રામાયણનો ભાવાર્થ સંક્ષિપ્તમાં 2 : રામ જન્મોત્સવમાં બધા દેવો રાજી હતા ફક્ત એક ચંદ્ર નારાજ હતા, જાણો કેમ.

0
550

સંક્ષિપ્તમાં ભાવાર્થ રામાયણ.

રામાયણ – ૨

માતાજીને આજે પ્રભુ એ બતાવ્યું – કે મારા ભક્તો નું હું ચારે તરફથી રક્ષણ કરું છે, એટલે ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા છે. માતાજી એ સુંદર સ્તુતિ કરી છે – નાથ, મારા માટે તમે બાળક બનો, મને માઁ, માઁ કહી બોલાવો. એટલે ચતુર્ભુજ સ્વરૂપ અદૃશ્ય થયું છે અને બે હાથ વાળા બાળક બન્યા છે.

દાસીઓને ખબર પડી, કૌશલ્યા માઁ ના ખોળામાં સુંદર બાળક બિરાજે છે. દાસી વધાઈ આપે છે. કૌશલ્યાએ નવલખો હાર દાસીને આપ્યો છે. ”મારો રામ સુખી થાય.”

દાસી કહે કે – મારે કાંઇ જોઈતું નથી, મારે તો રામ ને રમાડવો છે. દાસીના ગોદમાં રામને આપ્યા છે. આજે દાસીનો બ્રહ્મ સંબંધ થયો છે. બીજી દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ અને કહે છે કે – મહારાજ, વધાઈ… વધાઈ, લાલો ભયો હૈ, સાક્ષાત નારાયણ આવ્યા હોય તેવું લાગે છે.

દશરથજીને વૃદ્ધાવસ્થામાં, આજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે.

પુત્ર પણ સાધારણ નહિ, સાક્ષાત પરમાત્મા આજે પુત્રરૂપે આવ્યા છે.

રાજાએ સુંદર શૃંગાર કરી પ્રથમ ગણપતિ પુજન કર્યું છે, પુણ્યાહવાચન થયું, નાન્દીશ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી છે, અને ત્યાર બાદ એટલું બધું દાન કર્યું છે કે અયોધ્યામાં કોઈ ગરીબ રહ્યા નથી.

વશિષ્ઠે વેદ મંત્રોનો ઉચ્ચાર કરી મધમાં મંત્રનો અભિષેક કર્યો છે. અને પછી તે મધને અંદર લઇ જઈ બાળકને અનામિકા (આંગળી) થી ચટાડવાનું રાજા ને સૂચવ્યું.

રાજા અંતઃપુરમાં (રાણી વાસમાં) આવ્યા છે. છડીદારો પોકાર કરે છે – હટો, હટો, મહારાજ પધારે છે.

રાજ કહે છે કે હટો હટો નહિ બોલો, બધાના આશીર્વાદથી મારે ત્યાં દીકરો આવ્યો છે.

વશિષ્ઠજી આગળ થયા, આજે હરિ દર્શનની સર્વને લાલસા છે, દેવો-ગંધર્વો સૂક્ષ્મરૂપે આવ્યા છે.

પરમાનંદ થયો છે, બાળક રામના આજે સર્વને દર્શન થયા છે.

રાજા દશરથ આજે આનંદથી ભાવ વિભોર થયા છે.

નિરાકાર બ્રહ્મ આજે સાકાર થઇ તેમના ઘેર પુત્ર રૂપે પધાર્યા છે.

રામ જન્મોત્સવમાં સર્વને આનંદ થયો છે, બધા દેવો રાજી થયા છે, ફક્ત એક ચંદ્ર નારાજ થયા છે.

રામજીના દર્શન કરી, સૂર્યનારાયણ સ્તબ્ધ બની સ્થિર થયા છે. ”મારા વંશમાં ભગવાન આવ્યા છે!”

અતિ આનંદમાં સૂર્યની ગતિ સ્થિર થઇ છે, સૂર્યનારાયણ આગળ વધતા જ નથી,

તે અસ્ત તરફ જાય તો – ચંદ્રને દર્શન થાય ને?

ચંદ્રમાએ રામજીને પ્રાર્થના કરી કે – આ સૂર્યને આગળ જવાનું કહોને? મને તમારાં દર્શન કરવા દેતો નથી,

ચંદ્રને રામજીએ આશ્વાસન આપ્યું છે કે – આજથી હું તારું નામ ધારણ કરીશ.(રામચંદ્ર)

છતાં ચંદ્રને સંતોષ થયો નહિ.. એટલે રામજી કહે છે કે – તું ધીરજ રાખ, આ વખતે મેં સૂર્યને લાભ આપ્યો છે, પણ ભવિષ્યમાં કૃષ્ણાવતાર ધારણ કરી તને એકલાને જ દર્શન આપીશ. હું રાત્રે બાર વાગે આવીશ.

બાલકૃષ્ણ પ્રગટ થયા ત્યારે આખું જગત નિંદ્રામાં હતું, ફક્ત બે જીવ જાગે છે વસુદેવ-દેવકી અને ત્રીજો ચંદ્ર.

જે રાતે જાગે તેને કનૈયો મળે છે, સુતો હોય તેને નહિ. જાગવું એટલે શું?

જાનિયે જીવ તબહિ જબ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા…

ગીતામાં પણ કહ્યું છે કે – સર્વ જીવોની માટે જે રાત્રિ છે – ત્યારે સંયમી પુરુષો જાગે છે, અને જયારે પ્રાણીઓ (જીવો) નાશવાન, ક્ષણભંગુર-સંસારિક સુખોમાં જાગે છે – તે સુખો તરફ જ્ઞાની મુનિઓ દૃષ્ટિ પણ કરતા નથી,

જ્ઞાની મુનિઓ માટે તે સમય રાત્રિ સમાન છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)