રામાયણનો ભાવાર્થ સંક્ષિપ્તમાં 20: કૈકેયીની દાસી મંથરાને કઈ વાતનું ખોટું લાગ્યું કે તેણીએ તોફાન કર્યું, જાણો

0
979

રામાયણ – ૨૦

આગળના ભાગો તમે અમારા પેજ પર ‘રામાયણનો ભાવાર્થ સંક્ષિપ્તમાં’ નામે વાંચી શકશો.

અયોધ્યાના લોકોને રામના રાજ્યાભિષેકની ખબર પડી છે, બધાને અતિ આનંદ થયો છે, પણ દેવો ને દુઃખ થયું છે.

તેનું એક કારણ હતું – તેઓ ને થયું કે જો રામ રાજગાદીએ વિરાજશે તો રાવણને કો-ણ-મા-ર-શે?

દેવોએ વિઘ્નેશ્વરી દેવીનું આહવાન કર્યું છે. દેવીને કહ્યું કે – અયોધ્યા જઈ રાજ્યાભિષેકમાં વિઘ્ન કરો.

રામજીને સુખ-દુઃખ થવાનું નથી. તે તો આનંદરૂપ છે. દશરથરાજા ને સદગતિ મળવાની છે.

મહાત્માઓ કહે છે કે – કોઈ સર્વ રીતે સુખી થાય તે “કાળ” ને પણ ગમતું નથી.

દશરથજી બહુ સુખી છે તો તેમને “કાળ” ની નજર લાગી.

સંસારનો નિયમ છે કે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ.

“કાળ” વિઘ્નેશ્વરી માં પ્રવેશ કરે છે. વિઘ્નેશ્વરી વિચાર કરે છે – કે “હું ક્યાં જાઉં? કોના શરીરમાં જાઉં?”

વિચાર કરતાં તેમની નજર મંથરા પર પડી છે. મંથરા કૈકેયીની દાસી છે. મંથરામાં વિઘ્નેશ્વરીએ પ્રવેશ કર્યો. મંથરા અયોધ્યાની સજાવટ જોઈને કોઈને પૂછે છે – આ શાની તૈયારી ચાલે છે?

લોકોએ કહ્યું – તને ખબર નથી? આવતીકાલે રામનો રાજ્યાભિષેક છે.

કોઈ મહાત્માઓ કહે છે કે – કૌશલ્યાની થોડી ભૂલ થઇ હતી તેથી રાજ્યાભિષેકમાં વિઘ્ન આવ્યું.

કૌશલ્યાએ પોતાની દાસી જયારે રામના રાજ્યાભિષેકના સમાચાર લાવે છે ત્યારે તેનું સન્માન કર્યું. અને મોતીની માળા આપી. પણ તે કૈકેયીની દાસીનું સન્માન કરવાનું ભૂલી ગયા છે.

કૌશલ્યાની દાસીને જયારે મંથરા મળે છે ત્યારે તે પૂછે છે – કેમ આટલી આનંદમાં છે?

તો કૌશલ્યાની દાસી કહે છે કે – રામ રાજા થવાના છે. જો મને કેવી મોતીની માળા મળી છે.

હું કૌશલ્યાની દાસી છું એટલે મને માન મળ્યું – પણ તને તો કંઈ મળ્યું નહિ, તું તો કૈકેયીની દાસી છે.

અને આમ જયારે મંથરાને એમ ખબર પડે છે – કે પોતાનું સન્માન થયું નથી એટલે તે ઈર્ષાથી જલી ઉઠે છે.

વ્યવહારમાં સામાન્ય ભૂલ થાય તો સજા થાય છે, પણ પરમાર્થમાં કદાચ મોટી ભૂલ થાય તો પણ પ્રભુ ક્ષમા કરે છે. પરમાર્થ સહેલો છે. વ્યવહાર કઠણ છે.
વ્યવહારમાં થોડી પણ ભૂલ થાય તો લોકો ક્ષમા આપતા નથી. વ્યવહારમાં બહુ સાવધાનીની જરૂર છે.

કૌશલ્યાએ મંથરાને બોલાવી તેનું સન્માન કર્યું હોત તો કોઈ મોટું તોફાન થાત નહિ.

જેમ ગૃહસ્થાશ્રમીઓને વ્યવહાર કરવો પડે છે – તેમ સાધુ મહાત્માને પણ મુઠી ચણાની જરૂર છે – ત્યાં સુધી વ્યવહાર કરવો પડે છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર કરવો પડે છે, પણ વ્યવહાર કરતાં કરતાં તે વ્યવહારમાં મળી જવાનું નથી, જોડે જોડે આત્મ સ્વરૂપનુ અનુસંધાન રાખવાનું છે. મનના સૂક્ષ્મ ભાગને પરમાત્મામાં પરોવી રાખવાનું છે. મનનો સ્થૂળ-ભાગ ભલે વ્યવહારમાં હોય….

પનિહારીઓ પાણી ભરીને પાછી વળે ત્યારે તેમના માથા પર ત્રણ દેગડા, એક હાથમાં ઘડો અને બીજા હાથમાં દોરડું હોય – ત્યારે એક બીજી સાથે અલકમલકની વાતો કરતી હોય તો પણ બેડું માથેથી પડી જતું નથી, કારણ તેનું સ્થૂળ મન વાતોમાં હોય છે – પણ સૂક્ષ્મ મન માથા પરના દેગડામાં હોય છે.

આવી જ રીતે વ્યવહાર કરતાં ભગવાનને ભૂલવાના નથી, તો જ વ્યવહારમાં સફળતા મળે.

કૌશલ્યાની દાસીએ મહેણું મા-ર્યું-અ-ને મંથરાના હૃદયમાં ઈર્ષાનો અગ્નિ પ્રગટ થયો.

મંથરા કૈકેયી પાસે આવી રડવા લાગી અને નાટક કર્યું છે. કંઈ બોલતી નથી અને નિસાસા નાખે છે.

શાસ્ત્રમાં એવું લખ્યું છે કે – પતિવ્રતા સ્ત્રીને પુત્ર કરતાં સો ગણો વધારે પ્રેમ પતિમાં હોવો જોઈએ.

પતિનું કુશળ પહેલા પૂછવું જોઈએ પણ અહીં કૈકેયીને રામના ઉપર પતિ કરતાં પણ અધિક પ્રેમ છે, એટલે પૂછે છે – તું કેમ રડે છે? રામ તો કુશળ છે ને?

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)