રામાયણનો ભાવાર્થ સંક્ષિપ્તમાં 47: લંકામાંથી જતી વખતે બ્રહ્માજીએ હનુમાનજીને પત્ર કેમ લખી આપ્યો.

0
312

રામાયણ – ૪૭

આગળના ભાગો તમે અમારા પેજ પર ‘રામાયણનો ભાવાર્થ સંક્ષિપ્તમાં’ નામે વાંચી શકશો.

હનુમાનજી અશોકવનમાં આવ્યા છે. સીતાજી સમાધિમાં બેઠા છે. હે રામ – હે રામનો જપ કરે છે.

માતાજીનું શરીર દુર્બળ થયું છે. માતાજીને મનથી પ્રણામ કરી, જે ઝાડ નીચે સીતાજી બેસી ધ્યાન કરતાં હતા તે ઝાડ પર બેસીને રામ-કથા કહેવાની શરૂઆત કરી.

“શ્રી રામે અનેક વાનરોને સીતાજીને શોધવા મોકલ્યા છે, હું રામદૂત લંકામાં આવ્યો છું, આજે મારું જીવન ધન્ય થયું કે મને આજે સાક્ષાત આદ્યશક્તિ સીતાજીનાં દર્શન થયાં”.

સીતાજીને કાને આ શબ્દો પડ્યા અને પૂછે છે કે – આ કોણ બોલે છે? મને પ્રત્યક્ષ દર્શન કેમ આપતા નથી?

માતાજી બોલાવે છે, જાણી હનુમાનજીએ કૂદકો માર્યો અને નીચે આવીને સીતાજીને પ્રણામ કર્યા છે.

કહે છે કે – માં હું રામદૂત છું, તમે મારી માતા છો. માં રામજી તમારી ઉપેક્ષા કરતા નથી, તે જલ્દી પધારશે.

પછી માતાજીને પૂછે છે કે – માં મને ભૂખ લાગી છે, અત્રે ફળ પુષ્કળ છે, પણ રાક્ષસો પહેરો ભરે છે. ફળ ખાઉં?

સીતાજીએ આજ્ઞા કરી છે કે – જે ફળ નીચે પડ્યાં હોય તે ખાજે, ફળ તોડતો નહિ, ફળ તોડીશ તો રાક્ષસો સાથે ઝગડો થશે. હનુમાનજીએ વિચાર્યું કે – ફળ તોડવાની ના પાડી છે, ઝાડ હલાવવાની કે ઉખેડવાની ક્યાં ના પાડી છે? હનુમાનજી ઝાડને હલાવે છે, ફળ નીચે પડે તે ખાય છે, અમુક ઝાડો તો ઉખડી ગયાં છે.

હનુમાનજીએ દિવ્ય વાનરનું સ્વરૂપ ધારણ કરેલું, પુચ્છને કહ્યું કે તું તારું કામ કર.

પુચ્છ બધાને મા-રે-છે, રાક્ષસીઓનો સંહાર કર્યો છે. ઇન્દ્રજીત તે વખતે ત્યાં આવે છે, ઇન્દ્રજીત બ્રહ્માસ્ત્ર છોડે છે.

હનુમાનજીએ બ્રહ્માસ્ત્રને માન આપ્યું. ઇન્દ્રજીત હનુમાનજીને રાજ્યસભામાં લઇ આવ્યા.

રાવણે પૂછ્યું – એય બંદર, તું કહાંસે આયા હૈ?

હનુમાનજીએ સામો પ્રશ્ન કર્યો કે – એય દસમુખ, તને ઉપદેશ આપવાં આવ્યો છું, તેં શિવજીને પ્રસન્ન કર્યા પણ સીતાજીને આવી રીતે ઘરમાં રાખે છે? તું રામજીને શરણે આવ. રામ તારાં સર્વ પાપ માફ કરશે.

પણ રાવણ કઈ માનતો નથીને કહે છે – કે આ પુચ્છમાં જ બહુ શક્તિ છે, તે પુચ્છને જ બાળી નાખો.

હનુમાનજી પુચ્છને વધાર્યે જાય છે, લંકાના કોઈ કાપડિયાના દુકાનમાં કાપડ બાકી રહ્યું નથી, સર્વ કાપડ હનુમાનજીના પુચ્છને લગાડવામાં આવ્યું અને પછી અગ્નિ મુકવામાં આવ્યો.

હનુમાનજી કહે છે કે – આ પુચ્છ ય જ્ઞ થાય છે, તેના તમે યજમાન છો, તમે ફૂંક મારો. રાવણ ફૂંક મારવાં ગયો અને તેની દાઢી બળવા લાગી. કુદાકુદ કરી હનુમાનજીએ આખી લંકાને બાળી છે.

આ બાજુ રાક્ષસીઓ સીતાજીને કહે છે કે – તમારી પાસે આવેલા તેમનું પૂંછડું રાક્ષસો બા-ળે છે. તેથી સર્વ જગ્યાએ આગ ફેલાઈ છે. સીતાજી અગ્નિદેવને પ્રાર્થના કરે છે અશોકવનનો અગ્નિ શાંત થયો છે.

હનુમાનજી એ સમુદ્ર કિનારે આવી જોયું તો આખી લંકા ધગધગ બળે છે. વિચારે છે કે આ તો ખોટું થયું, આગ અશોકવન સુધી પહોંચશે તો? પુચ્છને સમુદ્ર સ્નાન કરાવ્યું, અગ્નિ શાંત થયો. અને અશોકવનમાં આવ્યા છે, જોયું તો અશોકવનનું એક પણ ઝાડ બળ્યું નથી.

સીતાજીએ હનુમાનજીને આશીર્વાદ આપ્યા છે કે – કાળ તને મા-રી-શ-ક-શે નહિ, સંતો તારી પૂજા કરશે, અષ્ટસિદ્ધિ તારી સેવા કરશે. તારો જગતમાં જયજયકાર થશે.

આવા આશીર્વાદથી હનુમાનજીને સંતોષ થયો નહિ, તેમણે તો માત્ર રામસેવાના આશિષ માંગ્યા.

સીતાજીએ તેવા પણ આશીર્વાદ આપ્યા છે. હનુમાનજી અમર છે, કાળ હનુમાનજીનો નોકર છે.

હનુમાનજી જવા લાગ્યા તે વખતે બ્રહ્માજીએ પત્ર લખી આપ્યો છે. હનુમાનજી તો સ્વમુખે પોતાનાં વખાણ નહિ કરે તેથી તેમનાં પરાક્રમોનું વર્ણન કરતો પત્ર લખી આપ્યો છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)