મન હેત ધરંગી, હરસ ઉમંગી, પ્રેમતુરંગી, પરસંગી,
સુગ્રીવ સથંગી, પ્રેમ પથંગી, શામ શોરંગી, કરસંગી,
દશકંધ દુરંગી, ઝુંબૈ ઝંગી, ભડ રાખસ જડ થડ ભંગી,
રામં અનુરાગી, સીત સુધંગી, બિરદ ઉમંગી બજરંગી…
અવધેશ ઉદાસી, સીત હરાસી, શોક ધરાસી, સંન્યાસી,
અણબખત અક્રાસી, બોલ બંધાસી, લંકા વિળાસી, સવળાસી,
અંજની રુદ્રાસી, કમર કસંસી, સાહર ત્રાસી, તૌરંગી,
રામં અનુરંગી…..
કરજોડ કઠાણં, પાવ પ્રમાણં, દધી પ્રમાણં, ભરડાણં,
ભચકૈ રથ ભાણં, ધરા ધ્રુજાણં, શેષ સમાણં સાતાણં,
ગઢલંક ગ્રહાણં, એક ઉંડાણં, પોચ જવાણં, પ્રેતંગી,
રામં અનુરંગી…
હલકાર હતુરં, ફૌજ ફતુરં, સાયર પુરં સંપૂરં,
કર રૂપ કરુંરં, વધ વકરૂરં, ત્રહકૈ ઘોરં, રણતૂરં,
જોધા સહ જુરં, જુધ્ધ જલુરં, આગેવાનં ઓપંગી,
રામ અનુરંગી..
આસો અલબેલી, બાગ બણેલી, ઘટા ઘણેલી, ગહરેલી,
ચૌકર ભરેલી ફૂલ ચમેલી, લતા સુગંધી, લહરેલી,
અંજની કર એલી, સબૈ સહેલી, હોમ હવેલી, હોમંગી,
રામં અનુરંગી…
નલ નીલ તેડાયાં, ગરવ ના માયા, સબૈ બુલાયા, સબ આયા,
પાષાણ મંગાયા, પાસ પઠાયા, સબ બંદર લારે લાયા,
પર મારગ ના પાયા, રામ રીઝાયા, હનુએ ધાયા, હેતંગી,
રામંં અનુરંગી…
લખણેસ લડાતં, સૈન ધડાતં, મૂરછા ઘાત, મધરાતં,
સાજા ઘડી સાતં, વૈદ વેદાતં, પ્રાણ છંડાતં,પરભાતં,
જોધા સમ જાતં, જોર ન માતં, લેહાથં બીડો લંગી,
રામં અનુરંગી…
હડમત હુંકારં, અનડ અપારં, ભુજબળ ડારં, ભભકારં,
કર રૂપ કરાળં, વિધ વિકરાળં, દ્રોણ ઉઠારં, નિરધારં,
અમરં લીલારં, ભાર અઢારં, લખણ ઉગારં, દધી લંઘી,
રામં અનુરંગી…
સિંધુર સખંડં, ભળળ ભખંડં, તેલ પ્રચંડં, અતડંડં,
કિય હાર હસંડં, અનડ અખંડં, ભારથ ડંડં, ભુંડડં,
ચારણ કુળ ચંડં, વૈરી વિહંડં, પ્રણવૈ કાનડ કવિ પંગી,
રામં અનુરંગી, સીત સુધંગી, બિરદ ઉમંગી, બજરંગી…
– કવિ શ્રી કાનદાસજી મેહુડુ
સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ)