રામાયણ રહસ્ય 65: દેવી સીતાના સ્વયંવરમાં જ્યારે રાવણનું થયું આગમન, જાણો પછી શું થયું.

0
554

રામાયણ રહસ્ય 65 (રામાયણ માહાત્મ્ય)

સીતાના સ્વયંવરની શરત સાંભળીને સભામાં સન્નાટો છવાઈ ગયો. કોણ પહેલ કરે? તે જ વખતે રાવણ આકાશમાર્ગે જતો હતો તે મોટો મંડપ જોઈને નીચે ઉતરી આવ્યો. રાવણને જોતાં જ સભામાં ખળભળાટ મચી ગયો. જનકરાજા વિનયી હતા. વણનોતર્યો પણ અતિથી છે એટલે તેને આસન આપ્યું. રાવણે પ્રસંગનું પ્રયોજન પૂછ્યું. ને જવાબ મળતાં ગુસ્સો કરી પૂછ્યું કે : મને આમંત્રણ કેમ નહિ આપેલું? જનક રાજા વિચારે છે કે આ પાપને ઠારવું પડશે. એટલે તેમણે કહી દીધું કે : મેં મંત્રીને સર્વ રાજાઓને આમંત્રણ આપવાનું કહ્યું હતું પણ મંત્રીજી કદાચ ભૂલી ગયા હશે.

મંત્રીજીને બોલાવ્યા તો મંત્રી કહે છે કે મેં સિપાહી મારફતે મોકલ્યું હતું. સિપાહીને બોલાવ્યો તો તે કહે છે કે : હું નિમત્રણ પત્રિકા પહોંચાડવા દરિયા કિનારે આવેલો, ને આપ ક્યાં મળશો તેમ બધાને પૂછેલું, તો બધા કહે કે આપ એવા મોટા રાજા છો કે દેવો પણ આપની પગચંપી કરે છે, ને આ દરિયો પણ એમનો હુકમ ઉઠાવે છે, દરિયો પણ તેમનો સેવક છે. એટલે મને થયું કે દરિયાને જ આપી દઉં એટલે મેં પત્રિકા દરિયામાં પધરાવી દીધી. એટલે હવે આપ દરિયાને પકડો. રાવણ કહે છે કે : હું એને જોઈ લઈશ.

રાવણ આસને બેઠો પોતાની મૂછો આમળે છે, ”હું કોણ? કૈલાશને ઉપાડનાર. આ ધનુષ્યની શી વિસાત?

પાર્વતીજીને રાવણનો આ ઘમંડ સહન થયો નહિ, વળી પોતે સીતાજીને વરદાન આપ્યું હતું કે તેની મનોકામના પૂર્ણ થશે, એટલે તેમણે શિવ ગણોને હુકમ કર્યો કે જાવ રાવણની ફજેતી થાય તેવું કંઈક કરો. રાવણ ધનુષ્ય ઉપાડી જ ના શકે તેવું કરો. ત્રણસો શિવ ગણો એક સાથે છૂટ્યા અને અદ્રશ્ય રીતે ધનુષ્ય પર ચડી બેઠા.

રાવણ ધનુષ્ય નજીક આવ્યો એક હાથ, બે હાથ એમ કરીને વીસ હાથે જોર કરીને એણે ધનુષ્ય તો ઉઠાવ્યું, પણ શિવ ગણોએ ભગવાન શિવજીનું સ્મરણ કરી એવું જોર લગાવ્યું કે રાવણનું સમતોલન ગયું અને તે જમીન પર પડ્યો, ધનુષ્ય તેના પર પડ્યું, રાવણથી ચીસ પડાઈ ગઈ કે બચાવો-બચાવો.

જનકરાજા એ તેમના તૈયાર રાખેલા પાંચ હજાર માણસોને હુકમ કર્યો કે આને બહાર કાઢો. માણસો દોડી આવ્યા અને ધનુષ્યને ખસેડી તેની મૂળ જગ્યાએ મૂકી રાવણને બેઠો કર્યો. રાવણ પોતાની વધુ ફજેતી થાય તે પહેલાં ત્યાંથી વિદાય થયો.

રાવણની આવી દશા જોઈ કોઈ ઉઠતું નથી. એ જોઈ રાજા જનકને બહુ દુઃખ થયું. હવે સમય બરાબર પાક્યો છે એમ જાણીને વિશ્વામિત્રે રામજીને આજ્ઞા કરી કે –

‘ઉઠહુ રામ ભંજહુ ભાવ ચાપા, મીટહુ તાત જનક પરિતાપા’

ઉઠો, રામ, શિવ ધનુષ્ય તોડો, અને જનકની ચિંતાને ટાળો.

ગુરુની આજ્ઞા થતા રામચંદ્રજી ઉભા થયા, ગુરૂ ચરણમાં મસ્તક નમાવી તેમને પ્રણામ કર્યા. તેમના મોં પર સંપૂર્ણ સ્વસ્થતા છે. નથી હર્ષ કે નથી વિષાદ. હર્ષ કે વિષાદ કર્તાપણા (હું કરું છું) માં હોય છે. પણ શ્રીરામ અકર્તા બનીને ધનુષ્યભંગ કરવા જાય છે.

જનકરાજાનાં રાણી રામચંદ્રની સુકુમાર આકૃતિ જોઈ વિમાસણમાં છે, કે રાવણ જેવો જેને ના ઉપાડી શક્યો તેને શું આ બાળક ઉપાડી શકશે?

સીતાજી અંતરથી પ્રાર્થના કરતાં હતાં કે : હે પ્રભુ મારી સેવા સફળ કરો ને બાણને હલ્કુ ફુલ કરો. તેમના મનની વ્યાકુળતા વધતી જતી હતી, પરંતુ અંતરમાં દૃઢ વિશ્વાસ હતો કે રામજી ધનુષ્ય ઉપાડશે જ. એ વિશ્વાસથી બોલે છે કે,

‘જેહિ કે જેહિ સત્ય સનેહું, સો તેઈ મિલઈ ન કછુ સંદેહું.’

જેના જેના પર સાચો સ્નેહ હોય છે તે તે મળે જ છે, એ વિષે કોઈ સંદેહ નથી.

એક પળ રામજીએ સીતાજી ભણી નજર કરી લીધી. તેમની અપાર વ્યાકુળતા જોઈને તેને દૂર કરવાનો તરત નિર્ણય લઇ લીધો કે હવે એક પળ પણ મોડું કરવું પાલવે નહિ.

રામચંદ્રે ધનુષ્યને, ગુરુને, જનકરાજાને પ્રણામ કર્યા, અને પલકમાં ધનુષ્ય ઉઠાવ્યું, પણછ ચઢાવી, ને ખેંચી, વીજળીના ઝબકારાની જેમ ધનુષ્ય ચમક્યું, લોકોની આંખો અંજાઈ ગઈ, અને આકાશ તૂટી પડ્યું હોય તેવા અવાજ સાથે ધનુષ્યના બે ટુકડા થઇ ગયા. આ ઘટના એટલી ત્વરાથી બની કે લોકો ભાનમાં આવ્યા ત્યારે તેમના કંઠમાંથી ગગનભેદી ઘોષ નીકળ્યો – રઘુપતિ રામચંદ્રકી જય.

પરમાનંદ થયો છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)