રામાયણનો ભાવાર્થ સંક્ષિપ્તમાં 11 : જીવનમાં મીઠાશ કેવી રીતે આવે તે રામાયણના આ પ્રસંગ પરથી જાણો.

0
446

રામાયણ – ૧૧

વિશ્વામિત્ર શ્રીરામને લેવા આવે છે પણ દશરથજી તેમને મોકલવાની ના પાડે છે. ત્યારે વશિષ્ઠજી દશરથને સમજાવે છે – “વિશ્વામિત્ર પવિત્ર બ્રાહ્મણ છે, તેમની સેવા કરશે તો રામ સુખી થશે.

તમે ના પાડો તે સારું નહિ, ગઈકાલે રામની જન્મ-પત્રિકા મારા હાથમાં આવી હતી, તે જોતાં એમ લાગે છે કે – આ વર્ષમાં રામજીના લગ્નનો યોગ છે, અતિસુંદર રાજ-કન્યા સાથે રામજીના લગ્ન થશે.

માટે તેઓને મોકલો, હું માનુ છું કે વિશ્વામિત્ર અહીં આવ્યા છે – તે કદાચ રામના લગ્ન કરાવવા માટે જ આવ્યા છે.”

દશરથજી રામના લગ્નની વાત સાંભળી ખુશ થયા છે. વશિષ્ઠમાં તેમને પૂર્ણ વિશ્વાસ હતો.

રામ-લક્ષ્મણને સભામાં બોલાવ્યા અને દશરથે તેમને કહ્યું કે – વિશ્વામિત્રના યજ્ઞનુ રક્ષણ કરવાનુ છે.

રામજીએ કહ્યું કે આપ આજ્ઞા આપો તે કરીશું. અને રામજી જવા તૈયાર થયા.

અને માતા કૌશલ્યાની આજ્ઞા લેવા ગયા. કૌશલ્યા કહે છે – બેટા, તમારાં પિતા કહે તેમ કરવાનું.

તેમની આજ્ઞા તે જ મારી આજ્ઞા. તમારા પિતા અને વિશ્વામિત્ર પ્રસન્ન થાય તેવું કરો.

કૌશલ્યા એ વિચાર્યું-મારો રામ યૌવનમાં પ્રવેશ કરે છે, વિશ્વામિત્ર જેવા સંયમી-તપસ્વી પુરુષની સેવા કરશે, સત્સંગ થશે તો સુખી થશે. વળી નારદજીએ કહેલું કે રામજીના લગ્ન આ વર્ષમાં થવાના છે – એટલે જરૂર કોઈ સારો સંકેત હશે. કૌશલ્યા એ આશીર્વાદ આપ્યા છે.

યૌવનમાં જ સત્સંગની જરૂર છે, પંદર વર્ષની ઉંમર પછી યૌવનની શરૂઆત થાય છે, પંદરથી ચાલીશ વર્ષના ગાળાને ગદ્ધા-પચીસી કહે છે, તે સમયમાં મનુષ્ય પશુ જેવો થાય છે,તે વખતે-સત્સંગની બહુ જરૂર છે. ડોસાને ડહાપણ આવે – શરીર શક્તિહીન થયા પછી વિવેક જાગે તો તે વખતે તે કંઈ કરી શકતો નથી.

કૌશલ્યાએ વિશ્વામિત્રને કહ્યું – મારો રામ બહુ શરમાળ છે. તે તો માં ની પણ મર્યાદા રાખે છે, ભૂખ લાગે તો પણ તે મને કંઈ કહેતો નથી. મારી પાસે પણ માંગતો નથી તો તમારી પાસે કેવી રીતે માંગશે?

મારો રામ દુબળો ન થાય, તેને માખણ મિસરી ખવડાવજો.

વિશ્વામિત્ર કહે છે તમે ચિંતા ના કરો, મારા આશ્રમમાં ઘણી ગાયો છે, યાદ રાખીને હું રોજ રામ-લક્ષ્મણને માખણ ખવડાવીશ.

શ્રીરામને–શ્રીકૃષ્ણ ને માખણ-મિસરી બહુ ભાવે છે.

જીવનને મિસરીની જેમ મધુર (મીઠું-ગળ્યું) બનાવવાનું છે.

જીવનમાં મીઠાશ આવે છે સંયમથી-સદગુણોથી.

જીવનમાં મીઠાશ લાવવી હોય તો – જગતના સર્વ જીવોને માન આપવું જોઈએ.

બીજાને માન આપવાથી જીવન મીઠું-મધુર થાય છે.

જેના જીવનમાં મીઠાશ નથી તે પ્રભુને ગમતો નથી.

જેનું હૃદય માખણ જેવું કોમળ છે – જેના જીવનમાં ચારિત્ર્યની મીઠાશ છે – તે પ્રભુને ગમે છે.

પણ જેના જીવનમાં કપટ અને કડવાશ છે – તે વ્યક્તિ ભક્તિ કરે તો પણ તેની ભક્તિ ભગવાનને ગમતી નથી. જ્ઞાનદાન, વિદ્યાદાન અને દ્રવ્યદાન કરતાં પણ માનદાન ચઢિયાતું છે.

સર્વને માન આપવાનું – એક પૈસાનો પણ ખર્ચો નહિ.

જે કોઈ કર્કશ વાણી બોલતો નથી – કોઈનું અપમાન કરતો નથી અને સર્વને માન આપે છે તેના જીવનમાં મિસરી જેવી મીઠાશ આવે છે.

માતપિતાના આશીર્વાદ લઇને રામ-લક્ષ્મણ વિશ્વામિત્રની સાથે નીકળ્યા છે.

વિશ્વામિત્ર સહુથી આગળ ચાલે છે – તેમની પાછળ લક્ષ્મણ અને લક્ષ્મણની પાછળ ચાલે છે શ્રીરામજી.

વિશ્વામિત્ર એટલે વિશ્વના મિત્ર. અથવા વિશ્વ જેનું મિત્ર છે તે વિશ્વામિત્ર.

જગતનો મિત્ર છે જીવ, મનુષ્ય એટલે કે જીવ જયારે જગતનો મિત્ર થાય છે એટલે “શબ્દ-બ્રહ્મ” તેની પાછળ પાછળ આવે છે (લક્ષ્મણ –શબ્દ બ્રહ્મ છે) અને તેની પાછળ “પર-બ્રહ્મ” (રામજી) પણ આવે છે.

જગતના મિત્ર ના થવાય તો વાંધો નહિ, પણ કોઈના વેરી ના થવાય તો પણ ઘણું.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)