રામાયણ રહસ્ય 224: કળિયુગનો મોટામાં મોટો આધાર શું છે, તેમાં કોઈ મહેનત વગર સંસાર કેવી રીતે તરી શકાય

0
550

રામાયણ રહસ્ય 224 (રામાયણ માહાત્મ્ય)

કાકભુશુંડીએ રામકથા સાંભળવા આવેલા ગરુડજીને કળિયુગ વિષેની વાતો જણાવી. આ સાંભળી ગરુડજીથી બોલાઈ ગયું કે – અરે રે મને કળિયુગના જીવોની દયા આવે છે.

ત્યારે કાકભુશુંડીએ કહ્યું કે – હે ગરુડજી, કળિયુગમાં પાપ ને અવગુણોનું સ્થાન હોવા છતાં, તેમાં એક મોટો ગુણ પણ છે. વિ-ષ-ના વેલાઓમાં એક અમૃતની વેલ પણ છે. જેવી રીતે, સત્ય યુગમાં લોકો યોગી ને વિજ્ઞાની હોય છે ને હરિનું ધ્યાન કરી સંસાર તરે છે, ત્રેતાયુગમાં યજ્ઞ-યાગ કરી, સર્વ કર્મો પ્રભુને સમર્પણ કરીને તરે છે. અને દ્વાપર યુગમાં પૂજા-પ્રાર્થના કરીને તરે છે, તેમ, કળિયુગમાં યજ્ઞયાગ, યોગ કે જ્ઞાન વગર કેવળ શ્રીહરિના ગુણનું ગાન કરીને, સંસાર તરી જાય છે.

શ્રીહરિના ગુણગાન એ જ કળિયુગનો મોટામાં મોટો આધાર છે, કળિયુગમાં હરિના માત્ર “નામ”નો જ આધાર છે, “નામ” નો આ આધાર કળિયુગમાં પ્રત્યક્ષ છે અને તે કળિયુગનો મોટામાં મોટો ગુણ છે. એટલે જો મનુષ્ય હરિનામમાં “શ્રદ્ધા” રાખે તો કળિયુગ સમાન બીજો કોઈ યુગ નથી. શ્રદ્ધાથી જો રામના “નામ” ને ભજવામાં આવે તો મનુષ્ય વગર બીજી કોઈ મહેનતે સંસાર તરી જાય છે.

સત્યયુગમાં શુદ્ધ સત્વ-ગુણ હોય છે, ત્રેતાયુગમાં સત્વગુણમાં રજોગુણ ઉમેરાય છે, પણ રજોગુણની પ્રબળતા ઓછી હોય છે, દ્વાપરયુગમાં રજોગુણ પ્રબળ થઇને, સત્વગુણ ઓછો થઈને, તેમાં તમોગુણ ઉમેરાય છે. જયારે કળિયુગમાં સત્વ ગુણ તો જોવા મળતો નથી, રજોગુણ ઓછો અને તમોગુણ સૌથી પ્રબળ બને છે.

પ્રતીકાત્મક ફોટો

પ્રભુજીની આ માયા છે, તે મહાન બાજીગર (ઈશ્વર) ની આ ઇન્દ્રજાળ (માયાજાળ) છે. જોનારાને આ માયા અતિ-વિકટ લાગે છે, અને બહુ સહેલાઈથી માયામાં ફસાઈ જાય છે. પરંતુ તે બાજીગર (ઈશ્વર) ના સેવક પર તે માયાની અસર થતી નથી. માટે નિષ્કામ પણે શ્રીરામને ભજવા જોઈએ.

પાછા મૂળ વાત પર આવતાં કાક કહે છે કે – મારી પાસે ઘણું ધન હતું, ધનનો મદ પણ ઘણો હતો, શ્રીમંતાઈને લીધે હું અભિમાની, દંભી અને ઉગ્ર (ક્રોધી) બની ગયો હતો, ને કોઈને ગાંઠતો નહોતો. એવામાં દેશમાં દુકાળ પાડ્યો, ને વિપત્તિઓનો કોઈ પાર ના રહ્યો, લુંટ-ફાટમાં મારું ધન ચોરાઈ ગયું, વધ્યું હતું તે વપરાઈ ગયું ને હું દરિદ્ર બની ગયો. હું મારું ગામ છોડી ને ઉજ્જૈયનીમાં જઈને રહ્યો, ત્યાં કેટલોક વખત મારી સ્થિતિ થોડી સુધરી.

ઉજ્જૈયનીમાં એક બ્રાહ્મણ રહેતો હતો ને તે રોજ વિધિપૂર્વક શિવજીની પૂજા કરતો, હું તેનો શિષ્ય થયો. મને એમણે શંકરનો મંત્ર આપ્યો. શિવજીના મંદિરમાં જઈ હું રોજ જપ કરતો, પણ ધીરે ધીરે મારા દંભ અને અહંકારે જોર પકડવા માંડ્યું, હું માનવા લાગ્યો કે શ્રીશંકર એ જ સાચા દેવ છે, વિષ્ણુ એટલે તેમની આગળ કશું નહિ, અને તેથી હું વિષ્ણુ-ભક્તોને જોઈ ગુસ્સે થઇ જતો ને તેમનું અપમાન કરતો.

મારા ગુરૂ મારી આવી વર્તણૂકથી દુઃખી થતા હતા, એકવાર મને પાસે બોલાવી કહ્યું કે – બેટા, શ્રીરામનાં ચરણમાં ગાઢ ભક્તિ થાય એ જ શ્રીશંકરની સેવાનું ફળ છે, શિવજી પણ રામને ભજે છે. ગુરુએ શિવજીને રામજીના સેવક કહ્યા એટલે હું એકદમ ગુસ્સે થઇ ગયો. ને મેં તેમને કહ્યું કે – શિવજી તમે રામના સેવક કહો છો તે ખોટી વાત.

ગુરૂ શાંત સ્વભાવના હતા, તેમણે શાંત સ્વરે કહ્યું કે – તો શું તું મને જૂઠ્ઠો સમજે છે? હું તે વખતે ગમ ખાઈ ગયો પણ ગુરૂ પ્રત્યે મારા મનમાં રોષ ધૂંધવાતો રહ્યો. જેમ રસ્તાની ધૂળ રસ્તામાં પડી હોય છે, ત્યારે તે સૌની લાતો ખાય છે, પણ પવન આવી તેને ઉંચે ચડાવે છે, ત્યારે એ પવનને જ ધૂળ-ધૂળ કરી મૂકે છે, તેમ નીચ મનુષ્યોનો આવો સ્વભાવ હોય છે, જેનાથી મોટાઈ મળી હોય તેનો જ એ પહેલો નાશ કરે છે. એટલા માટે જ દુષ્ટથી ચેતીને ચાલવાનું કહ્યું છે, તેની સાથે કજીયો ના કરવો કે દોસ્તી યે ન કરવી.

વધુ આવતા અંકે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)