રામાયણ રહસ્ય 20: રામ કથા સાંભળવાથી શું લાભ થાય છે અને તેના માટે આપણે શું છોડવું પડે છે તે જાણો 

0
684

રામાયણ રહસ્ય 20 (રામાયણ માહાત્મ્ય)

કથા શ્રવણથી જેમ પરીક્ષિતના મ-રુ-ત્યુનો ભય ટળી ગયો હતો, તેમ રામ કથા સાંભળવાથી પણ મ-રુ-ત્યુનો ભય ટળે છે. ભગવાને ગીતાજીમાં દૈવી ગુણોની વ્યાખ્યા આપી છે, તેમાં સહુથી પહેલું સ્થાન અભયને આપ્યું છે. જેણે અભય સિદ્ધ કર્યો તે બચી ગયો, તે અમર થઇ ગયો.

વેદાંતાધિકાર સર્વને નથી. સાધન ચતુષ્ટ્ય, નિત્યા-નિત્ય વિવેક, ષડસંપત્તિ. વૈરાગ્ય વિના વેદાંત પર અધિકાર નથી. પણ કથાનો અધિકાર સર્વેને છે. જે ભગવદ કથાનો આશ્રય લે છે તેને ઈશ્વર પોતાની ગોદમાં બેસાડે છે. અને નિર્ભય અને નિસંદેહ બનાવે છે. ધ્રુવજીની પેઠે મ-રુ-ત્યુના માથા પર પગ મૂકીને તે નિર્ભય થઈને પ્રભુના ધામમાં જઈ શકે છે.

જેમ ભાગવત એ નારાયણનું સ્વરૂપ છે તેમ રામાયણ પણ નારાયણનું સ્વરૂપ છે. જીવ, જગત અને ઈશ્વરનું જ્ઞાન રામાયણમાંથી મળે છે. પણ એકલું જાણેલું (જ્ઞાન) કામનું નથી. જીવનમાં કેટલું ઉતાર્યું છે તે કામનું છે. અઢી મણ જ્ઞાન કરતાં અધોળ આચરણ શ્રેષ્ઠ છે. શ્રીરામના દિવ્ય સદગુણો જીવનમાં ઉતારવાના છે. પૂર્વ જન્મનો બહુ વિચાર કરવાની જરૂર નથી.

જનક રાજાએ એક વખત યાજ્ઞવલ્કય ઋષિ પાસે પોતાના પૂર્વ જન્મો જોવાની માગણી કરી. ત્યારે યાજ્ઞવલ્કયે કહ્યું : રાજા તે જોવામાં બહુ સાર નથી. પણ જનકરાજાએ હઠ છોડી નહિ. ત્યારે ઋષિએ તેમને તેમના પૂર્વજન્મો બતાવ્યા. જનકે જોયું કે પોતાની પત્ની એક જન્મમાં પોતાની માતા હતી. એ જોઈ જનક રાજાને બહુ દુઃખ થયું. તેથી પૂર્વજન્મના વિચારો બહુ કરવા જોઈએ નહિ.

આ જન્મ જ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. ને આ જન્મમાંથી જ આવતા જન્મને ઘડવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવતો જન્મ લેવો જ ના પડે તેવી સ્થિતિ સર્વથી સારી છે, પણ તે અતિ દુર્લભ પણ છે. કોઈ મહાભાગ્યશાળીના ભાગ્યમાં તે હોય છે. પણ એ સ્થિતિએ પહોંચવા માટે પુરુષાર્થ કરી શકાય છે અને તે આપણા હાથની વાત છે.

કથા એ કીર્તન ભક્તિનું સ્વરૂપ છે. અને કીર્તન ભક્તિથી જેમ, પરમાત્માનાં દર્શન થાય છે તેમ કથા શ્રવણથી પણ પરમાત્માનાં દર્શન થઇ શકે છે. કથા કીર્તન દ્વારા મ-રુ-ત્યુ સુધરે છે. એટલા માટે તુલસીદાસે રામકથાનો હેતુ ભવસાગર તરવાનો છે એમ કહ્યું છે.

મ-રુ-ત્યુ કોને નથી? મ-રુ-ત્યુ નો ડર કોને નથી? સહુને મ-રુ-ત્યુનો ડર છે એટલે રામકથા રૂપી ઔષધિની સર્વને જરૂર છે. પરમાત્માએ જગતમાં પોતાનું સ્વરૂપ છુપાવ્યું છે પણ પોતાનું નામ છુપાવ્યું નથી. નામ પ્રગટ છે.

કથા સાંભળવા ઘણા જાય છે. પણ સહુ પોતપોતાની રીતે કથા સાંભળે છે. કથા ભલેને ઉંચા સ્તર પર ચાલતી હોય પણ કોઈ મનથી બેસીને, કોઈ બુદ્ધિથી બેસીને, કોઈ ચિત્તથી બેસીને તો કોઈ અહંકારથી કથામાં બેસીને કથા સાંભળે છે.

અહંકારમાં બેઠેલો ખરેખર કશું સાંભળતો જ નથી. પોતે અહમમાં એવો ડૂબેલો હોય છે કે શબ્દો કાન પરથી જ ચાલ્યા જાય છે. આમ આવા લોભ, મો હ, મ દ વાળો મનુષ્ય મનમાં જ આવા ભાવ સાથે કથા સાંભળે છે. પણ કશું સાંભળતો નથી. જ્ઞાની મનુષ્ય બુદ્ધિમાં બેસીને અને ભક્ત ચિત્તમાં બેસીને કથા સાંભળે છે. કથાના સાચા શ્રોતા થવા સહુ પ્રથમ અહંકાર છોડવો જોઈએ.(તો કથા કાને પડે) મનુષ્ય જો અહંકાર છોડીને કથા સાંભળે તો કથાનો પ્રવાહ ગંગાજીની પેઠે એનાં મન, બુદ્ધિ અને ચિત્ત ને પાવન કરવા હાજર જ છે.

શિવજી શ્રીરામનો મહિમા ગાતાં પાર્વતીજીને કહે છે કે : શ્રીરામ અનંત છે, તેમના ગુણો અનંત છે, તેમના જન્મ, કર્મ અને નામ પણ અનંત છે. જળના કણો કે પૃથ્વીના રજકણો કદાચ ગણી શકાય પણ રામચરિતનો મહિમા ગણતાં તેનો પાર નહિ આવે.

શિવજીની સાથે આપણે પણ શ્રી રઘુનાથજીનો મહિમા ગાઈ, સ્તુતિ કરી અને તેમની પાસેથી અનન્ય ભક્તિ અને સત્સંગ માગીને તેમની પ્રાર્થના કરીને રામાયણની શરૂઆત કરીએ.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)