શું તમે જાણો છો કેટલા દિવસમાં બન્યો હતો રામસેતુ અને તેને બનાવનાર પ્રમુખ ઇન્જિનીયર કોણ હતા.

0
1010

ત્રેતાયુગ સાથે જોડાયેલ રામ સેતુ ફરી એકવાર ચર્ચામાં છે. રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરીને તેની સુરક્ષાની માંગ પર વહેલી તકે સુનાવણી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. ચીફ જસ્ટિસે આ મામલાની સુનાવણી 9 માર્ચે કરવાની ખાતરી આપી છે.

યુપીએના શાસનકાળ દરમિયાન શરૂ કરાયેલ સેતુ સમુદ્રમ પ્રોજેક્ટ (Sethu Samudram Project) હેઠળ, જહાજો માટે રસ્તો બનાવવા માટે રામ સેતુ તોડી પાડવાનો હતો. બાદમાં આ કાર્યવાહી બંધ કરી દેવામાં આવી હતી. રામ સેતુને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી લાંબા સમયથી પેન્ડિંગ છે. રામ સેતુ કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર છે. રામ સેતુનું વર્ણન ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત વાલ્મીકિ રામાયણ અને રામચરિતમાનસ સહિત અન્ય ગ્રંથોમાં પણ જોવા મળે છે. જાણો રામ સેતુ વિશે ગ્રંથોમાં શું લખ્યું છે.

દરિયા પર સેતુ બનાવવાની જરૂર કેમ પડી? વાલ્મીકિ રામાયણ અનુસાર, જ્યારે રાક્ષસ રાજ રાવણે શ્રી રામની પત્ની સીતાનું હરણ કર્યું અને તેમને લંકામાં કેદ કર્યા, ત્યારે રામે સમુદ્ર દેવને સમુદ્ર પાર કરવા વિનંતી કરી. જ્યારે કેટલાય દિવસો સુધી સમુદ્ર દેવ પ્રગટ નહીં થયા ત્યારે ભગવાન શ્રી રામ ગુસ્સે થયા. તે સમુદ્રને સૂકવવા માટે તીર છોડવા જઈ રહ્યા હતા ત્યારે સમુદ્ર દેવ પ્રગટ થયા અને તેમણે શ્રી રામની માફી માંગી અને કહ્યું કે, સમુદ્રની વચ્ચેથી રસ્તો આપવો એ પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન હશે. અને પછી સમુદ્ર દેવતાએ જ શ્રી રામને સેતુ બનાવવાની સલાહ આપી હતી.

રામ સેતુ આમના પુત્ર દ્વારા બનાવવામાં આવ્યો હતો : વાલ્મીકિ રામાયણ અનુસાર ભગવાન શ્રી રામના આદેશથી સમુદ્ર પર પથ્થરોથી સેતુ બનાવવામાં આવ્યો હતો. રામ સેતુનું નિર્માણ મૂળ રૂપથી નલ નામના વાનરે કરાવ્યું હતું. નલ શિલ્પકલા (એન્જિનિયરિંગ) જાણતો હતો કારણ કે તે દેવતાઓના શિલ્પી વિશ્વકર્માનો પુત્ર હતો. આ કળાથી તેણે સમુદ્ર પર સેતુ બનાવ્યો હતો. જો એમ કહેવામાં આવે કે, રામ સેતુ બનાવનાર મુખ્ય ઈજનેર નલ હતા, તો તે ખોટું નહીં હોય.

સમુદ્ર પર સેતુ બનાવવામાં 5 દિવસનો સમય લાગ્યો હતો. પહેલા દિવસે વાંદરાઓએ 14 યોજન, બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, ચોથા દિવસે 22 યોજન અને પાંચમા દિવસે 23 યોજનો સેતુ બનાવ્યો હતો. આમ સમુદ્ર પર કુલ 100 યોજન લંબાઈનો સેતુ બનાવવામાં આવ્યો હતો. આ સેતુ 10 યોજન પહોળો હતો.

શ્રી રામે પોતે આ સેતુ તોડ્યો હતો : પદ્મ પુરાણ અનુસાર લંકા વિજય બાદ શ્રી રામે વિભીષણને લંકાનો રાજા બનાવ્યો અને પોતે અયોધ્યા આવ્યા. થોડા સમય પછી જ્યારે શ્રી રામ લંકા ગયા ત્યારે વિભીષણે કહ્યું, “જ્યારે મનુષ્ય સેતુ પરથી અહીં આવશે અને મને પરેશાન કરશે ત્યારે મારે શું કરવું જોઈએ?” વિભીષણની વિનંતી પર શ્રી રામે પોતાના તીરોથી સેતુના બે ટુકડા કરી દીધા. પછી તેને ત્રણ ભાગમાં વહેંચીને વચ્ચેનો ભાગ પણ પોતાના તીરોથી તોડી નાખ્યો. આ રીતે શ્રી રામે પોતે રામ સેતુ તોડ્યો હતો.

આ માહિતી એશિયાનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.