રામાયણ રહસ્ય 226: જ્ઞાન હોવા છતાં લોકો માયામાં કેમ ફસાય છે, જાણો કાકભુશુંડીએ શું ઉપદેશ આપ્યો છે.

0
512

રામાયણ રહસ્ય 226 (રામાયણ માહાત્મ્ય)

ગરુડજી હવે કાકભુશુંડી સમક્ષ એક બીજો પ્રશ્ન પૂછે છે કે – પ્રભુ, વેદ-પુરાણ કહે છે કે જ્ઞાન સમાન કંઈ પવિત્ર નથી, છતાં લોમશમુનિએ તમને જ્ઞાન આપવા માંડ્યું ત્યારે એનું તમે સ્વાગત કર્યું નહિ! તો જ્ઞાન અને ભક્તિમાં શો તફાવત છે તે મને કહો. ત્યારે કાક કહે છે કે – હે, પંખીરાજ, જ્ઞાન અને ભક્તિ વચ્ચે કોઈ જ ભેદ નથી, બંને સંસારના ક્લેશો હરે છે.

છતાં મુનિવરો તેમાં કંઈક તફાવત જણાવતાં કહે છે કે – જ્ઞાન એ પુરુષ છે અને માયા એ સ્ત્રી છે. જ્ઞાન (પુરુષ) બહુ પ્રબળ હોય તો જ તે માયા (સ્ત્રી) થી દૂર રહી શકે છે, નહિ તો તે માયામાં મોહિત થાય છે (ફસાય છે). પણ, માયા અને ભક્તિ એ બંને સ્ત્રી જાતિ છે. અને એક સ્ત્રી, એ બીજી સ્ત્રી પર મોહિત થતી નથી. તેથી જ્યાં ભક્તિ છે ત્યાં માયા તેની નજીક ઢુકતી નથી.

શ્રીરઘુવીરને ભક્તિ વહાલી છે, તેથી રઘુનાથજીની ભક્તિ કરવી વધુ અનુકૂળ રહે છે, જેના હૃદયમાં ભક્તિ વસે છે, તેના પર માયાનું જોર ચાલી શકતું નથી. શ્રીરામનું આ રહસ્ય કોઈ ઝટ જાણી શકતું નથી, અને શ્રીરામની દયાથી જે જાણે છે, તે સ્વપ્નમાં પણ મોહને પામતો નથી. તે જાણે છે કે માયા એક નટી (અભિનેત્રી) જેવી છે, ભલે એનો ખેલ કર્યા કરે, એટલે તે ભક્ત તટસ્થ થઇ જોયા કરે છે, પણ એને (માયાને) સાચી માની છેતરાતો નથી.

જ્ઞાન અને ભક્તિનું બીજું રહસ્ય એ છે કે – જીવ ઈશ્વરનો અંશ છે, તેથી તે અવિનાશી, શુદ્ધ ચૈતન્ય, આનંદ-સ્વરૂપ છે. પણ જેમ, વાનર માટલીમાં હાથ નાંખી ચણાની મુઠ્ઠી વાળે છે એટલે તે માટલીમાંથી બહાર હાથ કાઢી શકતો નથી, તેની પેઠે જીવ પણ પોતાની મેળે બંધાયો છે. અને આમ જડ-ચેતનની ગાંઠ પડી ગઈ છે.

તે ગાંઠ ખોટી છે, તો પણ તે વાળ્યા પછી તે છૂટવી મુશ્કેલ છે, તે ગાંઠ છૂટતી નથી અને જીવને સુખ મળતું નથી. અજ્ઞાનને લીધે જીવને ગાંઠ દેખાતી નથી, તો પછી એ છૂટે કેવી રીતે?

હૃદય એ ઘર છે, સાત્વિક શ્રદ્ધા એ ગાય છે, હૃદય (ઘર) માં એ શ્રદ્ધા (ગાય) ને વસાવો, અને એને જપ, તપ, નિયમ રૂપી તાજું લીલું ઘાસ નીરો. પછી વિશ્વાસને બનાવો પાત્ર અને મનને બનાવો દોહવાવાળો. તો એ શ્રદ્ધા (ગાય) તમને પરમ ધર્મ-મય (દૂધ) દેશે. એ દૂધને નિષ્કામભાવ રૂપી અગ્નિ પર ગરમ કરો ને ક્ષમા અને સંતોષ-રૂપી વાયુથી ઠંડું કરો. અને એમાં ધૃતિ અને શમ-રૂપી મેળવણ નાંખી જમાવો. તો તેમાંથી “વૈરાગ્ય-રૂપી માખણ” પ્રાપ્ત થશે.

તે પછી શુભ-અશુભ ઈંધણને બાળી અગ્નિ પ્રગટાવોને તે વૈરાગ્ય-રૂપી માખણને તપાવો. જેથી મમતા-રૂપી કચરો બળી જશે ને “જ્ઞાન-રૂપી” “ઘી” પ્રાપ્ત થશે. એ “જ્ઞાન-રૂપી” ઘીને “નિશ્ચય-બુદ્ધિ” થી ઠંડું કરી, “ચિત્ત-રૂપી” કોડિયું ભરો, “સમાનતા” ની દિવેટ મુકો, તો આ “જ્ઞાન-વિજ્ઞાન મય” દીપક પ્રગટશે. તેની નજીક જતાં મદ, મોહ-પતંગિયાં બળીને ભસ્મ થઇ જશે. આ દીપકની દીપ શિખા તે “સોહમસ્મિ” એટલે “તે બ્રહ્મ હું છું” ની અખંડ-વૃત્તિ (જ્ઞાન-વિજ્ઞાન).

આ રીતે જયારે આત્માના અનુભવના સુખનો સુંદર પ્રકાશ ફેલાય છે, ત્યારે જન્મ-મ-રૂ-ત્યુ-રૂપ સંસારનું મૂળ (ભેદ) નાશ પામે છે, અને ત્યારે તે જડ-ચેતન (ભેદ)ની ગાંઠ ઉકલે છે.

“સોહમસ્મિ ઇતિ બૃત્તિ અખંડા, દીપશિખા સોઈ પરમ પ્રચંડા,

આતમ અનુભવ સુખ સુપ્રકાશા, તબ ભવ મૂલ ભેદ ભ્રમ નાસા”

હે, ગરુડજી, આ રીતે એ ગાંઠ (જડ-ચેતનની) ઉકેલો, તો જીવન ધન્ય બની જાય છે, પણ ગાંઠને ઉકલતી જાણી, માયા ફરી જોર કરે છે, વિઘ્નો ઉભાં કરે છે.

વધુ આવતા અંકે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)