રામાયણ રહસ્ય 66: રામજીએ સીતાના હાથે જયમાળા પહેરવા ડોક કેમ ન નમાવી, પછી વિશ્વામિત્રએ તેમને શું કહ્યું

0
1152

રામાયણ રહસ્ય 66 (રામાયણ માહાત્મ્ય)

સીતાજી એ સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન અને સંહાર કરનારી મહાશક્તિ છે. પ્રભુ જે ધનુષ્ય બે હાથે ઉઠાવે છે તે મહાશક્તિ એક ડાબા હાથે ઉઠાવીને ખેલે છે. શક્તિથી મોટો કોઈ કર્તા નથી. અને બ્રહ્મથી મોટો કોઈ અકર્તા નથી. એટલે જ જનકરાજાએ પ્રતિજ્ઞા કરી હતી કે જે ધનુષ્યને તોડશે તે સીતાજીને વરશે.

શંકરનું ધનુષ્ય કર્તૃત્વ રહિત કર્મનું પ્રતિક છે, રાવણ કર્તાપણાના અહંકારવાળો છે, તેથી તેનું કશું ચાલી શકે નહિ, જયારે શ્રીરામમાં કર્તૃત્વ પણું નથી, અહંકાર નથી, અને તેથી જ તે કર્મ “શક્તિ” ને પ્રસન્ન કરે છે.

ચારેકોર રામચંદ્રજીનો જય બોલાય છે, મંગળ શંખ વાગે છે, ઢોલ ઢબૂકે છે, શરણાઈના સુર વાતાવરણને ભરી દે છે. રાજા જનક અને મહારાણીના આનંદનો પાર નથી. ગુરૂ શતાનંદજી દોરે છે, સીતાજી હળવે પગલે આગળ વધે છે.

બાલ હંસના જેવી તેમની મનોહર ચાલ છે. તેમના કર કમળમાં જયમાળા છે, શરીરમાં સંકોચ છે, પણ મનમાં પ્રબળ ઉત્સાહ છે. જાનકીજી, શ્રીરામને હાર પહેરાવવા પ્રયત્ન કરે છે, જાનકીજી થોડા ઠીંગણા છે ને રામજી ઉંચા છે. રામજી ડોક નમાવતા નથી, તેઓ વિચારમાં પડી ગયા છે કે ક્ષત્રિય વટને પડકાર થયો એટલે ધનુષ્ય ભલે તોડ્યું પણ માતા-પિતાની આજ્ઞા વગર વરમાળા કેમ સ્વીકારાય?

વિશ્વામિત્ર આ વાત સમજી જાય છે, તેઓ આવી શ્રીરામના કાનમાં કહે છે કે : “તમારાં માત-પિતાની આજ્ઞા છે તે હું જાણું છું. હું જયારે તમને યજ્ઞ-રક્ષા અર્થે લેવા આવ્યો ત્યારે મારે દશરથ-કૌશલ્યા સાથે આ અંગે વાતચીત થયેલી.” આ જાણી રામજી પ્રસન્ન થયા ને ગુરૂ-આજ્ઞા માથે ચડાવી તેમણે ડોક નમાવી.

સીતાજીના હાથ હજી વરમાળા પહેરાવવા ઉંચા જ છે, ત્યારે તેમના હાથમાં પહેરેલાં રત્ન-જડિત કંકણોમાં એકસામટાં રામજીના અનેક પ્રતિબિંબો પડ્યા, સીતાજી તે જોઈ રહ્યા, અને તેમાં તલ્લીન થઇ ગયાં.

રામજી ડોક નમાવીને હજુ ઉભા છે, ગુરૂ શતાનંદે હસીને સીતાજીને હાર પહેરાવવાનું યાદ કરાવ્યું. અને સીતાજીએ રામજીની ડોકમાં વરમાળા પહેરાવી… પરમાનંદ થયો છે.

દેવોએ પુષ્પ-વૃષ્ટિ કરી, ગંધર્વોએ ગીતો ગાયાં અને બ્રાહ્મણોએ વેદ-ઘોષ કર્યો. સખીઓ કહે છે કે : સ્વામીનો ચરણ સ્પર્શ કરો. ત્યારે સીતાજી ડરે છે, ચરણ સ્પર્શ કરવાની ના કહે છે અને ઈશારાથી સખીઓને સમજાવે છે કે અહલ્યા જેવું થાય તો? રામજીના ચરણ સ્પર્શથી અહલ્યા સ્વર્ગમાં ચાલી ગઈ હતી, તેમ મારું થાય તો? સીતાજીની આવી અલૌકિક પ્રીતિ જોઈ રામચંદ્રજી મલકાય છે.

તે પછી વિશ્વામિત્રની રજા લઇને રાજા જનકે રામ-સીતાના લગ્નની તૈયારી આદરી. સુવર્ણાક્ષરે કંકોતરીઓ લખવામાં આવી અને જનકરાજાએ પોતાના મંત્રીઓને અયોધ્યા દશરથ રાજાને કંકોતરી આપવા મોકલવાનું સૂચન કર્યું. મંત્રીઓ એ દૂતોને કંકોતરી આપવા વિદાય કર્યા.

દૂતોએ અયોધ્યા પહોંચી રાજા દશરથના હાથમાં કંકોતરી મૂકી. હકીકત જાણીને રાજા દશરથના આનંદનો પાર રહ્યો નથી. તેમણે એકદમ ગળામાંથી નવસેરો હાર કાઢી દૂતને આપવા માંડ્યો.

ત્યારે દૂતે કહ્યું કે : મહારાજ અમારાથી એ લેવાય નહિ, અમે ભલે રાજ્યના નોકર રહ્યા પણ સીતાજી અમને નોકર માનતી નથી અને ખૂબ જ માનથી તે અમને રાખે છે, સીતાજી અમારી દીકરી છે, અને દીકરીના ઘરનું લેવાય નહિ. વળી અમે કન્યા પક્ષના છીએ એટલે પણ અમારાથી કશું લેવાય નહિ.

દૂતની આવી વિવેકભરી વાણી અને સીતાજીના વખાણ સાંભળી દશરથ રાજા અતિ ખુશ થયા. વસિષ્ઠજી તે વખતે સભામાં જ વિરાજેલા હતા. તે પણ સમાચાર સાંભળી અતિ પ્રસન્ન થયા. અને કહ્યું કે : ખૂબ ધામધૂમથી જાનની તૈયારી કરો. રાજાએ ત્રણે રાણીઓને પણ ખુશ-ખબર સંભળાવી.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)