રામાયણ – ૫૧
પુષ્પક વિમાન પ્રયાગ રાજ પાસે આવ્યું છે.
ભરતજીએ આપેલી ચૌદ વર્ષની અવધિનો આજે છેલ્લો દિવસ છે.
રામજી કહે છે કે – ભરતજીને હું પરત આવું છું તેની ખબર નહિ પડે તો તે પ્રાણ ત્યાગ કરશે.
હનુમાનજીને ભરતજીને ખબર આપવા સહુથી આગળ જવા માટે આજ્ઞા કરી છે.
હનુમાનજી ભરત પાસે આવ્યા છે. ભરતજી રામજીની પાદુકાનું પૂજન કરી રામનામનો જાપ કરે છે.
હનુમાનજી કહે છે કે – ભરતજી, રામજી પધારે છે. વિમાન અયોધ્યા પાસે આવે છે.
રામજીના વિમાનને જોતાં ભરતજીને અતિશય આનંદ થયો છે. વિમાનમાંથી ભગવાન ઉતર્યા અને ભરતજીને ઉઠાવીને આલિંગન આપ્યું છે.
રામ અને ભરત જયારે મળ્યા ત્યારે લોકોને ખબર પડતી નથી કે આમાં રામ કોણ અને ભરત કોણ?
બંનેના શ્યામ વર્ણ છે, વલ્કલ સરખાં છે અને શરીર કૃશ (દુબળાં) થયાં છે.
અયોધ્યા આવીને રામજી સહુ પ્રથમ કૈકેયીને પગે લાગવા ગયા છે.
કૈકેયીએ પોતાનો કનકભવન-રાજમહેલ રામજીને રહેવા આપ્યો છે.
વશિષ્ઠ મુનિ મુહૂર્ત આપે છે. વૈશાખ માસ, શુક્લપક્ષ, સપ્તમીના દિવસે રામજીનો રાજ્યાભિષેક થયો છે.
સીતાજી સાથે કનક સિંહાસન પર રામચંદ્રજી વિરાજ્યા છે.
રામરાજ્યમાં કોઈ ભિખારી નથી. એવું વર્ણન છે કે – જેને ઈચ્છા હોય તેને જ મ-રુ ત્યુ આવે (ઈચ્છા મ-રુ ત્યુ). કોઈ પણ દરિદ્રી નહિ, કોઈ પણ રોગી નહિ, કોઈ લોભી નહિ, ક્યાંય ઝગડો નહિ. અધર્મ નું પારકું ધન લેવાની કોઈને ઈચ્છા નહિ.
રામરાજ્યમાં પ્રજા સર્વ રીતે સુખી હતા, કોઈ જ દુઃખી નહોતા.
હા, બે વર્ગ દુઃખી હતા. રામરાજ્યમાં ડોક્ટરો અને વકીલોનો ધંધો બરોબર ચાલતો નહોતો.
રામજીના રાજ્યમાં તેમનો ધંધો બરોબર ચાલતો નહોતો એટલે આ રાજ્યમાં સારો ચાલે છે.
રામરાજ્યમાં તેઓની પડતી હતી પણ આજના રાજ્યમાં તેમની ચડતી છે.
જીવનમાં સંયમ સદાચાર ઘટ્યા એટલે રોગ વધ્યા છે.
રામરાજ્યમાં પ્રજા એકાદશીનું વ્રત કરતી. એકાદશીના દિવસે અન્ન ના લેવાય. રસોઈ ના થાય.
કથામાંથી કોઈ નિયમ લેવો જોઈએ કે – “આજથી મારે એકાદશી કરવી છે, કે ઠાકોરજીની પૂજા કર્યા વગર કાંઇ લેવું નથી”. કે પછી કોઈ પણ નિયમ લેવાથી જીવન સુધરશે અને કથાનું ફળ મળશે.
હનુમાનજી રામજીની એવી સેવા કરે છે કે – રામજીને બોલવાનો અવસર પણ ના મળે. અને બીજા કોઈને સેવા કરવાનો અવસર પણ ન મળે. સેવક અને સેવ્ય બંને એક બને તો સેવા થાય છે.
સીતાજીના મનમાં થાય છે કે – આ હનુમાન મને કોઈ સેવા કરવા જ દેતા નથી.
સેવ્ય એક હોય અને સેવક અનેક હોય તો થોડી વિષમતા આવી જાય છે.
દાસોહમ પછી સોહમ થાય છે. જ્ઞાની લોકો પણ પહેલાં દાસ્યભાવ રાખે છે. પછી સોહમની ભાવના રાખે છે.
સીતાજીએ રામજીને કહ્યું કે – અમે સેવા કરીશું તમે હનુમાનજીને સેવા કરવાની ના પાડો.
રામજી કહે છે કે – હનુમાનજી માટે કંઈક સેવા રાખો, તેમણે મારાં ખૂબ કામ કર્યા છે. હું તેમના ઋણમાં છું.
પ્રભુને દુઃખ થયું છે કે – “મારા હનુમાનને આ લોકો ઓળખાતા નથી.”
હવે લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, સીતાજી વગેરે હનુમાનજીને સેવા કરવા દેતા નથી.
તેઓએ સેવાની એવી વહેંચણી કરી કે હનુમાનજીને ભાગે કોઈ સેવા રહે જ નહિ.
હનુમાનજીનું જીવન રામસેવા માટે હતું. સેવા ને સ્મરણ માટે જીવે તે જ સાચો વૈષ્ણવ.
– પૂ. ડોંગરેજી મહારાજ.
(શિવોમ પરથી.)