શ્રીકૃષ્ણની રાણીઓ ભાગ 9 : જાણો શા માટે સત્યભામાએ નારદજીને કર્યું શ્રીકૃષ્ણનું દાન.

0
1132

ભાગ 1 થી 8 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

આઠમાં ભાગમાં આપણે જાણ્યું કે, કેવી રીતે સત્યભામાએ શ્રીકૃષ્ણને પોતાના પ્રેમ અને તેના અહંકારની વાત સમજાવી. આવો હવે આગળની સ્ટોરી જાણીએ.

સત્યભામાના કક્ષમાંથી બહાર નીકળતા જ કૃષ્ણને સામે દેવર્ષિ નારદમુનિ મળ્યા.

“પ્રણામ દેવર્ષિ, પધારો. દેવી સત્યભામા આપની રાહ જ જુએ છે.” -કૃષ્ણે અભિવાદન કરતા કહ્યું.

“ભલું થયું આપ અહીં મળી ગયા પ્રભુ, બાકી આ એક સમાચાર આપવા મારે આપના મહેલમાં આવવું પડત. દેવરાજ ઇન્દ્રની ઈચ્છા વિરુદ્ધ, દેવમાતા અદિતિએ પારિજાતનું વૃક્ષ આપી તો દીધું ને ત્યારે તેઓ કઈં બોલી ન શક્યા પરંતુ હતાશ થયેલ ઇન્દ્રદેવે હવે પારિજાતવૃક્ષને એક શ્રાપ આપી દીધો છે, કે એ વૃક્ષમાં ક્યારેય ફળ ઉગે જ નહીં. તેમ જ તે ડાળી-કલમ કરીને પણ બીજે ક્યાંય એ પુનઃ પલ્લવીત ન થાય.”

આ સાંભળી કૃષ્ણ એક પળ તો ખમ્યા, પછી સ્મિત સાથે ઉત્તર આપ્યો- “દેવર્ષિ, શબ્દ-પ્રયોગમાં કૃપયા ધ્યાન આપો. આને શ્રાપ ન કહો. આ તો દેવેન્દ્રએ લીધેલ સાવચેતીના પગલાં કહેવાય. કોઈપણ વસ્તુનો મહિમા ત્યારે જ અકબંધ રહે જ્યારે તે વસ્તુ એકમેવ હોય. એકના અનેક થયા બાદ એ વસ્તુ સામાન્ય ગણાય જાય. પારિજાતના વૃક્ષનો મહિમા સાચવવા દેવેન્દ્રે આ જે સાવધાની દાખવી છે એ મારી દ્રષ્ટીએ તો પ્રસંશનીય જ છે. તો આ બાબતે ચિંતા કે ચર્ચા કર્યા વગર આવો, આપ સત્યભામાના મહેલમાં પધારો.”

અપેક્ષિત કરતાં સાવ વિપરીત પ્રતિક્રિયા શ્રીકૃષ્ણ તરફથી મળતા, નારદમુનિ ચૂપચાપ જ કૃષ્ણની સાથે સત્યભામાના મહેલ તરફ આગળ વધી ગયા.

ત્યાં સત્યભામાએ ખૂબ જ પ્રસન્ન ચિત્તે વ્રતનું અનુષ્ઠાન કરાવવા વિનંતી કરી, એટલે નારદજીએ સ્વયં પુરોહિત બનીને સસ્મિત પુણ્યતવ્રતનો શુભારંભ કર્યો.

પ્રથમ તો તેઓએ વિધિસર ગણેશની પૂજા કરાવી છે ગણેશનાં સ્તુતિ-ગાન ગાયા.

કૃષ્ણ તથા રુકમણી, જામવંતી વગેરે રાણીઓ સહિત બધાં જ ત્યાં હાજર હતાં. ગણેશજીની પૂજા કર્યા પછી, પૂર્વજો અને ઇષ્ટદેવનું આવાહન કરી પૂજામાં આમંત્રિત કરવામાં આવ્યા. તે પછી પરિજાતનાં વૃક્ષની પૂજા કરવામાં આવી અને સત્યભામાને તેમના વ્રતની સફળતા માટે પરીજાત ઝાડના આશીર્વાદ મેળવવા કહ્યું, ત્યારે ઝાડે પણ આપમેળે લહેરાઈને એને આશીર્વાદ આપ્યા અને તેનું એક ફૂલ સત્યભામાના હાથમાં ખરી આવ્યું. સત્યભામા તો આનાંથી ખૂબ જ ખુશ થયા.

ત્યારબાદ હોમહવનની વિધિથી યજ્ઞ સંપન્ન થયો જેના પછી નરદામુનિ યજ્ઞની પુર્ણાહુતીમાં સંકલ્પ કરાવવા લાગ્યા અને પછી કહ્યું-

“આ યજ્ઞ-પૂર્ણાહુતિના સંકલ્પ દરમિયાન વિધાન અનુસાર કઈંક દાન કરવું અનિવાર્ય છે.”

“દાન..?” -સત્યભામાએ પૂછ્યું.

“હા દેવી, દાન..!” -નારદજીએ ફરી કહ્યું.

“કહો મુનિવર, શું દાન કરવું જોઈએ, અને મારે કેટલું દાન કરવું જોઈએ?” -સત્યભામાએ ગર્વમિશ્રિત સ્વરે પૂછ્યું.

“દેવી, દાન કેટલું આપવાની વાત નથી. દાનનું મહત્વ અથવા દાનનું મૂલ્ય એની માત્રામાં ન તોલવું, બલ્કે એમાં રહેલ ભાવનાનું એમાં તોલમાપ જોવામાં છે.” -નારદજીએ દાનનો મહિમા સમજાવ્યો.

“અર્થાત?” -મૂંઝાઈને સત્યભામાએ પૂછ્યું.

“આનો અર્થ એ છે કે, આ પૃથ્વીલોક વાસ્તવમાં તો કર્મલોક છે. અહીં કર્મ કરવાથી યજ્ઞ, વ્રત વગેરે જેવી ધાર્મિક ક્રિયાઓનું ફળ તો અવશ્ય મળે છે, સિધ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે. પરંતુ દરેક ફળનું, દરેક સિધ્ધિનું કોઈક ને કોઈક સ્વરૂપે મૂલ્ય તો ચુકવવું જ પડે છે.” -દેવર્ષિએ વધુ સમજાવ્યું.

“તો કૃપયા મુનિવર મને કહો કે મારી કામના-સિદ્ધિ માટે મારે કેટલું મૂલ્ય ચૂકવવું પડશે? કેટલું સોનું, કેટલા રત્ન, કેટલું ઝવેરાત? હું તે મુજબનું દાન કરવા તૈયાર છું.” -સત્યભામાનું ઘમંડ બોલી ઉઠ્યું.

“પુણ્યકવ્રતની સિધ્ધિ માટે, એવું વિધાન છે, કે તમે જેને સૌથી અધિક ચાહતા હો તેનું દાન જ ઉત્તમ છે.” -નારદમુનિએ જ્ઞાન આપ્યું.

અને એ સાંભળીને શ્રીકૃષ્ણ મલકાઈ ઉઠ્યા.

પછી નારદજીએ પૂછ્યું- “તો હવે મને કહો, કે આ ધરતી પર તમને સૌથી વધુ પ્રિય શું સુવર્ણ, મોતી, હીરા, ઝવેરાત જ છે?”

આ સાંભળીને સત્યભામા વિચારમાં પડી ગયા. રુકમણી, જામવંતી અને શ્રીકૃષ્ણ સહિત સર્વે કોઈ સત્યભામાના ચહેરા તરફ તાકી રહ્યા.

“ના..!” -સત્યભામાએ આખરે જવાબ આપ્યો.

“તો પછી આ દુનિયામાં તમને સૌથી પ્રિય શું છે, દેવી?” -નારદજીએ આગળ પૂછ્યું.

સાંભળીને સત્યભામા મૌન રહી વિચારવા લાગ્યા, એટલે નારદજીએ હસતા હસતા કહ્યું- “હા..હા વિચારો, તે શું છે જેને સૌથી વધુ પ્રેમ કરો છે તે વસ્તુ…તે વ્યક્તિ કોણ છે, જે તમને સૌથી વધુ પ્રિય છે?”

ત્યારે થોડા સંકોચ સાથે સત્યભામાએ જવાબ આપ્યો- “મારા માટે સંસારમાં સૌથી પ્રિય તો એકમાત્ર મારા પતિ દ્વારકાધીશ છે.”

આ સાંભળીને નારદજી કૃષ્ણ તરફ જોઈને એકદમ પ્રસન્ન થયા અને કહ્યું- “નારાયણ નારાયણ..! તો…તો દેવી હવે શું કરવું એ નિશ્ચિત થઈ જ ગયુ છે.”

અને સત્યભામા ચોંકી ઉઠ્યા જ્યારે નારદજીએ કહ્યું- “તમારે મને દ્વારકાધીશ દાનમાં આપવા પડશે.”

“શું..?” -અચંબિત સત્યભામાએ પૂછ્યું.

શ્રીકૃષ્ણ ત્યારે હસી પડ્યા અને એ જોઈ નારદજી પણ ખૂબ પ્રસન્ન થયા. પછી સત્યભામાએ વિમાસણભરી નજરે કૃષ્ણ તરફ જોયું.

ત્યારબાદ નારદજીએ, પાસે ભરેલ કળશમાંથી પાણીની ચમચી લઈ સત્યભામા તરફ લંબાવી અને કહ્યું- “લો, દાનનો સંકલ્પ કરી લો દેવી.”

ત્યારે સત્યભામાએ સાચે જ ગભરાઈ જઈને પૂછ્યું- “દ્વારકાધીશનું દાન? દેવર્ષિ, આપ શું કહો છે? હું આ વ્રત કરું છું કે જેના ફળસ્વરૂપે મને મારા પતિ તરફથી સૌથી વધુ પ્રેમ મળે. પણ જો હું તેમને દાનમાં આપી દઉં, તો હું તેમનો પ્રેમ કેવી રીતે મેળવી શકું? આ તમારી દાનની કેવી પ્રણાલી છે?”

“આ દાનની પ્રણાલી નથી, દેવી. આ પૃથ્વીલોકની પ્રણાલી છે. જે વ્યક્તિ જેટલું વધુ મેળવવાની ચેષ્ટા કરે છે તેને તે કરતાં વધુ આપવું પણ પડતું હોય છે, આ કર્મલોકમાં વિધાન છે.” -નારદજીએ કર્મવિજ્ઞાનનો બોધ આપ્યો.

“દેવર્ષિ, આ તે કેવું વિધાન કહેવાય, કે જેના માટે હું આ યજ્ઞ કરી રહી છું, તેને જ હું તો ગુમાવી દઉં છું. શું તેના બદલામાં હું અન્ય કઈં દાન ના આપી શકું? બીજો કોઈ વિકલ્પ કે ઉપાય છે?” -વિચલિત સ્વરમાં સત્યભામાએ પૂછ્યું.

“હા, એક ઉપાય છે. જુઓ, તમારે તમારી પ્રિય વસ્તુનું દાન તો કરવું જ પડશે, પરંતુ હા, બ્રાહ્મણ પાસેથી દાન કરવામાં આવેલી વસ્તુ ફરીથી પછી ખરીદી પણ શકાય જ છે.” -નારદજીએ વચલો રસ્તો બતાવ્યો.

“અર્થાત?”

“આનો અર્થ એ છે કે તે વસ્તુની કિંમત, જે બ્રાહ્મણ માંગે, તેને તે મૂલ્ય આપી અને તે વસ્તુ તેની પાસેથી પાછી લઈ લો.”

“અર્થાત, એવું થઈ શકે છે ખરું..!”

“દેવી, એ તો વ્યાપારની વાત છે. જો બ્રાહ્મણ સંમત થાય, તો પછી તેનું મૂલ્ય આપો અને વસ્તુ પુનઃ પાછી ખરીદી લો.”

“તો પછી ઠીક છે.” -સત્યભામાએ પળવાર માટે કૃષ્ણ તરફ જોયું પછી કહ્યું.

“સરસ..! જો સ્વીકાર હોય તો ઝડપથી દાન કરવાનો સંકલ્પ કરો. ધાર્મિક વિધિનો શુભ સમય વીતી રહ્યો છે.”

પછી સત્યભામા શ્રીકૃષ્ણને દાનમાં આપવાનો સંકલ્પ કર્યો-

“મારા વ્રતની પૂર્ણાહૂતિ રૂપે હું કૃષ્ણ-પત્ની સત્યભામા, આ વ્રત અનુષ્ઠાનના પુરોહિતશ્રી બ્રહ્મા-પુત્ર નારદને મારા પતિ વસુદેવ-પુત્ર શ્રીકૃષ્ણનું દાન કરું છું.”

રુક્મિણી, જામવંતી, શ્રીકૃષ્ણ અને અન્ય હાજર સર્વે સત્યભામાનો આ નિર્ણય સાંભળી અચરજ પામી ગયા. કોઈ કઈં પ્રતિક્રિયા આપી શકે એ પહેલાં તો, સત્યભામાનું વાક્ય હજુ પૂરું થાય એ સાથે જ નારદમુનિએ કળશમાંથી ફરી પાણી ભરીને ચમચી સત્યભામાને આપીને કહ્યું-

“હવે આ જળને દ્વારકાધીશ ઉપર છાંટો.”

એટલે સૂચનાનુસાર સત્યભામાએ દ્વારિકાધીશ ઉપર પાણી છાંટ્યું.

અને તે સાથે જ નારદમુનિ આનંદથી લગભગ ઉછળી જ પડ્યા. પછી ઉત્તેજિત થઈને હર્ષિત સ્વરમાં શ્રીકૃષ્ણ તરફ જોઈને બોલ્યા- “નારાયણ નારાયણ. દ્વારકાધીશ, તમે અહીં ઉભા રહીને શું કરો છો? ચાલો મારા માટે કંઈક કામ કરો.

“કોઈ આજ્ઞા કરો સ્વામી..!” -વિનમ્રપણે શ્રીકૃષ્ણ બોલ્યા.

“સ્વામી?” -સત્યભામાએ આશ્ચર્ય સાથે કહ્યું.

“હાસ્તો, સ્વામી જ ને..! -દયામણાં સ્વરે કૃષ્ણ બોલ્યા.

“વ્રત પૂર્ણાહુતિની વિધિ સંપન્ન થવા આવી છે, ને હું હવે ખૂબ ભૂખ્યો થયો છું” -નારદજીએ કૃષ્ણે સંબોધિત કરતાં કહ્યું- “તો તમે અંદર જાઓ અને મારા માટે અલ્પાહારની થોડી વ્યવસ્થા કરો. જુઓ, મને લીલા ધાણાની ચટણી ખૂબ જ પ્રિય છે, તો તમારા સ્વહસ્તે મારા માટે સ્વાદિષ્ટ ચટણી વાટો.”

આ સાંભળીને બેઉ કર જોડીને ઉભેલા કૃષ્ણએ શીશ નમાવ્યું- “જેવી આજ્ઞા આપની, સ્વામી.”

“ચાલો હું તમને રસોડું બતાવું.” -નારદજી બોલ્યા અને ત્યાંથી પ્રસ્થાન કરવા ગયા કે સત્યભામાએ તેમને રોક્યા-

“આ શું દેવર્ષિ? મેં દ્વારિકાધીશનું દાન કર્યું તેનો અર્થ એ નથી કે તમે એમને છીનવીને જ લઈ જાઓ.”

“દ્વારકાધીશ..! હવે તમે જ સમજાવો દેવી સત્યભામાને, કે દાન કોને કહેવાય..!” -અજ્ઞાનતાનો ઉપહાસ કરતા હોય એમ હસતા હસતા નારદજી બોલ્યા.

“દાનનો અર્થ એ જ છે જે તમે કહો છો મુનિવર. એટલે કે, હવે તમે અમારા સ્વામી, અને હું તમારો દાસ છું. તમે કહો તેમ કરવું તે મારુ કર્તવ્ય છે.” -નતમસ્તકે કૃષ્ણ બોલ્યા.

“જો આ દાનનો આવો જ અર્થ થતો હોય તો આ દાન કરવાની મારી કોઈ ઈચ્છા નથી.” -સત્યભામાએ પીછેહઠ કરવા ધારી.

“પણ જો તમે દાન નહીં કરો તો એ વિના તમારુ પુણ્યતવ્રત સંપન્ન કેવી રીતે થશે? દેવી, પછી બધી રાણીઓમાં તમને સર્વાધિક પતિપ્રેમ કેવી રીતે પ્રાપ્ત થશે?” -નારદમુનિએ વ્રત કરવાનો મૂળહેતુ યાદ કરાવ્યો.

સત્યભામા, વિચલિત અને વ્યથિત અવસ્થામાં ચોતરફ સૌને નિહાળી રહી. એ ક્ષણે તે ખૂબ જ મૂંઝાયેલી હતી અને એની આંખો આજુબાજુ સહાય યાચતી હતી.

પારિજાત-સત્યભામા વૃતાંતની મધ્યમાં જ શ્રીહરિ થોડું વિરમ્યા અને લક્ષ્મીજીને કહ્યું, “તો દેવી, સત્યભામાની એ ક્ષણની તણાવપૂર્ણ અવસ્થામાં મદદરૂપ થાય એવી કોઈ પ્રતિક્રિયા તમે ત્યારે નહોતી આપી. ખરું ને?”

“હા ખરું પ્રભુ. માનવ અવતારમાં રુક્મિણી સ્વરૂપે ત્યારે ત્યાં ઉપસ્થિત હોવા છતાં, અયોગ્ય અવસર હોવાથી મેં મૌન જ ધરેલું.”

“પણ અત્યારેય એ બાબતે કોઈ ટિપ્પણી નહીં કરો?”

ઉત્તરમાં મહાલક્ષ્મી મંદ મંદ મલકાયા અને બોલ્યા- “ના સ્વામી. અત્યારે પણ કોઈ ટિપ્પણી કરવા નથી ઇચ્છતી. કારણ, સત્યભામાના એ નાદનીયત ભરેલ વલણનો ય મહિમા આપ કઈ શૈલીથી વધારો છો, એ જાણવા જ હું વધુ ઉત્સુક છું.”

(ક્રમશ:)

ભાગ 1 થી 8 અમારા પેજ પર જઈને વાંચી શકો છો.

– સાભાર અશ્વિન મજીઠીયા (અમર કથાઓ ગ્રુપ)