‘રામે તે સરોવર ખોદિયાં ને…’ આ લોકગીત તમને રામાયણની સ્મૃતિ તાજી કરાવી દેશે.

0
1022

રામે તે સરોવર ખોદિયાં ને લક્ષ્મણ બાંધે પાળ,

સીતાજી પાણીડાં સાંચર્યાં રે મારી મરઘાનેણી નાર.

તું રે મારે મન લખમણજતિ, મને ઘડી ન વીસરે રામ !

સોનાની શિંગડીએ રૂપલાની ખરીએ મરઘો ચરી ચરી જાય,

કંથ ન મળે કોડીલડો તે મરઘો મા રવાને જાય !

–તું મારે મન લખમણજતિ…..

જોગીને વેશ રાવણ આવ્યો દસ માથાળો દૈત,

ભિક્ષા દોને, સતી સીતવા રે! અમે ભૂખ્યા છઇએ અતીત.

–તું રે મારે મન લખમણજતિ…..

થાળ ભરીને સીતા વનફળ લાવ્યાં, લોને બાવાજી !થાળ,

છૂટી ભિક્ષા અમે નૈ રે લઇએ, મારા ગુરુજીને બેસે ગા ળ.

–તું રે મારે મન લખમણજતિ….

પે’લો તે પગ પાવડીએ દીધો, બીજો મઢીની બા’રે,

બાંવડી લોડાવીને ખંભે ચડાવી એ તો લૈ ગિયો લંકા મોઝાર.

–તું રે મારે મન લખમણજતિ….

સવા તે લાખનો ચૂડો મંગાવું ને આપું એકાવળ હાર,

અંગૂઠડીમાં તને રતન મઢાવું, તું ઘડી એક રામ વિસાર !

–તું રે મારે મન લખમણજતિ….

ચૂડલો તે તારો પથર પછાડું ને બાળું એકાવળ હાર,

અંગૂઠ્ડીમાં તારી આણ મેલાવું, મારે ભવોભવ રામ ભરથાર.

–તું રે મારે મન લખમણજતિ….

સંકલન/સંપાદન : હસમુખ ગોહીલ

સાંભળો ઓડિયો :