જાણો ક્યારે છે રામ નવમી અને કયા મુહૂર્તમાં અને કેવી રીતે કરવી તેમની પૂજા.

0
442

રામનવમીના દિવસે થયો હતો રામચંદ્રનો જન્મ, જાણો રામનવમી પૂજા મુહૂર્ત, અને આ દિવસે શું કરવું જોઈએ

રામનવમી મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામના જન્મદિવસની યાદમાં ઉજવવામાં આવે છે, જેઓ ભગવાન વિષ્ણુના 7 મા અવતાર હતા. દર વર્ષે હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાની નવમી તિથીને રામનવમી તરીકે ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા અનુસાર રામનવમીના દિવસે ભગવાન શ્રી રામનો જન્મ રાજા દશરથના ઘરે થયો હતો.

ભગવાન રામને ભગવાન વિષ્ણુનો અંશ માનવામાં આવે છે. ચૈત્ર નવરાત્રીની નવમી તિથીએ રામનવમી આવે છે. શ્રી રામનો જન્મદિવસ સમગ્ર વિશ્વના તમામ રામ ભક્તો દ્વારા ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે રામ રક્ષા સ્તોત્ર અને રામાયણનો પાઠ કરવો જોઈએ.

રામચરિતમાનસ રામનવમીથી જ લખવાનું શરુ કરવામાં આવ્યું હતું. જી હાં, ગોસ્વામી તુલસીદાસે રામનવમીના દિવસે રામચરિતમાનસ લખવાનું શરૂ કર્યું. તેને ‘તુલસી રામાયણ’ અથવા ‘તુલસીકૃત રામાયણ’ પણ કહેવામાં આવે છે. તુલસીદાસજીને રામચરિતમાનસ લખવામાં 2 વર્ષ 7 મહિના 26 દિવસ લાગ્યા અને તેમણે સંવત 1633 ના માગશર શુક્લ પક્ષમાં રામ લગ્નના દિવસે તે પૂરું કર્યું. તેના સાત કાંડ છે. બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ (યુદ્ધ કાંડ) અને ઉત્તરકાંડ.

રામનવમી પૂજા મુહૂર્ત : રામનવમી પૂજાનો શુભ સમય 11:06 થી 01:38 સુધીનો રહેશે. જેનો સમયગાળો અંદાજે 2 કલાક 33 મિનિટનો રહેશે. નવમી તિથિ 10 એપ્રિલ, રવિવારના રોજ સવારે 01:32 કલાકથી શરૂ થશે અને સોમવાર, 11 એપ્રિલના રોજ બપોરે 03:15 કલાકે સમાપ્ત થશે.

રામનવમી પૂજા વિધિ : રામનવમીના દિવસે રામ મંદિર અથવા ઘરે પણ શ્રી રામની પૂજા કરી શકાય છે. જ્યાં પણ તમે પૂજા કરતા હોવ ત્યાં શ્રી રામની મૂર્તિ કે ફોટો હોવો જરૂરી છે. પૂજા કરતા પહેલા ભગવાન રામની ગંગા જળથી પૂજા કરો. ત્યારપછી ભગવાનની ચોખા, કંકુ, ચંદન, ધૂપ વગેરેથી પૂજા કર્યા પછી તુલસીના પાન અને કમળના ફૂલ ચઢાવો. ઉપરાંત, મોસમી ફળો અને મીઠાઈઓ અર્પણ કરો. આરતી કરીને પૂજા પૂરી કરો. આ દિવસે રામચરિતમાનસ, રામાયણ અને રામરક્ષા સ્તોત્રનો પાઠ કરવો જોઈએ.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.