રામાયણ રહસ્ય 32: હનુમાનજીએ સુંદરકાંડમાં કોને આ સંસારમાં મોટી વિપત્તિ કહી છે, ઘણી કામની છે આ કથા

0
446

રામાયણ રહસ્ય 32 (રામાયણ માહાત્મ્ય)

તુલસીદાસજીએ રામાયણનું સર્વ “તત્વ” ઉત્તરકાંડમાં ભર્યું છે. ઉત્તરકાંડમાં ભક્તિની કથા છે. ભક્ત કોણ? તો કહે છે કે જે પ્રભુથી એક પળ પણ વિભક્ત ના થાય તે.

કાક-ભુશંડી અને ગરુડના સંવાદમાં જ્ઞાન અને ભક્તિનો મધુર સમન્વય કર્યો છે. સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મની તેમાં સુંદર ચર્ચા કરેલી છે, અને વારંવાર વાંચવા જેવો છે.

રાક્ષસો (કામ-ક્રોધ-મોહ વગેરે) ને મા-રી-ને વિજયી થયેલા જીવાત્માને અહીં જ્ઞાન-ભક્તિનું ભાતું મળે છે. જીવન ના છ સોપાન વટાવ્યા પછી મનુષ્યને આ જ્ઞાન-ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે.

ઉત્તરકાંડમાં જીવનના અટપટા કોયડાઓનો ઉકેલ છે. કર્મ અને પૂનર્જન્મની ઘટમાળ કેવી રીતે કામ કરે છે, ઈશ્વરનો કાનૂન કેવો અફર છે કે જેમાંથી દેવો અને ભગવાન પોતે પણ છૂટી શકતા નથી. તે બતાવ્યું છે. ફરી ફરી વાંચન અને મનન કરી શકાય તેવું અદભૂત વર્ણન છે. આ રીતે તુલસીદાજીએ માનવજીવનનાં સાત સોપાનની વાત કહી છે.

રામકથા તો અમૃતનો સાગર છે. એના ઊંડાણનો, વિસ્તારનો, સમૃદ્ધિનો પાર નથી. શિવજીની જેમ હૃદયમાં એક રામ-નામ રખાય તો પણ ઘણું. શિવજીએ બીજા કશાનો પરિગ્રહ રાખ્યો નથી, પણ એક રામનામનો પરિગ્રહ રાખ્યો છે. એ છોડવા તે તૈયાર નથી.

હનુમાનજી સુંદરકાંડમાં કહે છે કે : પ્રભુ, તમારા નામનું વિસ્મરણ થાય, એ જ સંસારમાં મોટી વિપત્તિ લાગે છે. એ સિવાય સંસારમાં મને બીજી કોઈ વિપત્તિ દેખાતી નથી.

વ્યાસજી પણ ભાગવતમાં કહે છે કે : સંસારિક વિપત્તિ એ વિપત્તિ જ નથી, અને સંસારિક સંપત્તિ એ સંપત્તિ નથી, એ બંને ખોટાં છે. ખરી વિપત્તિ છે વિષ્ણુનું વિસ્મરણ અને ખરી સંપત્તિ છે વિષ્ણુનું સ્મરણ.

આ માનવ શરીર મળ્યું છે વિષયભોગ માટે નહિ, આ ક્ષણ ભંગુર શરીરને શણગારીને લાડ લડાવીને ફરવા માટે નહિ, કે દા-રુ પીધેલા ઉંદરડાની પેઠે અહંકારથી છાતી ફુલાવીને રૂવાબ કરવા માટે નથી. પણ આ શરીર પરમાત્માનું સ્મરણ કરવા માટે મળ્યું છે.

શ્રીરામ રાવણને મા-રી અયોધ્યા પાછા આવ્યા પછી તેમનો રાજ્યાભિષેક થયો અને રાજા બન્યા પછી તેમણે અયોધ્યાવાસીઓને બોધ આપ્યો છે, તે તુલસીદાસજીએ બહુ સુંદર શબ્દોમાં ચોપાઈમાં ઉતાર્યો છે.

એહી તન કર ફલ બિષય ન ભાઈ, સ્વર્ગઉ સ્વલ્પ અંત સુખદાઈ,

નર તનુ પાઈ બિષયે મન દેહી, પલટી સુધા તે સઠ બિષ લેહી.

(હે ભાઈ, આ શરીરનું ફળ વિષય ભોગ નથી, અને સ્વર્ગના ભોગો પણ બહુ થોડા છે, અને દુઃખ દેનારા છે, માટે જે મનુષ્યો આ શરીરને પ્રાપ્ત કરીને વિષયોમાં મન જોડે છે, તો તેઓ અમૃતને બદલે વિ-ષ-લે-છે.)

ભોગ ભોગવવાથી ભોગેચ્છા તૃપ્ત થતી નથી, પરંતુ અગ્નિમાં ઘી હોમવાથી જવાળાઓ વધારે ઉંચે ચડે છે, તેમ ભોગ ભોગવવાથી ભોગેચ્છા વધારે ને વધારે બળવાન બનતી જાય છે.

ભર્ત્રુંહરિ મહારાજ કહે છે કે,

ભોગો ન ભુકતા: વયમેવ ભુકતા: તપો ન તપ્તમ, વયમેવ તપ્તા:

કાલો ન યાતો, વયમેવ યાતા: તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા:

(તું સમજે છે કે તું ભોગો ભોગવે છે, પણ તું ભોગ ભોગવતો નથી, ભોગો તને ભોગવે છે, તું સમજે છે કે હું તપાવું છું, પણ તું તપાવતો નથી, પણ જાતે જ તપાઈ રહ્યો છે, તું સમજે છે કે કાળ વીતી રહ્યો છે, પણ કાળ વીતી રહ્યો નથી, તું પોતે જ વીતી રહ્યો છે, તું સમજે છે કે તૃષ્ણા જીર્ણ થઇ રહી છે પણ તૃષ્ણા જીર્ણ થઇ રહી નથી, તું ખુદ જીર્ણ થઇ રહ્યો છે.)

આ કામ, ક્રોધ, લોભ એ મનુષ્યના મોટામાં મોટા દુશ્મન છે, એ કદી તૃપ્ત થતા નથી. છતાં મનુષ્ય એમને શત્રુ માનવાને બદલે મિત્ર માને છે. અને તેમની સરભરા કરે છે અને પાછળથી મહાદુઃખમાં ભરાઈ પડે છે. માટે એને આશરો આપવાની જરૂર નથી, એને જરા આંગળી આપવામાં આવે તો તે આંગળી તો શું મનુષ્યને આખે આખા કરડી ખાય છે અને ઉકરડે ફેંકી દે છે.

ધર્મનું, હરિનું શરણ લીધા વગર એની પકડમાંથી છૂટી શકાય તેમ નથી, શાંતિ મળી શકતી નથી.

કબીર કહે છે કે : તમારે મોતી જોઈએ છે ને? તો ઊંડા જળમાં ડૂબકી મારો, કિનારે બેસીને છબછબિયાં કરવાથી મોતી નહિ મળે, આ મોતી તો બહુ કિંમતી છે.

પણ મોતી લેવું જ છે કોને?

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)