રામે અયોધ્યા પાછા ફર્યા પછી પોતાના ભાઈઓની પત્નીઓને કોઈ ઉપહાર માંગવા કહ્યું ત્યારે તેમણે જે માંગ્યું તે દરેકે જાણવું જોઈએ.

0
796

રામ જ્યારે અયોધ્યા પાછા ફરે છે, ત્યારે પહેલાં કૈકેયીને મળવા જાય છે. કૈકેયી અતિ ક્ષોભિત હતી કે, મારાથી આ શું થઈ ગયું ? ચૌદ-ચૌદ વર્ષે રામ આવ્યા ત્યારે કૈકેયીને તો મોં બતાવવાનું ભારે પડતું હતું. પણ રામ સામેથી પહેલાં ક્યાં જાય છે? કૈકેયીભવનમાં. કૌશલ્યાભવનમાં નથી જતા, પહેલાં કૈકેયીભવનમાં જાય છે. અને કૈકેયીભવનમાં એક આશ્ચર્ય, એક વિસ્મય એમની રાહ જોઈને બેઠું છે. વિસ્મય કયું?

લક્ષ્મણની પત્ની ઊર્મિલા, ભરતની પત્ની માંડવી અને શત્રુઘ્નની પત્ની શ્રુતકીર્તિ, ત્રણેત્રણ ત્યાં બેઠાં હતાં. તે સીતાની બહેનો હતી. રામે એ ત્રણેયને જોયાં – કૈકેયીભવનમાં. એટલો હર્ષ થયો કે રામથી બોલાઈ ગયું કેઃ “આજે હું અતિ પ્રસન્ન છું. ચૌદ વર્ષ પછી તમને મળું છું. તમે ત્રણેય કોઈક ભેટ – કોઈ ઉપહાર મારી પાસેથી માંગી લ્યો. હું અતિ પ્રસન્ન છું. માંગી લો મારી પાસેથી.

ઊર્મિલાનો. પહેલો વારો. લક્ષ્મણ-પત્ની ઊર્મિલા, તું કંઈક માંગ. જેટલું મૂલ્યવાન માંગી શકે એટલું મૂલ્યવાન માંગ.” ઊર્મિલા જવાબ આપે છે કે : “હે રામ, તમે ચૌદ-ચૌદ વર્ષ સુધી લક્ષ્મણને તમારી સાથે રાખ્યા અને ચૌદ-ચૌદ વર્ષ સુધી લક્ષ્મણ પ૨ જે પ્રેમ ઢોળ્યો, તે મારે માટે સૌથી મોટો ઉપહાર છે. મારે બીજું કંઈ નહીં જોઈએ.” રામ થોડા નિરાશ થયા કે આ ઊર્મિલા કાંઈ માંગતી નથી. એટલે એમણે માંડવી તરફ નજર કરી.

માંડવીને કહ્યું કે, “તું મને નિરાશ નહીં કરતી. તું તો કંઈક માંગ.” એટલે માંડવી કહે છે : “આજે અયોધ્યાના પાદર પર મેં તમારું અને ભરતનું જે મિલન જોયું, તમે ભરતને છાતી સરસા ચાંપ્યા, ચૌદ વર્ષ પછી એના પર આંસુ વહેવડાવ્યાં, એ જ મારો ઉપહાર.” રામ પાછા નિરાશ થઈ ગયા કે, આ બીજી પણ નથી ગાંઠતી મને !

છેવટે આશાભરી આંખે રામ શ્રુતકીર્તિ તરફ વળે છે. “શ્રુતકીર્તિ, આ બે તો મારું માનતી નથી, તું તો મારી પાસે જરૂર કંઈક માંગજે.” શ્રુતકીર્તિ કહે છે : “એ બેયે ભલેને ન માંગ્યું, હું તો માંગવાની જ છું.” રામ તો ખુશ થઈ ગયા કે, ચાલો એક જણે તો મારું માન્યું. રામ કહે છે : “બોલ, જરા પણ સંકોચ રાખ્યા વગર જે માંગવું હોય તે માંગી લે.”

શ્રુતકીર્તિ કહે છેઃ “રામ, તમે તાપસ વેશે વનમાં ગયા ને ચૌદ ચૌદ વર્ષ વલ્કલનાં વસ્ત્રો પહેરીને વનવાસ ભોગવ્યો – તમારાં એ વલ્કલનાં વસ્ત્રો મારે જોઈએ છે. વલ્કલનાં વસ્ત્રો મને આપી દો.” રામ કહે છે કે, “અરે ! શ્રુતકીર્તિ ! તેં માંગ્યા માંગ્યાં ને આ વલ્કલ માંગ્યાં ? મેં તો કંઈક મૂલ્યવાન ઉપહાર લેવાની વાત કરેલી. આ શું માંગ્યું – વલ્કલ?’

શ્રુતકીર્તિ જવાબ આપે છે : “હે રામ ! એ વલ્કલનાં વસ્ત્રો હું અયોધ્યાના રાજપ્રાસાદમાં બધા લોકો જુએ તેમ ગોઠવવા માંગું છું, જેથી ભારતવર્ષની આવનારી પેઢીઓ એટલું સમજી શકે કે રઘુવંશમાં એક રાજા એવો થયો હતો જેણે પોતાના પિતાનું વચનપાલન કરવા માટે ચૌદ-ચૌદ વર્ષ સુધી વલ્કલનાં વસ્ત્રો પહેરીને વનમાં બધાં કષ્ટ વેઠ્યાં હતાં. એવો એક રાજા થઈ ગયો. એ માટે આ વલ્કલનાં વસ્ત્રો જોઈએ છે.”

ગુણવંત શાહની કોઈ બુકમાં વાંચેલું.

– મિતુલ પાઠક