રામાયણ રહસ્ય 151: બાળકની શુદ્ધ ભક્તિ આગળ પ્રભુ પીગળ્યા અને દૂધ આરોગી ગયા, વાંચો કથા.

0
338

રામાયણ રહસ્ય 151 (રામાયણ માહાત્મ્ય)

આપણા થઇ ગયેલા ઋષિ-મુનિઓએ કોઈને છેતરવા શાસ્ત્રો લખ્યાં નથી. તેઓ તો નિસ્વાર્થી હતા. તેમના દિલમાં માત્ર એક જ આકાંક્ષા – ઈચ્છા હતી, અને તે પરોપકારની, માનવ સેવાની. એટલે એમણે જે શાસ્ત્રોમાં કહ્યું તે ખોટું નથી. આપણી બુદ્ધિમાં કોઈ વાત ઉતરે નહિ તો એનો અર્થ એ નથી કે તે વાત ખોટી છે.

સાચી વાત તો એ છે કે આપણી બુદ્ધિ સીમિત છે, જયારે ઋષિમુનિઓની બુદ્ધિ વિશાળ હતી. આપણને ના સમજાય તેવું ઘણું-બધું એ વિશાળ બુદ્ધિને સમજાણું છે, તેનો અનુભવ કર્યો છે અને લખ્યું છે. એટલે આપણા ઋષિ-મુનિઓની વાતમાં શંકા કરવા જેવું નથી.

ઋષિ-મુનિઓ કહે છે કે, જ્યાં સાધારણ પ્રેમ છે, ત્યાં ભગવાન “રસરૂપે” આરોગે છે, પણ જ્યાં વિશિષ્ઠ પ્રેમ-લક્ષણા ભક્તિથી ભરેલો પ્રેમ હોય, ત્યાં ભગવાન તેના હાથે પ્રત્યક્ષ આરોગે છે. શબરી, વિદુર તેનું ઉદાહરણ છે. શબરીનું રોમે રોમ પ્રભુને સમર્પિત છે, પ્રેમ-લક્ષણા ભક્તિનું તે રૂપ છે.

પ્રભુ તરફ શ્રદ્ધા વગર તેમની ભક્તિ થતી નથી. પછી ભલે કોઈ એ શ્રદ્ધાને અંધ-શ્રદ્ધા કહે. વ્યવહારમાં પણ શ્રદ્ધા (કે અંધ-શ્રદ્ધા) રાખવી પડતી હોય છે. ડોક્ટરથી અનેક કેસ બગડી પણ ગયેલા હોય છે, તેમ છતાં તે સારું કરશે તેવી શ્રદ્ધા રાખવી પડે છે. ડોક્ટરને કોઈ એમ પૂછતું નથી કે, પહેલાં તમારી દવાની અસર બતાવો પછી હું દવા લઉં. ડોક્ટરમાં જો વિશ્વાસ ના હોય તો તે દવા આપશે નહિ, અને આપશે તો તેની અસર નહિ થાય. આ જ પ્રમાણે ભક્તિ માર્ગમાં, પ્રભુ સેવામાં પણ પ્રથમ શ્રદ્ધા રાખવી પડે છે.

પ્રભુ સેવામાં (ભક્તિમાં) કેવી શ્રદ્ધા, ભાવના અને દૃઢતા જોઈએ એ વિશે નામદેવ ચરિત્રમાં એક કથા છે. નામદેવ ત્રણ વર્ષના હતા, ઘરમાં વિઠ્ઠલનાથની પૂજા હતી. એક દિવસ પિતાને બહારગામ જવાનું થયું એટલે તેમણે પૂજા કરવાનું કામ નામદેવને સોંપ્યું. નામદેવ પૂછે છે કે, સેવા કેમ કરવી તે મને બતાવો.

પિતા કહે છે કે, સવારે વહેલા ઉઠી,નહાઈ-ધોઈને ઠાકોરજીને ઉઠાડવાના. ધીરે ધીરે તેમના પગ પખાળવા ને તેમને સ્નાન કરાવવું. સુંદર શણગાર કરવો. પછી તેમને ભોગ ધરાવવો. આ ઘરમાં જે કંઈ છે તે આપણું નથી પણ ઠાકોરજીનું છે, માટે તેમને ધરાવ્યા પછી જ પ્રસાદ લેવાય, તે વિના લઈએ તો દોષ લાગે.

ઠાકોરજી બહુ શરમાળ છે, તેથી તેમને ભોગ ધરાવીને જમવા માટે અનેક પ્રાર્થના કરવી પડે છે. નામદેવ તો બાળક છે, તેમના મનમાં ઠસી ગયું કે આ મૂર્તિ નથી પણ સાક્ષાત વિઠ્ઠલનાથ છે. આખી રાત તેને ઠાકોરજીની સેવાના વિચારો જ આવ્યા કર્યા. સવારે વહેલા ઉઠીને પિતાના બતાવ્યા મુજબ ઠાકોરજીની સેવા કરી, સુંદર શણગાર કર્યો ને ભોગમાં દૂધ ધરાવ્યું ને પ્રાર્થના કરે છે કે, હે વિઠ્ઠલનાથ, તમે તો આખા જગતને જમાડનાર છો, હું તમને શું જમાડી શકું?
હું તો તમારું જ તમને અર્પણ કરું છું. “ત્વદીયમ વસ્તુ ગોવિંદ તુભ્યં એવ સમર્પયે”

નામદેવ વારંવાર વિનવણી કરે છે, પણ વિઠ્ઠલનાથ દૂધ પીતા નથી. નામદેવ કહે છે, દૂધ કેમ પીતા નથી? જલ્દી પી જાઓ તમને ભૂખ લાગી હશે! શું તમે મારાથી નારાજ થયા છો? કે પછી દૂધમાં ખાંડ ઓછી છે? નામદેવ બીજી ખાંડ લઇ આવ્યો અને દૂધમાં ઉમેરી. બાળક નામદેવ ફરીથી પ્રભુને મનાવે છે. તો યે વિઠ્ઠલનાથે દૂધ પીધું નહિ, ત્યારે બાળક નામદેવ વ્યાકુળ થઇને કહે છે કે, વિઠ્ઠલ, તમે દૂધ પીઓ નહિતર હું પણ દૂધ પીવાનું છોડી દઈશ. હું તમારી આગળ માથું પછાડીશ. તેમ છતાં વિઠ્ઠલનાથ હજુ પણ દૂધ પીતા નથી એટલે નામદેવ માથું પછાડવા તૈયાર થયો.

અને જ્યાં નામદેવ માથું પછાડવા જાય છે ત્યાં જ વિઠ્ઠલનાથે દૂધનો કટોરો ઉઠાવ્યો. વિઠ્ઠલનાથની મૂર્તિ આજે ચેતન બની છે, નામદેવના પ્રેમથી ખુશ થઇ વિઠ્ઠલનાથ સદેહે દૂધ પીએ છે. નામદેવને ખૂબ જ હર્ષ થયો છે અને આશાભરી આંખે પ્રભુને જોઈ રહ્યો છે કે ગરીબીમાં ઘરમાં હતું તે થોડું દૂધ પ્રભુને ધરાવ્યું છે તો વિઠ્ઠલનાથ પોતાને થોડો પ્રસાદ આપશે, પોતાને પણ ભૂખ લાગી હતી. પણ વિઠ્ઠલનાથ તો દૂધ ગટગટાવતા હતા.

હવે નામદેવથી રહેવાયું નહિ એટલે પ્રભુ ને કહે છે કે, વિઠ્ઠલનાથ, આજે તમને શું થયું છે? તમે એકલા જ બધું દૂધ પી જશો? મને થોડું પણ નહિ આપો? બાળકના પ્રેમ આગળ વિઠ્ઠલનાથ પીગળી ગયા છે, તેમણે નામદેવને ગોદમાં લીધો ને દૂધ પાયું.

દૂધ પીવો વિઠ્ઠલનાથ, તમે દૂધ પીવો વિઠ્ઠલનાથ.

નામદેવ તમને વિનવે આજે, દૂધ પીવો વિઠ્ઠલનાથ.

પ્રેમથી તમને સ્નાન કરાવી, શણગાર કર્યા વિધ વિધ ભાત.

મીસરી નાખી દૂધ ધરાવ્યું, તમે પીવોને વિઠ્ઠલનાથ.

વઢશે મને મારા પિતાજી, દૂધ પીવો દીનાનાથ.

દૂધ માં મીસરી વધુ નાખું ને કેસર ઘોળું મહી.

દૂધ પીવો તો રાજી થાઉં હું, નહિ તો કાઢું પ્રા ણ.

વિઠ્ઠલનાથ તો મન ભરી ને, જોઈ રહ્યા બાળ નામદેવ.

નામદેવ ના કાલાવાલા જોતાં, દૂધ ભૂલ્યા છે નાથ.

નામદેવ તો શીશ પટકવા આજ થયા તૈયાર.

શીશ પટકવા જાય છે, ત્યાં તો હૈયે ભીડે વિઠ્ઠલનાથ.

હૈયે ભીડી હાથ ફેરવે બાળ ને માથે વિઠ્ઠલનાથ.

નામદેવ ના હાથે આજે દૂધ પીવે વિઠ્ઠલનાથ.

“સોમ“ તા.૧૦-૧૧-૧૨ (સોમભાઈ એમ. પટેલ વિજાપુર)

સૌજન્ય – સોમ – “સોમસંગ્રહ”

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)