રામાયણ રહસ્ય 74: પોતાના રાજ્યાભિષેકના સમાચાર સાંભળીને રામના ચહેરા પર હર્ષના ચિહ્ન કેમ નથી દેખાતા 

0
225

રામાયણ રહસ્ય 74 (રામાયણ માહાત્મ્ય)

દશરથ રાજાને રામ પર અપાર પ્રેમ હતો. તેમના પ્રાણ રામમય હતા. રામનું નામ લેતા તેમના ચિત્તમાં આનંદની લહરીઓ ઉઠતી. અત્યારે રાજાને ઈચ્છા થઇ છે કે મારો રામ રાજા થાય ને તેમનો રાજ્યાભિષેક મારી આંખોની સમક્ષ થાય એવી મારી ઈચ્છા પ્રભુ જરૂર પુરી કરશે.

અત્યાર સુધીમાં પ્રભુએ મારી બધી ઇચ્છાઓ પુરી કરી છે તો આ પણ જરૂર પુરી થશે. ધોળા વાળના દર્શનથી રાજાને આ ઈચ્છા પેદા થઇ અને પેદા થતાં જ તે એવી જોરદાર બની ગઈ કે, જો તે ઈચ્છા જો તાત્કાલિક પુરી ના થાય તો પોતાનો એક મહાન મનોરથ સિદ્ધ થયા વિનાનો રહી જશે એવું દશરથ રાજાને લાગવા માંડ્યું.

ઈચ્છાનો સ્વભાવ જ એવો છે કે એકમાંથી બીજી ને બીજીમાંથી ત્રીજી ઈચ્છા પેદા થાય છે ને ઉત્તરોત્તર પ્રબળ બને છે. અને મનુષ્યના મનનો કબજો લઇ લે છે. ઈચ્છાને સુખ-દુઃખ સાથે સંકળાવું બહુ ગમે છે. તે એવો ભ્રમ પેદા કરે છે કે “હું (ઈચ્છા) તુષ્ટ થાઉં તેમાં જ બધું સુખ છે.” એટલે પછી મનુષ્ય તે ઈચ્છા તૃપ્ત કરવા પાછળ પડે છે.

વાલ્મીકિજી લખે છે કે, રામચંદ્રને ગાદીએ બેસાડવાની ઈચ્છા થઇ એટલે તરત જ તેમણે પોતાના મંત્રીઓને બોલાવ્યા અને તેમની આગળ પોતાની આ ઈચ્છા મૂકી. મંત્રીઓએ પણ તરત સંમતિ આપી, એટલે રાજાએ રાજસભા બોલાવી જેમાં મુખ્ય અધિકારીઓ આગેવાનો વગેરે હાજર હતા. રાજાએ ભાષણ કર્યું “આજ સુધી યથાશક્તિ મેં પ્રજાનું પાલન કર્યું, પણ હવે સઘળો ભાર રામચંદ્રને આપી હું નિવૃત્ત થવા ચાહું છું. હે, સભાજનો મારો આ નિર્ણય જો સર્વેને યોગ્ય લાગતો હોય તો મને સંમતિ આપો.

તમને મારો વિચાર જો યોગ્ય ના લાગતો હોય તો મારે શું કરવું તે કહો. કશાય રાગ-દ્વેષ વગર બંને બાજુનો વિચાર કરીને તમે આનો નિર્ણય કરીને મને કહો.

સૌએ વિચાર કરીને નિર્ણય આપ્યો કે, રામનો રાજ્યાભિષેક કરવો એ જ ઉત્તમ માર્ગ છે. રાજા દશરથ આ સાંભળી પ્રસન્ન થયા. તેમણે હવે વશિષ્ઠને કહ્યું કે, વહેલી તકે મુહૂર્ત કાઢો.

વશિષ્ઠ જાણતા હતા કે ગમે તે મુહૂર્ત આપું પણ તે સમયે તો રામજી ગાદી પર બેસવાના જ નથી, એટલે તેમણે કોઈ દિવસ આપ્યો નથી, અને કહ્યું કે, રામજી જે દિવસે ગાદી પર બેસે તે શ્રેષ્ઠ મુહૂર્ત.

વશિષ્ઠની ગૂઢાર્થ ભરી વાણી રાજા સમજી શક્યા નહિ, એટલે તેમણે કહ્યું કે તો આવતીકાલે જ રામનો રાજ્યાભિષેક કરીએ. બધાની સંમતિ મળી ગઈ છે પછી વિલંબ શાનો?

રાજાએ તરત જ મંત્રીઓને આવતીકાલે રામના રાજ્યાભિષેકની તૈયારી કરવાનો હુકમ આપી દીધો. તે પછી રાજસભા વિખેરાઈ, સહુ સહુને ઘેર ગયા, મંત્રીઓ તૈયારીના કામે લાગ્યા. પછી દશરથજીએ આ શુભ સમાચાર રામને આપવાનું કામ વશિષ્ઠને સોંપ્યું. “આપ કુલગુરુ છો, આપ જ રામને આ શુભ સમાચાર કહો તે શોભે.”

એટલે વશિષ્ઠ રામજીના મહેલમાં પધાર્યા. તેમને આવતા જોઈ રામ દોડીને તેમની સામે ગયા, અને વંદન તથા આદર સત્કાર કરીને કહ્યું કે, આપે મને કહેવડાવ્યું હોત તો હું ખુદ આપની સેવામાં હાજર થાત, પણ આજે આપે મારે ત્યાં પધારવાની કૃપા કરી મને પાવન કર્યો છે.

વશિષ્ઠ રામનો આવો વિવેક જોઈ અતિ પ્રસન્ન થયા ને તેમણે આશીર્વાદ આપ્યા પછી શુભ સમાચાર કહ્યા. જે સમાચારથી બધા ખુશ થાય તેવા સમાચાર સાંભળીને પણ રામજીના ચહેરા પર હર્ષના કોઈ ચિહ્ન દેખાતા નથી, હર્ષ કે શોકમાં શ્રીરામ સંપૂર્ણ સ્વસ્થ છે.

શ્રીરામ કહે છે કે, અમારા ચારે ભાઈઓનો રાજ્યાભિષેક કરો. અમે ચારે એક સાથે જન્મ્યા, મોટા થયા, લગ્ન થયા, તો સાથે રાજગાદી કેમ નહિ? અમારા નિર્મળ સૂર્ય વંશમાં ખામી છે, સૂર્ય તો નાના મોટાનો કોઈ ભેદ રાખતો નથી તો અમે કેમ તેમ કરીએ છીએ?

વશિષ્ઠ કહે છે કે, કુળ-પરંપરા એવી છે કે જયેષ્ઠ પુત્રનો જ રાજયાભિષેક થાય. વશિષ્ઠ તો કુલગુરુ છે, એટલે તેમની વાત તો માનવી જ પડે. પછી વશિષ્ઠે રામજીને આજ્ઞા કરી કે, તમે અને સીતા આજે ભૂમિ પર દર્ભની પથારી પર સુજો અને આજે અપવાસ કરજો. ત્યાર બાદ તેમણે રામજી પાસે અપવાસનો સંકલ્પ કરાવ્યો.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)