રામાયણ રહસ્ય 6 : નરસિંહ મહેતાએ એવું કેમ ગાયું કે – હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર

0
663

રામાયણ રહસ્ય 06 (રામાયણ માહાત્મ્ય)

પાપ-પુણ્યને પ્રાણીઓ સમજી શકતા નથી. વાઘ-વરુ વગેરે જંગલી પ્રાણીઓ શિ-કા-ર કરીને જ જીવી શકે છે, તે તેમનો ધર્મ છે, માનવીનો ધર્મ હિં-સા-નો નહિ પણ અ-હિં-સા-નો છે.

બીજા જીવને દુઃખી કરી કે મા-રી-ને પોતે સુખી થવાનો વિચાર ખોટો છે.

રાવણ રાક્ષસ-કુળનો નહોતો, તે બ્રાહ્મણ-કુળમાં પેદા થયો હતો. બ્રાહ્મણ-કુળના સંસ્કાર બીજાને સુખી કરવાના છે, રાક્ષસ કુળના સંસ્કાર બીજાને દુઃખી કરવાના છે.

રાવણે બ્રાહ્મણના સંસ્કાર છોડ્યા તેથી તે રાક્ષસ ગણાયો.

મનુષ્ય શરીરથી જ ભક્તિ થઇ શકે છે, ભગવાને પશુ-પંખી, ઝાડો, પહાડો વગેરે બનાવ્યા પણ તેમને સંતોષ ના થયો એટલે ત્યારે તેમણે મનુષ્ય પેદા કર્યો. ભાગવતમાં ભગવાન કહે છે કે – મને મનુષ્ય શરીર અતિ પ્રિય છે.

મનુષ્ય શરીર ભક્તિ, મુક્તિ અને જ્ઞાનનું સાધન છે. અને તેથી મનુષ્ય શરીર અતિ દુર્લભ છે. એટલે જ તો ભગવાન પણ આ મનુષ્ય શરીરમાં અવતાર ધારણ કરે છે.

મનુષ્ય શરીર જ તપ કરીને ભગવાનને પામી શકે છે, પ્રભુના દર્શન કરી શકે છે. પશુ પંખી તપ કે ભક્તિ કરી શકતા નથી. સ્વર્ગના દેવો પણ તપ કરી શકતા નથી.

સંતો દેવોના શરીરને ચાંદીનું અને મનુષ્યના શરીરને લોઢાનું કહે છે. ચાંદીનું શરીર આમ કિંમતી ખરું પણ પારસમણિના સંયોગથી તે સોનું થઇ શકે નહિ. જયારે, હરિ ભક્તિનો પારસમણિ મનુષ્યના લોઢાના શરીરને સોનું બનાવે છે. એટલે પછી દેવ શરીરની કોઈ કિંમત ખરી?

દેવો સ્વર્ગનું સુખ ભોગવે છે પણ તે સુખો અનંત ન હોતાં અંતવાળા છે. કારણકે સ્વર્ગમાં દેવો કોઈ નવા પુણ્યનો સંચય કરી શકતા નથી. અને પુણ્ય પુરુ થતાં તેમને સ્વર્ગ છોડવું પડે છે. આમ દેવ વેપાર એ ખોટનો વેપાર છે. મૂડી રોજ ઓછી થતી જાય ને મૂડીમાં વધારો થાય નહિ. પુણ્યકર્મ અને પુણ્યનો સંચય કેવળ પૃથ્વી પર મનુષ્યલોકમાં જ થઇ શકે છે. જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યથી તપ કરી પરમાત્માને પામી શકાય છે.

એટલે જ ભક્તો કહે છે કે – વ્રજ વહાલું રે વૈકુંઠ નહિ આવું. નરસિંહ મહેતા એ ગાયું છે કે – હરિના જન તો મુક્તિ ન માગે માગે જન્મો જન્મ અવતાર રે. સંત કબીર કહે છે કે – જબ લોહા માટી મિલા, તબ પારસ કોહ કામ?

મ-રી-ગ-યા પછી આ શરીર રૂપી લોઢું માટી થઇ જાય, પછી પ્રભુ રૂપી પારસમણિ શા કામનો? (મને હમણાં જ આ શરીરમાં જ મળો અને મારા શરીર (લોઢા-રૂપી) ને તમારા પારસમણિ રૂપી સ્પર્શથી સોનાનો બનાવો, શરીર મ-રી-જા-ય, માટી થઇ જાય, પછી મળો તો શું કામના?)

પરમાત્માના દર્શન વિના જીવને શાંતિ મળતી નથી. સ્વપ્નમાં પ્રભુનાં દર્શન થાય તે સામાન્ય દર્શન છે, મંદિરમાં મૂર્તિમાં પ્રભુના દર્શન થાય તે મધ્યમ દર્શન છે, પણ ઈશ્વરના પ્રત્યક્ષ દર્શન થાય તે ઉત્તમ દર્શન છે. ધ્રુવ-પ્રહલાદનું દૃષ્ટાંત એ ઉત્તમ દર્શનનો પુરાવો છે.

મંદિરમાં દર્શન કરીને બહાર આવીને મંદિરના ઓટલા પર જ જેની તેની કુથલી કરવા બેસી જવું તે મધ્યમ દર્શનનો લાભ પણ ખોઈ નાખવા જેવું છે. દુનિયાના દરેક જીવમાં પરમાત્મા છે ને એ જ પરમાત્મા મારામાં છે. એ પ્રમાણે આખું જગત જેને પરમાત્મા સ્વરૂપ દેખાય, તેને જ પરમાત્માના સ્વરૂપનો અનુભવ થાય છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)