“રામ રાખે તેને કોણ ચાખે” આ કહેવત સાથે જોડાયેલી સ્ટોરી વાંચીને તમારી આંખો ભીની થઈ જશે.

0
1490

રામ રાખે તેને કોણ ચાખે :

આજે આપણે પ્રખ્યાત ગુજરાતી કહેવત “રામ રાખે તેને કોણ ચાખે” સાથે જોડાયેલી એક સ્ટોરી જાણીશું અને આ કહેવતનો અર્થ અને માણસે કેવા કર્મ કરવા તે જાણીશું.

વાત છે એક ગામમાં રહેતા જીવલા અને તેની પત્ની રૂખીની. બંને વાંસમાંથી ટોપલા, ટોપલી, સૂંપડાં વગેરે બનાવતા અને વેચતા. તેમને ભગવાનમાં ખુબ શ્રદ્ધા. બંને ધાર્મિક જીવ. ભગવાનના ભજન ગાતા ગાતા બંને કામ કર્યા કરે. જીવલો ભજન ગાતો જાય અને વાંસમાંથી ટોપલા ગૂંથવાની ચીપો કાપતો જાય. રૂખી પણ તેની સાથે હોય. જીવલો ભજનની પહેલી કડી ગાય અને રૂખી બીજી. રૂખી વાંસની ચીપો માંથી ટોપલા, ટોપલી વગેરે ગૂંથતી જાય.

આ તેમનો રોજનો નિત્યક્રમ. તેમના ગુંથેલા ટોપલા, ટોપલી, સૂંપડાં અને છાબડીઓ વગેરે ફટાફટ વેચાઈ પણ જાય. બંને પતિ પત્ની દિવસમાં જે પણ કમાણી થાય તેમાંથી ૧ રૂપિયો અલગ કરીને ગોખલામાં મુકેલા રામજીની કુડલીમાં નાખે. તેઓ સાચા દિલથી પ્રાર્થના કરે કે – બાપજી, આ અમારો રોરો છે. કોઈ દિવસ કોઈ ગરીબને કામ આવે એ માટે તને સોંપીએ છીએ. કોઈ સારા કામે વાપરવાની મતિ આપજે, હોં.

તેઓ કમાયેલા પૈસામાંથી બે ટંક ચાલે એટલું સીધુંસામગ્રી ખરીદીને રસોઇ બનાવે. રૂખી બે રોટલા વધારે જ બનાવે. જીવલો દોણી ભરીને છાસ વલોવે. તેઓ મસાલેદાર શાકનું છાલિયું, છાશની દોણી અને રોટલા લઈને ફળીના ઝાડ નીચે પાથરણું પાથરીને જમવા બેસે. રૂખી પણ દયાળુ જીવ, તે બાજુમાંથી ગેમાની બીમાર પત્નીને બોલાવીને જમવા બેસાડે. ક્યાં તો પાછલી વાસમાંથી રજ્જુના નમાયાં છોકરાઓને તેડી લાવે. પછી ભેગા મળી ખાય અને ખવડાવે. પછી મોડી રાત સુધી ભજનો ગાય અને નિરાંતની નીંદર માણે.

સમય સારી રીતે પસાર થતો હતો. એવામાં એક દિવસ રૂખીએ બે મોટા હોડકાં જેવા ટોપલા ગૂંથ્યા. તે જોઈને જીવલાએ મશ્કરી કરી કે રૂખડી, તારા આ મશમોટા ટોપલા કોણ ખરીદશે?

કોણ તે… રામજી આપણો ઘરાક થાશે. તું જોજે ને જીવલા મારો રામજી આ ટોપલા લેવા સદેહે આવશે. પણ પછી તારે મને જાત્રા કરાવવી પડશે.

બહુ સારું… કહીને જીવાએ બને ટોપલા ઝાડની ડાળીએ લટકાવ્યા અને કહ્યું રામજી આવે તેની રાહ જોઈશું… ત્યાં સુધી આ ટોપલાને સાચવી રાખીએ. આ સાંભળી રૂખી હસી પડી અને બાજુમાં રમતો હેમો તેને જોઈને કિલકિલાટ કરતો હસી પડ્યો.

હેમો 6 મહિનાનો થયો હશે ને ગામમાં મેઘરાજાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું. ગામમાં પૂર આવ્યું અને બધું તણાવા લાગ્યું. જીવો અને રૂખી બંને પરોપકારી એટલે ફળિયાના બધા માણસોને ઊંચાણવાળી જગ્યાએ પહોંચાડવામાં લાગી ગયા. લોકો બંનેને દુઆ દેવા લાગ્યાં. પણ પાણીએ એવું જોર પકડ્યું કે ગામમાં આવેલા તળાવની પાળ તૂટી ગઈ.

પરિસ્થિતિ વધારે ખરાબ બની. જીવલો, રૂખી અને નાનકો હેમો પોતાના ઘરમાંથી જરૂરી સામાન લેવા ગયા હતા ત્યારે ઘર પાસે જ ફસાયા. રૂખીના મોં માંથી ચીસ નીકળી, ઓ મારા રામજી! વ્હારે ધાજો. હેમો તો ગભરાયને રડવા લાગ્યો. અચાનક વીજળીનો કડાકો થયો અને જીવલાએ જે ઝાડ પર પેલા મોટા ટોપલા લટકાવેલા હતા તે ઝાડ પર વીજળી પડી. ડાળખી તૂટી અને તે ટોપલા જીવલા અને રૂખી પાસે પહોંચ્યા. બંને જણા થરથર કાંપતા પ્રભુનું નામ દેતાં ટોપલામાં બેસી ગયા. રૂખીએ હેમાને છાતીએ ભીડી લીધો.

ટોપલા તણાતા તણાતા ઊંચાણવાળી જગ્યાએ પહોંચ્યા. ત્યાં ઉભેલા લોકોએ જીવના જોખમે ટોપલાને ખેંચીને જીવા, રૂખી અને હેમાને બચાવી લીધા. ત્યાં ઝમકુ દોશી પણ હતા. આ આખી ઘટના જોઈ તેમની આંખો માંથી આંસુ વહેવા લાગ્યા. તે ધ્રુજતા ધ્રુજતા બોલ્યા, જોયુંને બાપ! રામ રાખે એને કોણ ચાખે?

પછી રૂખી પણ જીવલા તરફ જોતા બોલી, જોયુંને જીવા… મારા ટોપલાનો ઘરાક સદેહે આવીને ઉભો રહ્યોને?

– વડીલોના મોઢે સાંભળેલી સ્ટોરીનું સંપાદન.

લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ, અને કોમેન્ટમાં “જય શ્રી રામ” લખવાનું ચુકતા નહિ.