રામાયણ રહસ્ય 183: સુગ્રીવે પૂછ્યું રાવણ જો આપને શરણે આવે તો રાવણને શું આપશો, જાણો શ્રીરામનો જવાબ

0
428

રામાયણ રહસ્ય 183 (રામાયણ માહાત્મ્ય)

શ્રીરામે હજુ લંકાનું રાજ્ય જીત્યું પણ નહોતું અને તે રાજ્ય વિભીષણને આપી દીધું, ત્યારે સુગ્રીવથી ના રહેવાણું એટલે તેણે ધીરેથી રામજીને કહ્યું કે – પ્રભુ, આપે જરી ઉતાવળ કરી નાખી! આજે આપે વિભીષણને લંકાનું રાજ્ય આપી દીધું, પણ હવે કદાચ કાલે રાવણ જો આપને શરણે આવી સીતાજીને પાછા સોંપી દે તો રાવણને શું આપશો?

ત્યારે શ્રીરામે કહ્યું કે – એની ચિંતા ના કર સુગ્રીવ, જે બોલાયું તે બોલાઈ ગયું, ને જે થવાનું હતું તે થઇ ગયું. વિભીષણ લંકા પતિ થશે જ અને જો રાવણ શરણે આવે તો હું એને અયોધ્યા પતિ બનાવીશ. આવી છે શ્રી રામની ઉદારતા. તુલસીદાસજી કહે છે કે – રાવણે પોતાનાં દશ માથાં શિવજી આગળ વધેર્યા, પછી તેને જે લંકાની સંપત્તિ મળી હતી, તે જ સંપત્તિ શ્રીરામે વિભીષણને સહેજમાં આપી અને તે પણ સંકોચાઈને આપી, અને સંકોચ સાથે કહ્યું કે – “આ તો બહુ જ થોડું આપું છું.”

શ્રીરામ આવા દયાળુ છે. એમનું દર્શન કદી નિષ્ફળ જતું નથી. રામ નામનો સૂરજ જયારે ઉગે ત્યારે મમતાની અંધારી રાત હટી જાય છે, ને રાગ-દ્વેષ રૂપી ઘુવડોનું ત્યાં જોર ચાલતું નથી. જ્યાં સુધી હૃદયમાં શ્રીરામ વસ્યા નથી ત્યાં સુધી જ લોભ, મોહ, મદ, મત્સર વગેરે દુષ્ટો હેરાન કરે છે. અને ત્યાં સુધી જ વા-સનાઓ જીવને પજવે છે. માટે દુર્જન (રાવણ) નો સંગ છોડી પ્રભુના શરણમાં રહેવું વધુ ઉચ્ચતર છે.

પછી રામજીએ સુગ્રીવ-વિભીષણ વગેરેને પૂછ્યું કે – આ સમુદ્રને કેવી રીતે પાર કરવો? ત્યારે સુગ્રીવે કહ્યું કે – આપનું એક જ બાણ કરોડો સમુદ્રોને સુકવી નાખવા સમર્થ છે, પણ નીતિ એમ કહે છે કે પહેલાં વિનય કરવો પછી ક્રોધ કરવો. આપ ત્રણ દિવસ ઉપવાસ કરીને સમુદ્રને માર્ગ આપવા પ્રાર્થના કરો.

ત્યારે લક્ષ્મણે કહ્યું કે – મને એવી અરજ કે વિનંતીમાં વિશ્વાસ નથી. ”દૈવ” (પ્રારબ્ધ) સહાય કરશે અને કામ પતી જશે, એવા વિશ્વાસે રહેવાય નહિ. આળસુ લોકો જ “દૈવ-દૈવ” (પ્રારબ્ધ) ને પોકારે છે. માટે હું તો કહું છું કે – હમણાં જ સમુદ્રને સુકવી જ નાખો, પુરુષાર્થ વગર સિદ્ધિ નથી.

નદીના બે કિનારા જેવા વિભીષણ ને લક્ષ્મણ. એ બંનેને સાંધનારા સેતુ સમાન શ્રીરામે, વિભીષણની વાત માનીને લક્ષ્મણને સમજાવી ને શાંત કર્યા. અને પછી સમુદ્ર કિનારે દર્ભાસન પર બેસીને, ત્રણ દિવસના ઉપવાસ કરીને સમુદ્રને પ્રાર્થના કરી કે – “અમને રસ્તો આપો” પણ સમુદ્રે કોઈ મચક આપી નહિ ત્યારે, ચોથે દિવસે શ્રીરામ ક્રોધ કરીને બોલ્યા કે – “હે, લક્ષ્મણ, મારું બાણ લાવ, ભય વગર પ્રીતિ થતી નથી.” “ભય બિન હોઈ ન પ્રીતિ”

હું આ સમુદ્રને એક બાણથી જ સુકવી નાખીશ, તે નીચ વિનયથી માનતો નથી, ને ભય દેખાડ્યા વિના ઠેકાણે આવશે નહિ. પછી તો જેવી, રામજીએ ધનુષ્યની પણછ ચડાવી કે સમુદ્ર ગભરાઈ ગયો ને અભિમાન છોડીને બ્રાહ્મણનો વેશ ધરી રામજી પાસે આવીને ક્ષમા માગવા લાગ્યો. “પ્રભુ, આપનો મહિમા હું સમજ્યો નહિ, આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી એમની કરણી સ્વભાવથી જ જડ છે. મને પુરતી શિક્ષા થઇ ગઈ છે, હવે આપ દયા કરો. મને આપ સુકવી નાખશો તો જગતમાં મારો ભાવ નહિ રહે.

આપ તો શરણાગતને મોટાઈ આપનારા છો, આપ મારી રક્ષા કરો, હું આપના શરણે આવ્યો છું. પ્રભુ આપની સેનામાં નલ અને નીલ નામના બે વાનર-ભાઈઓ છે, તેમને આપ સમુદ્ર પર પુલ બાંધવાની આજ્ઞા કરો, આપના પ્રતાપથી પુલ બંધાઈ જશે.

વધુ આવતા અંકે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)