રામ મારે રસોડે રે – થાળ.
(રાગ માટે અંતમાં ઓડિયો પણ મૂક્યો છે.)
રામ મારે રસોડે રે જમવા આવો ને,
તમે જાનકીની જોડે રે જમવા આવોને.
કાન મારે રસોડે રે જમવા આવોને,
તમે રાઘાજીની જોડે રે જમવા આવોને.
નથી બેસવાને પાટલા, કોથળા નાખ્યા છે,
પીરસવા માટે રે પાતળ રાખ્યા.
નથી રૂપાના વાટકા રે પાતળ રાખ્યા છે,
મારી તૂટેલી છાપરી રે ફૂટેલા નળિયા છે.
નથી લાડવા લાપસી રે રોટલા કીધા છે,
મેં તો જારનાં ઢોકળાં રે વઘારી દીધા છે.
મારી વાડીનાં રીંગણા રે શુદ્ધ કરી શાક કીધું,
સાથે દહીંનું દડબું રે કાન મેં મૂક્યું છે.
મગ-ચોખાની ખીચડી રે ફરસી ફરફરતી,
આદુ મરચાની ચટણી રે તીખી તમતમતી.
મારી વાડીનું પાણી મુક્યું રે સૌ પહેલાં,
તમે આચમન કરજો રે મારા નાવલિયા.
ધન્ય ભાગ્ય અમારા રે મારા શામળિયા,
મુખવાસમાં આપું રે પાનનાં બીડલિયાં,
દાસ ગોવિંદના સ્વામિ રે પૂજું પાવલિયા.
(લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.)
વિડીયો :