રામાયણનો ભાવાર્થ સંક્ષિપ્તમાં 55: સીતાજીએ લક્ષ્મણને એવું કેમ કહ્યું કે મારું જીવન દુઃખ સહન કરવા માટે છે, જાણો

0
436

રામાયણ – ૫૫

આગળના ભાગો તમે અમારા પેજ પર ‘રામાયણનો ભાવાર્થ સંક્ષિપ્તમાં’ નામે વાંચી શકશો.

રામજી બહુ ઓછું બોલે છે, રામજીએ જગતને બોધ વ્યાખ્યાનથી આપ્યો નથી, વર્તનથી આપ્યો છે.

રામજીએ લક્ષ્મણને આજ્ઞા કરી છે – સીતાજીને કોઈ ઘોર જંગલમાં મૂકી આવ.

લક્ષ્મણજીએ ના પાડી છે. તેમનો સીતાજીમાં માતૃ ભાવ છે.

રામજીએ કહ્યું કે – લક્ષ્મણ તારે આ કામ કરવું જ પડશે.

સેવા ધર્મ અતિ કઠણ છે. સેવા કરી માલિકને સદા પ્રસન્ન રાખવા અઘરા છે. યોગી થવું કે જ્ઞાની થવું સહેલું છે. પણ સેવક બનવું અતિ કઠિન છે. સેવકને નિરપેક્ષ (અપેક્ષા વિનાના) બનવું પડે છે. પોતાન સુખને મા-ર-વું-પ-ડે છે. સેવકને હંમેશાં સેવ્ય (જેનીસેવા કરવાની છે તે) ના સુખનો જ વિચાર કરવો પડે છે.

માલિકની ઈચ્છા તે મારી ઈચ્છા.

મોટાભાઈ એ આજ્ઞા કરી છે. ઋષિમુનિઓના દર્શન કરાવવાના બહાને લક્ષ્મણજી સીતાજીને ઘોર જંગલમાં લાવ્યા. લક્ષ્મણજીથી આ સહન થતું નથી.

લક્ષ્મણજી વીર છે પણ બાળકની જેમ રડે છે.

વિચારે છે કે માતાજીને કેમ કરી કહું કે – રામજીએ તમારો ત્યાગ કર્યો છે.

સીતાજી પૂછે છે કે – લક્ષ્મણ તુ કેમ રડે છે? ઘોર જંગલમાં લક્ષ્મણજી સાષ્ટાંગ પ્રણામ કરી કહે છે કે – માતાજી મને કહેતાં દુઃખ થાય છે, પણ લોકોપવાદના કારણે રામજીએ તમારો ત્યાગ કર્યો છે.

અને મને કહ્યું છે કે – સીતાજીને જંગલમાં છોડી આવ. મારે આ કામ કરવું નહતું, આ કામ કરવાની મારી ઈચ્છા પણ નહોતી, પણ હું શું કરું માલિકની આજ્ઞા છે.

સીતાજી ધીરજ રાખી બોલ્યાં છે – મારા પતિદેવે જે કર્યું તે યોગ્ય છે, પતિની આજ્ઞાનું પાલન કરવું તે મારો ધર્મ છે. તેમનો મારા પર કેવો પ્રેમ છે તે હું જાણું છું, આ તો તેમણે લીલા કરી છે. લક્ષ્મણ તુ ચિંતા કર નહિ.

મારો ત્યાગ કર્યો તેનુ મને દુઃખ નથી, પણ તેઓ મારા સિવાય કોઈ સ્ત્રી સામું જોતાં નથી કે અડકતા પણ નથી, તો એમની સેવા કોણ કરશે તેનું મને દુઃખ થાય છે.

મને ચિંતા એ જ છે કે – ઋષિમુનિઓ મને પૂછશે કે પતિએ તારો ત્યાગ કેમ કર્યો? ત્યારે તેઓને હું શું જવાબ આપીશ? પતિના ત્યાગ કર્યા પછી મારે જીવીને શું કરવું છે? પણ મારે આ-ત-મ-હ-ત-યા કરવી નથી, મારા પેટમાં મારા પતિદેવનું ચૈતન્ય છે. લક્ષ્મણ, મારું જીવન દુઃખ સહન કરવા માટે છે, રામ વિયોગ જેવું કોઈ દુઃખ નથી, પણ તે દુઃખ હું સહન કરીશ.

રામજી ભલે મારો ત્યાગ કરે પણ સીતાજીને રામ માટે એટલો જ પ્રેમ છે.

લક્ષ્મણજીએ કહ્યું કે – તમારાં પિતા જનકરાજાના મિત્ર વાલ્મીકિનો આશ્રમ બાજુમાં જ છે, ત્યાં તમે જાવ.

લક્ષ્મણજી ત્યાંથી ગયા છે.

રામ વિયોગમાં સીતાજી વ્યાકુળ થઇ રડે છે. વાલ્મીકિના શિષ્યોએ તે રુદન સાંભળ્યું અને વાલ્મીકિને જઈ વાત કરી. વાલ્મીકિ ત્યાં આવ્યા છે, સીતાજીને ઓળખી લીધાં અને સીતાજીને સમજાવી આશ્રમમાં લાવ્યા.

ચક્રવર્તી રાજા રામના પુત્રોનો જન્મ વાલ્મીકિના આશ્રમમાં થયો છે.

પુત્રોનાં નામ રાખ્યાં છે – લવ અને કુશ.

ભાગવતની રચના ગંગા કિનારે અને રામાયણની રચના વાલ્મીકિનો આશ્રમ કે જે તમસા નદીને કિનારે છે ત્યાં થઇ છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)