જેનાથી બધા ગભરાતા હતા તે રાવણ પણ રાજા ચક્વવેણના પ્રભાવથી ગભરાઈ ગયો હતો, વાંચો સ્ટોરી. 

0
243

રાજા ચક્વવેણના ત્યાગનો એવો પ્રભાવ હતો કે તેનાથી ગભરાઈને રાવણનો પરસેવો છૂટી ગયો હતો. જાણો એવું શું થયું હતું.

રાજા ચક્વવેણના ત્યાગનો પ્રભાવ

એક સમયે ચક્વવેણ નામના રાજા થઈ ગયા. તેઓ ઘણા જ સદગુણી, સદાચારસંપન્ન, ધર્માત્મા, સત્યવાદી, સ્વાવલંબી, ઉદ્યમી, ત્યાગી, વૈરાગી, જ્ઞાની, ભક્ત, તેજસ્વી, તપસ્વી અને ઉચ્ચ કોટિના અનુભવી મહાપુરુષ હતા. તેઓ રાજ્યની ધનસંપત્તિને દૂષિત માનીને તેનો પોતાને માટે તેમ જ પોતાની પત્ની માટે ઉપયોગ કરતા ન હતા. પ્રજા પાસેથી જે કંઈ કર લેવામાં આવતો હતો તે કરની તમામ રકમ પ્રજાની સેવાનાં કામોમાં ખર્ચવામાં આવતી હતી.

તેઓ રાજ્યનું કાર્ય નિરભિમાનપૂર્વક નિષ્કામભાવે તન-મનથી કરતા હતા. તેમનો પ્રજાજનો પર ભારે પ્રભાવ હતો. રામરાજ્યની જેમ તેમના રાજ્યમાં કોઈ દુ:ખી ન હતું, બધાં જ બધી રીતે સુખી હતાં. તેઓ પોતાના શરીરનિર્વાહ માટે પોતાની અલગ ખેતી કરતા હતા. બળદના સ્થાને સ્વયં રાણી જોતરાઈને હળ ખેંચતી હતી અને તેઓ બી વાવતા હતા. તેઓ પોતાના ખેતરમાંથી જ નીપજેલા ધાનથી પોતાનું ભરણપોષણ કરતા હતા.

તેઓ શેરડી, કપાસ, અનાજ, ફળ અને શાકભાજીની ખેતી કરતા હતા. પોતાના ખેતરમાંથી નીપજેલા કપાસના રૂમાંથી જ વસ્ત્રો બનાવીને પહેરતા હતા, પોતાના ખેતરમાંથી નીપજેલી શેરડીનો જ ગોળ બનાવીને ખાતા હતા અને પોતાના ખેતરમાંથી નીપજેલાં અનાજ, ફળો અને શાકભાજીનો જ ભોજન માટે ઉપયોગ કરતા હતા.

તેમની પત્ની પાસે કોઈ પણ ઘરેણાં ન હતાં; કારણ કે તેઓ રાજ્યની ધનસંપત્તિમાંથી તો ઘરેણાં બનાવડાવે જ નહિ અને પોતે કરેલી ખેતીની નીપજમાંથી તો કેવળ સાદગીભર્યા જીવનનું ખાવા-પહેરવાનું જ બની શકે તેમ હતું. ખેતી સિવાય તેમણે રાજ્યનાં કાર્યોમાં પણ સમય આપવો પડતો હતો. તેમનું જીવન એક સીધાસાદા સદાચારી ખેડૂત જેવું હતું. ઊંઘવા માટેના છ કલાક સિવાયનો તેમનો બધો જ સમય ઈશ્વરભક્તિ, પરોપકાર, રાજ્યકારોબાર અને ખેતીનાં કાર્યોમાં જ વીતતો હતો.

બધા જીવો પ્રત્યે તેમનો સમતા, દયા અને પ્રેમનો ભાવ એકસરખો રહેતો હતો. તેઓ બધાં પ્રાણીઓને પરમાત્માનું સ્વરૂપ માનીને બધાંની નિષ્કામ પ્રેમભાવથી સેવા કરતા હતા. તેઓ સ્વાવલંબી હતા; પોતાની જાત માટેનાં કામ તેઓ જાતે જ કરતા હતા, કોઈ રાજ્ય-કર્મચારી, નોકર કે અન્ય પાસે કરાવતા ન હતા. તેઓ જે કંઈ પણ કાર્ય કરતા તે આસક્તિરહિત અને અહંકારરહિત બનીને ખૂબ જ ખંત અને ધીરજથી કરતા હતા.

એક દિવસની વાત છે. જે દેશમાં રાજા ચક્વવેણ રહેતા હતા ત્યાં એક ઘણો મોટો મેળો ભરાયો હતો. તેમાં નગરનાં તેમ જ અન્ય ઘણા પ્રદેશોનાં લોકો ઘણી મોટી સંખ્યામાં એકઠાં થયાં હતાં. રાજા-રાણીનાં દર્શન કરવા માટે આમેય લોકો ઠીકઠીક સંખ્યામાં આવ્યા કરતાં હતાં, પણ મેળાને લીધે દર્શનાર્થી સ્રી-પુરુષોની ભીડ ઘણી વધુ રહેતી હતી. રાજાની પાસે અધિકાંશ પુરુષો જતા હતા, તો રાણીની પાસે અધિકાંશ સ્ત્રીઓ જતી હતી.

એક દિવસે, ઘણાંબધાં ઘરેણાં અને રેશમી વસ્ત્રોથી સજ્જ બનેલી અને અનેક દાસીઓથી ઘેરાયેલી, ઘણીબધી ધનવાન વેપારીઓની સ્ત્રીઓ રાણીનાં દર્શન કરવા તેમની પાસે ગઈ.

તે સ્ત્રીઓએ કહ્યું – ‘રાણીબા! તમારાં વસ્ત્રો છે તેવાં વસ્ત્રો તો અમારી મજૂરબાઈઓ પણ પહેરતી નથી. તમે અમારી નોકરાણીઓને જુઓ કે તેઓ કેવાં કપડાં-ઘરેણાં પહેરે છે? તમારાં કપડાં- ઘરેણાં તો અમારાં બધાં કરતાં પણ ચડિયાતાં હોવાં જોઈએ. જેમ પેલી સ્ત્રીઓ અમારી દાસીઓ છે તેવી રીતે અમે બધી સ્ત્રીઓ તમારી દાસી જેવી ગણાઈએ. તમારા પતિ મોટા સમ્રાટ છે. તમે તેમને થોડોક પણ ઇશારો કરશો તો તેઓ તમારા માટે અમારાં કરતાં પણ ચડિયાતાં વસ્ત્રાભૂષણોની વ્યવસ્થા કરી દેશે.

તમે તો અમારાં સ્વામિની છો તેથી તમને આવી વેશભૂષામાં જોઈને અમને દુઃખ થાય છે. આવાં વસ્ત્રો તો ભીખ માગનારી ભિખારણ પણ પહેરવાનું પસંદ કરે નહિ. એક સમ્રાટની મહારાણીનાં જેવાં વસ્ત્રાભૂષણ હોવાં જોઈએ તેવા રૂપમાં અમે તમને જોવા માગીએ છીએ.’ આ રીતે કહીને તે સ્ત્રીઓ પોતાનો પ્રભાવ પાડીને ચાલી ગઈ. રાણીના મન ઉપર તેમની વાતોની ભારે અસર થઈ.

રાત્રિસમયે મહારાજ જ્યારે આવ્યા ત્યારે રાણીએ તેમને બધી બીના કહી સંભળાવી અને પેલી ધનિક વેપારીઓની સ્ત્રીઓએ દિવસે જે કંઈ કહ્યું હતું તે બધું રાજા આગળ રજૂ કર્યું અને તેમને આગ્રહ કર્યો કે ‘મારે પહેરવા માટે કીમતી વસ્ત્રાભૂષણો મંગાવી આપો.’

જવાબમાં રાજાએ કહ્યું – ‘કેવી રીતે મંગાવી આપું? રાજ્યના ધનનો વ્યવહારમાં ઉપયોગ કરવાનું દૂર રહ્યું, હું તો તે ધનને અડકતો સુદ્ધાં નથી. કેમ કે, તેમ કરવાથી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે.’ રાણી પણ ઘણી જ ઊંચી કક્ષાની સ્ત્રી હતી, પરંતુ વસ્ત્રાભૂષણોથી શણગારાયેલી પેલી ધનિક વેપારીઓની સ્ત્રીઓની ઘણી અસર તેના પર પડી ચૂકી હતી.

તેથી રાણીએ કહ્યું – “ભલે, ગમે તે હોય; પરંતુ તમે સમ્રાટ છો અને હું તમારી પટરાણી છું. એક સમ્રાટની પટરાણીને શોભે તેવાં કીમતી વસ્ત્રાભૂષણો મારા માટે મંગાવી આપવાની કૃપા તો તમારે કરવી જ પડશે.’’ પત્નીના પ્રેમથી પ્રભાવિત બનેલા રાજાએ વિચાર્યું – ‘રાણી કેટલોયે આગ્રહ કેમ ના કરે, પણ હું રાજ્યના ધનનો તો કોઈ પણ સંજોગે ઉપયોગ કરી શકું નહિ. પરંતુ હું સમ્રાટ છું; અને તેથી દુષ્ટ, અત્યાચારી તથા બળવાન રાજાઓ પાસેથી ખંડણી (વેરો) લઈ શકું છું.’

આમ વિચારીને તેમણે ઉપરાજ્યો તથા તાબાનાં રાજ્યોનો કારોબાર સંભાળનારા મંત્રીને બોલાવ્યા અને કહ્યું – ‘મંત્રીજી! તમે રાક્ષસોના રાજા રાવણ પાસે જાઓ અને કહેજો કે ‘હું રાજા ચક્વવેણ તરફથી આવ્યો છું; તેમણે મને તમારી પાસેથી ખંડણીરૂપે સવા મણ સોનું મેળવવા માટે તમારી પાસે મોકલ્યો છે.’

સમ્રાટની આજ્ઞાથી તે મંત્રી કેટલાક માણસોને સાથે લઈ, રથમાં બેસીને સમુદ્રકિનારે પહોંચ્યા અને ત્યાર પછી જહાજ દ્વારા સમુદ્રના સામા કિનારે પહોંચીને લંકામાં પ્રવેશ્યા તથા રાજ્યસભામાં જઈને અત્યંત નમ્રતાપૂર્વક અને સભ્યતા સાથે સમ્રાટ ચક્વવેણનો સંદેશો કહી સંભળાવ્યો.

સંદેશો સાંભળતાં જ રાવણ હસ્યો અને તેણે રાજ-સભાસદોને કહ્યું – ‘‘જુઓ, સંસારમાં એવા મૂર્ખ રાજાઓ હજી પણ છે કે જેઓ ઋષિઓ, દેવો, રાક્ષસો વગેરે તમામ પાસેથી ખંડણી વસૂલ કરનારા મારા જેવા સર્વતંત્ર-સ્વતંત્ર મહાસમ્રાટ પાસેથી પણ ખંડણી લેવાની આશા રાખે છે!’’ રાવણે રાજા ચક્વવેણના દૂતને કેદ કરવા ઇચ્છયું, પરંતુ સભાસદોનો આગ્રહ થવાથી તેને છોડી દીધો. તે મંત્રી રાવણની સભામાંથી નીકળીને સમુદ્રકિનારે પાછો આવ્યો.

ત્યારબાદ રાવણ રાત્રે જ્યારે મહેલમાં મંદોદરી પાસે ગયો ત્યારે તેણે હસતાં હસતાં, મજાક કરતાં મંદોદરીને કહ્યું – ‘‘ભારતદેશમાં ચક્વવેણ નામનો કોઈ રાજા છે. તેનો દૂત આજે રાજસભામાં આવ્યો હતો અને તેણે મને ખંડણીરૂપે સવા મણ સોનું આપવા કહ્યું. મને તો તેના પર હસવું આવ્યું. જુઓ, સંસારમાં આવા મૂર્ખાઓ હજી પણ જીવે છે કે જેઓ મારા જેવા, બધાની પાસેથી ખંડણી વસૂલ કરનારા પાસેથી પણ ખંડણી મેળવવાની આશા રાખે છે! હું તો તે રાજદૂતને કેદ કરવા માગતો હતો, પણ રાજસભાસદોના આગ્રહને કારણે તેને જવા દીધો.”

મંદોદરીએ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું – “સ્વામી! તમે ઘણું ખોટું કર્યું. ચક્વવેણને હું ઓળખું છું. તેઓ સત્યવાદી અને ધર્માત્મા રાજા છે. તેમનું ચક્ર ચાલે છે. તેમના આદેશનું જે પાલન કરતો નથી તેનું અનિષ્ટ થાય છે. તે દૂતને સંતોષ આપીને જ તમારે તેને પરત મોકલવો જોઈતો હતો. તેની ભાળ મેળવીને, હજી પણ તેને સંતોષ કરાવી આપો, નહિતર શી ખબર આપણું કેટલું બધું અનર્થ થવા પામશે!’’

રાવણે કહ્યું – ‘‘તું ઘણી ડરપોક છે. મનુષ્યોના તુચ્છ રાજાઓની તને આટલી બીક લાગે છે? હું તો એની કશી જ પરવા કરતો નથી.’’ રાણીએ કહ્યું – ‘‘કાલે પ્રાતઃકાળે હું તમને ચક્વવેણનો પ્રભાવ દેખાડીશ.’’

સવાર થતાં જ મંદોદરી રાજાને સાથે લઈને મહેલની છત ઉપર ગઈ, કે જ્યાં તે દરરોજ કબૂતરોને ચણ નાખતી હતી. અનાજ ચણવા ત્યાં ઘણાંબધાં કબૂતર આવતાં હતાં. મંદોદરીએ ત્યાં અનાજ ચણતાં પક્ષીઓને કહ્યું – ‘‘તમને રાજા રાવણની આણ છે. ખબરદાર! દાણા ચણશો નહિ.’’ પરંતુ તે પક્ષીઓ દાણા ચણતાં જ રહ્યાં. પછી રાણીએ રાજાને કહ્યું – ‘‘જુઓ, તમારી સામે જ અને તમારી આણ દીધા છતાં પણ આ બધાં દાણા ચણતાં જ રહ્યાં.’’

રાવણે કહ્યું – ‘‘પ્રિયે! આ પક્ષીઓ બિચારાં શું સમજે?’’ મંદોદરી બોલી – ‘‘હવે તમે રાજા ચક્વવેણનો પ્રભાવ જુઓ.’’ પછી તેણે પક્ષીઓને કહ્યું – ‘‘સાવધાન! તમને ચક્વવેણની આણ છે, કોઈએ દાણા ચણવા નહિ.’’ આટલું સાંભળતાં જ તમામ પક્ષીઓએ એકસાથે જ દાણા ચણવાનું બંધ કરી દીધું. તે પક્ષીઓમાં એક કબૂતર બહેરું હતું, તે કશું પણ સાંભળી શકતું ન હતું, તેથી તેણે ચણ માટે દાણો ઉપાડ્યો. જેવો તેણે દાણો ઉપાડ્યો કે તરત તેની ગરદન તૂટી પડી.

રાણીએ રાવણને કહ્યું – ‘‘જોયું ને! રાજા ચક્વવેણની આણ આપવાથી બધાંએ દાણા ચણવાનું બંધ કરી દીધું. એક બહેરા કબૂતરે નહિ સાંભળવાના કારણે દાણો ઉપાડ્યો તો તેથી ચક્વવેણના ચક્રથી તેનું માથું કપાઈ ગયું!” એ પછી રાણીએ પક્ષીઓને કહ્યું – ‘‘હવે હું ચક્વવેણની આણ પાછી લઉં છું. હવે દાણા ચણો.’’ આ સાંભળતાં જ બધાં પક્ષીઓ દાણા ચણવા લાગ્યાં. રાણીએ ફરીથી કહ્યું – ‘‘જેઓ તમારી સામે જ ઊભા છે તે રાજા રાવણની આણ છે, કોઈ પણ દાણા ચણે નહિ.’’ પરંતુ રાજા રાવણ સન્મુખ હોવા છતાં પણ કોઈએ પરવા કરી નહિ અને તે બધાં દાણા ચણતાં જ રહ્યાં.

મંદોદરીએ રાવણને કહ્યું – ‘‘જોયું! તમારો આ પક્ષીઓ પ૨ કશો પણ પ્રભાવ પડતો નથી, પરંતુ રાજા ચક્વવેણના પ્રભાવ વિશે વિચાર કરો કે તેઓ અહીં સામે ઊભા ન હોવા છતાં પણ તેમનો કેટલો પ્રભાવ છે?’’ રાવણે કહ્યું – ‘‘લાગે છે કે આમાં તારી કોઈ માયા છે. નહિતર, આ પક્ષીઓ બિચારાં શું સમજે?’’ આમ કહીને રાવણ વાત ટાળીને રાજસભામાં ચાલ્યો ગયો.

આ તરફ, રાજા ચક્વવેણના મંત્રીએ સમુદ્રકિનારે કાજળ જેવી અત્યંત ચીકણી માટી પાણીમાં ઘોળીને રબડી જેવી બનાવી તથા સમુદ્રકિનારાની જગ્યાને સમતળ ચોરસ બનાવીને તેના ઉપર પેલી માટીથી એક નાના કદની નકલી લંકાની રચના કરી. ઘોળેલી માટીનાં બિંદુ ટપકાવી-ટપકાવીને તેનાથી લંકાનો કિલ્લો, બુરજ, દરવાજા વગેરે બનાવ્યાં, કિલ્લાની ચારે બાજુએ કાંગરા પણ ઘડી કાઢ્યા તથા તે કિલ્લાની અંદરના ભાગે લંકાની રાજધાની અને નગરનાં પ્રસિદ્ધ મોટાં મોટાં મકાનો પણ નાના આકારમાં ઘડી કાઢ્યાં.

તે બધાંની રચના કર્યા પછી તે ફરીથી રાવણની રાજસભામાં ગયો. તેને જોઈને રાવણ ચોંકી ઊઠ્યો અને તેણે તેને કહ્યું – “અરે! તું અહીં ફરી વાર શા માટે આવ્યો છે?’’ તેણે કહ્યું- “હું તમને એક કૌતુક બતાવવા માગું છું. તમે મારી સાથે સમુદ્રતટ પર આવો.’’ રાવણ કૌતુક જોવા ઉત્સુક બન્યો અને કેટલાક રાજ-સભાસદોને સાથે લઈને સમુદ્રતટ પર ગયો, કે જ્યાં પેલા મંત્રીએ નાના આકારમાં નકલી લંકાની રચના કરી હતી.

તે મંત્રીએ રાવણને પૂછ્યું – ‘‘જુઓ, તમારી લંકાની આ બરાબર નકલ જ છે ને?” રાવણે તેની અદ્ભુત કારીગરી જોઈ અને કહ્યું – “ઠીક છે; પણ શું આ બતાવવા જ મને તું અહીં લઈ આવ્યો છે?’’ મંત્રીએ કહ્યું – ‘‘ના, ના. આ લંકા બાબતે તમને હું એક કૌતુક બતાવું છું. જુઓ, લંકાનો પૂર્વભાગનો કિલ્લો, કાંગરા, બુરજ અને દરવાજો સ્પષ્ટપણે જેવા છે તેવા જ દેખાય છે ને?” રાવણે કહ્યું – “હા, દેખાય છે.’’

મંત્રીએ કહ્યું – “મેં રચેલી આ લંકાના પૂર્વ દિશાના દરવાજાના કાંગરાઓને હું રાજા ચક્વવેણની આણ દઈને તોડી પાડું છું; તેની સાથે જ તમે તમારી લંકાના પૂર્વ દિશાના દરવાજાના કાંગરા તૂટતા જોશો.’’ આટલું કહીને મંત્રીએ ‘‘રાજા ચક્વવેણની આણ છે’ એમ બોલીને પોતે રચેલી લંકાના પૂર્વ દિશાના દરવાજાના કાંગરા તોડી પાડ્યા. એ કાંગરાઓના તૂટી પડવાની સાથે જ રાવણની અસલી લંકાના પૂર્વદિશાના દરવાજાના કાંગરા તૂટતા દેખાયા. આ જોઈને રાવણને ભારે આશ્ચર્ય થયું.

એ પછી દૂતે કહ્યું – ‘‘હવે હું રચેલી લંકાના પૂર્વદિશાના દરવાજાની આજુબાજુના ચારેય બુરજ નષ્ટ કરું છું; તેની સાથે સાથે જ તમે તમારી અસલી લંકાના બુરજોને પણ નષ્ટ થતા જોશો.’’ આમ કહીને તેણે ચક્વવેણની આણ આપીને પોતે બનાવેલી માટીની લંકાના બુરજો નષ્ટ કરી દીધા; અને તે સાથે જ રાવણની અસલી લંકાના પૂર્વદિશાના દરવાજાના બુરજ પણ ચૂરેચૂરા થઈને નષ્ટ થઈ ગયા. આ જોઈને રાવણને અત્યંત આશ્ચર્ય થયું અને તેને મંદોદરીએ કહેલી વાત યાદ આવી ગઈ.

ત્યારબાદ રાજા ચક્વવેણના મંત્રીએ કહ્યું – “હે રાજન્! તમે જો ખંડણીરૂપે સવા મણ સોનું આપશો નહિ, તોપણ રાજા ચક્વવેણને તમારી સાથે યુદ્ધ કરવાની જરૂર નહિ જ પડે. રાજા ચક્વવેણના પ્રભાવનું ચક્ર ચાલે છે. હું એકલો જ તમારી લંકાને નષ્ટ-ભ્રષ્ટ કરવા માટે પૂરતો છું. હમણાં જ રાજા ચક્વવેણની આણ આપીને તમારી લંકાને પળવારમાં હાથનો એક ઝાટકો મારીને નષ્ટ કરી દઉં છું. તમે આ લંકાનું રક્ષણ કરી શકતા હો તો કરી જુઓ. તમારે જો લંકાનું રક્ષણ કરવું છે તો ખંડણીરૂપે સવા મણ સોનું આપી દો; એ સિવાય લંકાને બચાવવાનો બીજો કોઈ ઉપાય નથી.’’

રાવણે વિચાર્યું – “મારા જોતાં જ પળવારમાં પૂર્વ-દ્વારના કાંગરા અને ચારે બુરજ તૂટી પડ્યા, જે ધાતુના બનાવેલા અને ઘણા જ મજબૂત હતા. આ રીતે તો આ આખીય લંકાનો નાશ કરવો એ આના માટે ડાબા હાથનો ખેલ છે.’’ આમ વિચારીને રાવણે ખંડણીરૂપે સવા મણ સોનું આપવાનું કબૂલ કર્યું અને મંત્રીને કહ્યું – “ચાલો, તમને હું સવા મણ સોનું આપી દઉં છું.’’ એ પછી રાવણે મંત્રીને સવા મણ સોનું આપીને વિદાય કર્યો.

મંત્રી સવા મણ સોનું લઈને રાજા ચક્વવેણ પાસે પાછો આવી ગયો. તેણે રાજા-રાણીની પાસે જઈને તેમની આગળ સવા મણ સોનું મૂક્યું અને કહ્યું – “તમારી આજ્ઞા મુજબ રાવણ પાસેથી ખંડણીરૂપે સવા મણ સોનું લઈને આવ્યો છું.’’ રાજાએ “તમે આ સોનું કેવી રીતે મેળવ્યું?’’ એમ પૂછ્યું ત્યારે તેણે આખી ઘટના શરૂથી અંત સુધી કહી સંભળાવી.

આ ઘટના સાંભળીને રાણીને ભારે આશ્ચર્ય થયું અને તે વાતનો તેના પર ઘણો પ્રભાવ પડ્યો. તેણે રાજાને પૂછ્યું – ‘આ તે શી વાત છે?’ રાજાએ કહ્યું – “આપણે સ્વાવલંબી બનીને પરિશ્રમપૂર્વક ખેતી કરીને પોતાનો નિર્વાહ કરતાં કરતાં વૈરાગ્ય અને ત્યાગપૂર્વક પોતાનું જીવન વિતાવીએ છીએ અને નિષ્કામભાવે પ્રજાનું ધન પ્રજાની સેવામાં જ વાપરીએ છીએ, પોતાના અંગત કામ માટે રાજ્યના ધનને અડતાં સુદ્ધાં નથી તેનો આ પ્રભાવ છે.’’

આ સાંભળીને રાણીનું હૃદયપરિર્વતન થયું. તેણે કહ્યું – “હે સ્વામી! હું કીમતી વસ્ત્રાભૂષણ પહેરીશ નહિ. જે રીતે આજ સુધી નિયમપૂર્વક રહી જે છું તેવી જ રહીશ અને એમાં કશો જ ફેરફાર કરીશ નહિ. ધનિક વેપારીઓના સ્ત્રીઓના કુસંગને લીધે મારી બુદ્ધિ ત્યાગ-વૈરાગ્ય અને ધર્મભાવનાથી વિચલિત થઈ ગઈ હતી, પરંતુ હવે તેમના સંગનો કશો પ્રભાવ મારા પર રહ્યો નથી. મેં તમારી સાથે જે કંઈ દુરાગ્રહ કર્યો તે બદલ મને ક્ષમા ક૨વા તમને હું પ્રાર્થના કરું છું. મારો અપરાધ માફ કરો અને આ સોનું પાછું મોકલી આપો.’’

રાજાએ તેની વાત માની લીધી અને મંત્રીને કહ્યું – “મંત્રીજી! રાણી ૫૨ કુસંગનો જે પ્રભાવ પડ્યો હતો તે ઈશ્વરકૃપાથી દૂર થઈ ગયો છે. હવે આ ધન (સોનું) તમે જ્યાંથી લાવ્યા હતા ત્યાં પાછું આપી આવો.’’ રાજાની આજ્ઞા થતાં જ મંત્રી તે સોનું લઈને ફરી લંકાપતિ રાવણ પાસે ગયો અને રાજસભામાં જઈને બોલ્યો – “મહારાજ ચક્વવેણે તમારું આ સોનું પાછું મોકલ્યું છે. તેમની પત્નીને કીમતી વસ્ત્રાભૂષણો પહેરવાની અભિલાષા જાગી હતી તે ભગવાનની કૃપાથી હવે રહી નથી. તેથી હવે તેમને આની જરૂર નથી.’’

આ વાત સાંભળીને રાવણના હૃદય પર ચક્વવેણના ત્યાગનો અત્યધિક પ્રભાવ પડ્યો. તેણે તે સોનું રાખી લઈને ઘણા જ આદરસત્કાર સાથે મંત્રીને વિદાય આપી. મંત્રીએ પાછા આવીને સોનું પાછું આપ્યાની બધી વાત રાજા-રાણીને કહી. દૂતની વાત સાંભળીને રાજા-રાણીને ઘણી પ્રસન્નતા થઈ. રાજા ચક્વવેણનો પ્રભાવ યક્ષ, રાક્ષસ, દેવતા, મનુષ્ય, ઋષિ-મુનિ, પશુ-પક્ષી વગેરે તમામ ૫૨ પ્રવર્તતો હતો.

આ વાર્તામાંથી આપણે એ બોધ ગ્રહણ કરવો જોઈએ કે પ્રત્યેક સ્ત્રી-પુરુષ પોતપોતાના વર્ણ અને આશ્રમ અનુસાર ન્યાય અને સચ્ચાઈપૂર્વક નિષ્કામભાવે પોતાનું જીવન જીવવું જોઈએ. બીજાઓના આશ્રિત બનીને પોતાનો જીવનનિર્વાહ કરવો એ આપણા પોતાના માટે ઘૃણાસ્પદ બાબત છે.

જૂઠ, કપટ, બેઈમાની દ્વારા કમાયેલા ધનને લીધે આપણને મેવા-મિષ્ટાન્ન મળી રહે તો તે આપણા માટે ઝેર સમાન છે, જ્યારે ન્યાયપૂર્વક કરેલી પોતાની કમાણીના પવિત્ર પૈસાથી ફક્ત એક મુઠ્ઠી ચણા જ ખાવા મળે તો તે આપણા માટે અમૃત સમાન છે.

આપણે બીમારી અને આફતના સમયને બાદ કરતાં હંમેશાં, નોકર-ચાકર, પત્ની-પુત્ર, શિષ્ય વગેરે હોવા છતાં પણ, આપણું પોતાનું કામ, બની શકે ત્યાં સુધી પોતે જ કરવાની ટેવ પાડવી જોઈએ કે જેના પરિણામે આપણે બીજાઓને આધીન રહીને જીવવું પડે નહિ.

કલ્યાણ પામવાની ઇચ્છાવાળા મનુષ્યો માટે બીજાઓના આશ્રિત બનીને જીવવું એ લજ્જાસ્પદ બાબત છે. સાથે સાથે, આપણે સમયને અમૂલ્ય સમજીને એક ક્ષણ પણ વ્યર્થ વિતાવવી જોઈએ નહિ. હરહંમેશ ભગવાનનું સ્મરણ કરતા રહીને પરોપકારનાં તથા શરીરનિર્વાહ વગેરે માટેનાં કાર્યો કરતા રહેવું જોઈએ. ઊંઘવા માટેના છ કલાકને બાદ કરતાં બાકીના સમયમાંથી એક ક્ષણના સમયને પણ વ્યર્થ વિતાવવો જોઈએ નહિ અને તેનો દુરુપયોગ કરવો જોઈએ નહિ.

મનુષ્યજીવન ઘણું જ મૂલ્યવાન છે. તેથી એક ક્ષણ પણ નકામી જવી જોઈએ નહિ. આપણી સમજ પ્રમાણે જેને સૌથી સારું કામ સમજતા હોઈએ તે કામ આપણે કરતા જ રહેવું જોઈએ.

થોડાક સમયનો કુસંગ પણ મનુષ્ય માટે ઘણો જ નુકસાનકારક બની જાય છે એ વાતને ધ્યાનમાં રાખીને નાસ્તિક, નીચ, પ્રમાદી, ભોગી, પાપી, બેકાર, આળસુ, પરાશ્રિત બનીને જીવનનિર્વાહ કરનારાં, કીમતી વસ્ત્રાભૂષણ પહેરનારાં, ખેલ-તમાશા એવું નાટક-સિનેમા જોનારાં તથા માદક દ્રવ્યોનું સેવન કરનારાં, દુર્વ્યસની સ્ત્રી-પુરુષોનો કદી પણ, ભૂલથી પણ, એક ક્ષણ માટે પણ સંગ કરવો જોઈએ નહિ.

અને પ્રમાદ, આળસ, નિદ્રા, ભય, ઉદ્વેગ, રાગ, દ્વેષ, અહંકાર, દુર્વ્યસન વગેરેથી પર રહીને પોતાનું જીવન વિવેક, વૈરાગ્ય, ત્યાગ અને સંયમપૂર્વક, નિષ્કામભાવે ભજન-ધ્યાન અને સત્સંગ-સ્વાધ્યાયમાં જ વિતાવવું જોઈએ તથા સમસ્ત સંસારમાં પ્રાણીમાત્રને પરમાત્માનું સ્વરૂપ સમજીને આસક્તિરહિત અને નિરભિમાની બનીને નિષ્કામભાવપૂર્વક તન-મનથી બધાંની સેવા કરવી જોઈએ તેમ જ બધાં પર સમાનભાવે નિર્દેતુક દયા અને પ્રેમ રાખવાં જોઈએ.

(ટિપ્પણી : રાજા ચક્વવેણની વાર્તા, ક્યાંય કોઈ પુસ્તકમાં તો મને જોવા મળી નથી; પરંતુ તે પરંપરાથી લોકવિખ્યાત છે. ચક્વવેણનો આ ઇતિહાસ વાસ્તવિક છે કે કાલ્પનિક તેની પણ મને ખબર નથી. જે કંઈ પણ હોય, આપણે તો તેમાંથી બોધપાઠ લેવાનો છે. – લેખક)

– જયદયાલ ગોયન્દકા