, ને હું પૂર્ણતઃ સહમત છું, માટે જ મેં દેવર્ષિ નારદને પ્રાર્થના કરી છે, કે તેઓ સ્વયં એ માટેની વિધિઓ પદ્ધતિસરથી કરાવે.”

“તો તો, તમારું કાર્ય અવશ્ય સફળ થશે જ, કારણ તેઓ તો સર્વે અનુષ્ઠાનોના જ્ઞાતા છે. પરંતુ એ માટે, તેઓ જે કહે છે તેમ બધું જ કરજો, નહીં તો દેવર્ષિ તો ખૂબ જ તરંગી સ્વભાવના છે. કઈંક વાંધો પડશે તો કાર્ય અધવચ્ચે જ છોડી દેશે, કદાચિત.” -કૃષ્ણે ચેતવણીના સુરમાં કહ્યું.

“એ બાબતે હું સર્વે કાળજી રાખીશ નાથ, અને આ વ્રત તો તેમના હસ્તે પૂર્ણ કરાવીને જ રહીશ.”

ત્યારે શ્રીકૃષ્ણ ફક્ત લુ ચ્ચું હાસ્ય રેલાવી કક્ષમાંથી પ્રસ્થાન કરી જાય છે.

(ક્રમશ:)

ભાગ 1 થી 7 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)