રામાયણ રહસ્ય 56: કુંભકર્ણએ રાવણને રામનું રૂપ ધારણ કરી સીતાજી પાસે જવા કહ્યું ત્યારે રાવણ શું બોલ્યો, જાણો

0
1860

રામાયણ રહસ્ય 56 (રામાયણ માહાત્મ્ય)

ઈશ્વર તો અખંડ (સતત) જીવની સામે જોયા કરે છે, પણ જીવ ઈશ્વરની સામે જોતો નથી. શ્રીરામ તો જીવને અપનાવવા તૈયાર છે, પણ અભાગિયો જીવ ક્યાં તૈયાર છે? (એને ફુરસદ નથી) દેહના મિલનમાં સુખ નથી. જો દેહના મિલનમાં સુખ હોય તો મડદાને કોઈ કેમ ભેટતું નથી? મ-ડ-દા-ને પણ હાથ, પગ, આંખ, કાન બધું છે! પણ એમાં પ્રાણ નથી એટલે, એનું મિલન સુખદ નથી. એટલે એમ પણ કહી શકાય કે દેહના મિલનથી નહિ પણ પ્રાણના મિલનથી સુખ છે.

પ્રાણના મિલનનો આનંદ થાય છે તો પ્રાણના યે પ્રાણ (ઈશ્વર)ના મિલનનો આનંદ કેવો હશે?

શ્રીરામ આજાનબાહુ છે. આજાનબાહુ એટલે ઘુંટણ સુધી લાંબા હાથવાળા. કોઈકે પૂછ્યું કે : પ્રભુ તમે આવા લાંબા હાથ કેમ રાખ્યા છે? તો પ્રભુએ જવાબ આપ્યો કે : મારા ભક્તો મને મળવા આવે છે તેમણે હું ભેટું છું. અનેક વિવિધ જાતના ભક્તોમાં જો કોઈ રુષ્ટ-પુષ્ટ(જાડો) ભક્ત આવે તો તેને પણ ભેટી શકાય એટલા માટે મેં મારા હાથ લાંબા રાખ્યા છે. પ્રભુ તેના દરેક ભક્તોની કેટલી ચિંતા કરે છે?

શ્રીધરસ્વામીએ રામ-વિજય લીલા ગ્રંથમાં કહ્યું છે કે શ્રીરામ યજ્ઞનું એવી રીતે રક્ષણ કરતા હતા કે રાક્ષસો યજ્ઞના જે દરવાજે જાય તે દરવાજે તેમનાં જ દર્શન થાય.

વિશ્વમિત્ર યજ્ઞમાં આહુતિ આપે છે પણ તેમની નજર રામચંદ્રજી પર છે. ગમે તે સત્કર્મ એ યજ્ઞ જ છે, અને સત્કર્મ કરતી વખતે નજર પરમાત્મા પર રાખવી જોઈએ કે જેથી અહંભાવ રહેતો નથી, અને અહંકાર છોડી નિષ્કામ ભાવે સત્કર્મ કરાય તો જ પ્રભુ પધારે.

શ્રુતિ કહે છે કે : અગ્નિ એ પરમાત્માનું મુખ છે, અગ્નિની જવાળા એ પરમાત્માની જીભ છે. અગ્નિ-મુખથી પરમાત્મા આરોગે છે, બ્રાહ્મણો વેદના મંત્રો ભણી અગ્નિમાં આહુતિ આપે છે. યજ્ઞ, સ્વાધ્યાય, તપ અને ધ્યાનનું ફળ છે મન-શુદ્ધિ. અને મન-શુદ્ધિનું ફળ છે પરમાત્માના દર્શન. વિશ્વામિત્ર યજ્ઞ કરતા વિચારે છે કે યજ્ઞનું ફળ (ઈશ્વર) તો મારે દ્વારે ઉભું છે અને હું ધુમાડો ખાઉં છું!

રાક્ષસોને ખબર પડી કે વિશ્વામિત્રે યજ્ઞનો પ્રારંભ કર્યો છે, એટલે એ યજ્ઞમાં વિઘ્ન કરવા દોડી આવ્યા છે. તેમનો આગેવાન છે તાડકાનો દીકરો મારીચ. મારીચ યજ્ઞના દરવાજે રામજીને ઉભેલા જુએ છે, અને તેમને જોતાં જ તેનું મન ચકડોળે ચડી જાય છે. કદી જિંદગીમાં વિચારો આવ્યા નહોય તેવા વિચારો તેને આવવા માંડ્યા, અને એના મનમાં દયા–માયા સ્ફુરવા લાગી. રામજીને જોતાં, તેમનાં દર્શન કરતાં મારીચનો સ્વભાવ બદલાય છે. મારીચ રાક્ષસ હતો પણ રામનાં દર્શન કરવાથી તેની બુદ્ધિ સુધરી.

આજે તો મનુષ્ય દેવ-મંદિરમાં દર્શન કરવા જાય છે, કથા સાંભળે છે, પણ કથામાં ને મંદિરમાં દેવદર્શન કર્યા પછી પણ જો બુદ્ધિ ના સુધરે તો સમજવું કે “હું રાક્ષસ કરતાં પણ અધમ છું.”

એકનાથ મહારાજે એક પ્રસંગ લખ્યો છે. રામ-રાવણનું યુદ્ધ ચાલતું હતું ત્યારે કુંભકર્ણ સૂતેલો હતો. તેને જગાડવા અને યુદ્ધમાં મદદ લેવા માટે રાવણ ગયો. કુંભકર્ણને ઉઠાડી બધી વાત કરી. ત્યારે કુંભકર્ણ કહે છે કે : તું રામનું માયાવી રૂપ ધારણ કરી સીતાજી પાસે જા, તો તને રામ સમજી સીતાજી છેતરાઈ જશે. ત્યારે રાવણ કહે છે કે : જે તે રૂપ ધારણ કરવા તે રૂપનું ચિંતન કરવું પડે છે. હું રામનું સ્વરૂપ ધરવા જેવું રામનું ચિંતન કરું છું કે મારું મન બદલવા માંડે છે. સીતાજી મને માતાજી સ્વરૂપે દેખાવા માંડે છે. રામમાં કંઇક જાદુ હોય તેવું લાગે છે.

કુંભકર્ણ કહે છે કે : જો રામના નકલી રૂપનો જો આટલો પ્રભાવ છે, તો રામના અસલી રૂપનો કેટલો પ્રભાવ હશે? તારી વાત સાંભળ્યા પછી મને લાગે છે રામ જરૂર પરમાત્મા છે. માટે ભલો થઇ તેમની સાથે વેર ના કર. નહિતર તારા દુઃખનો પાર નહિ રહે, કુળનું નિકંદન થઇ જશે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)