રામાયણ રહસ્ય 76: કૂવેથી પાણીનું બેડું ભરીને જતી પનિહારીના ઉદાહરણ દ્વારા સમજો ઈશ્વરમાં કેવી રીતે મન રાખવું 

0
464

રામાયણ રહસ્ય 76 (રામાયણ માહાત્મ્ય)

મનુષ્યને પ્રભુએ જીભ આપી છે મીઠું બોલવાને માટે. પણ કોણ જાણે કેમ પણ મનુષ્યને કડવું બોલવું જ વધારે ગમે છે, અને એમાં એને જાણે મજા પણ આવે છે.

કાગડાની વાણી કર્કશ લાગે છે, પણ તે વાણીથી તેને કોઈ લાભ નથી, તે જ રીતે કોયલની વાણી મીઠી લાગે છે, પણ તે વાણીથી તેને કોઈ ખોટ પણ જતી નથી. જો લાભ નથી કે ખોટ પણ નથી તો મીઠી વાણી જ શા માટે ના બોલવી? શા માટે મીઠું ના બોલવું? પણ જે સમજવું સહેલું લાગે છે તે મનુષ્યને કરવું અઘરું લાગે છે.

જે કરવા જેવું નથી તે કરે છે અને જે કરવા જેવું છે તે નથી કરતો, ને પછી તે મનુષ્ય ઠેબાં ખાય છે. દુનિયામાં જીભે જેટલા કજિયા કરાવ્યા છે, તેટલા બીજા કશાએ કરાવ્યા નથી.

મહાભારતના યુદ્ધનું કારણ? તો દ્રૌપદીની જીભ…..

રામના વનવાસનું કારણ? તો કૈકેયીની જીભ….

જીભ ઘડીકમાં એવું બોલીને કલંકના એવા ડાઘા પાડે છે કે લાખ મણ સાબુથી પણ ના ધોવાય. મહાત્માઓ કહે છે કે, કૌશલ્યાની થોડી ભૂલ થઇ હતી, તેમણે પોતાની દાસીને ભેટ આપી તો ભલે આપી, પણ જો શોક્યની દાસી ને પણ જો ભેટ આપી હોત તો આ રામાયણ થાત નહિ.

વ્યવહાર પણ વિચારીને કરવો પડે છે, વ્યવહારમાં ભૂલ થાય તો જગતના માનવીઓ તેની સજા કરે છે. અહીં કોઈ ક્ષમા આપવા તૈયાર નથી. સજા કરવા તૈયાર છે. પરમાર્થમાં કદાચ મોટી પણ ભૂલ થઇ જાય તો પ્રભુ તેને માફ કરે છે. ક્ષમા આપે છે. વ્યવહાર કર્યા વગર છૂટકો નથી એટલે સમજીને વિવેકથી વ્યવહાર કરવો જોઈએ.

વ્યવહાર કરવાની ના નથી પણ વ્યવહારમાં ભળી જવાની ના છે. વ્યવહાર જ જીવનનું સર્વસ્વ છે એમ માની લેવાની જરૂર નથી. જેમ ગૃહસ્થાશ્રમીઓને વ્યવહાર કરવો પડે છે તેવો સાધુ-મહાત્માને પણ કરવો પડે છે. શરીર છે ત્યાં સુધી આ વ્યવહારની ઝંઝટ જલ્દી છૂટે એવી નથી.

યોગવાશિષ્ઠમાં વશિષ્ઠજી રામને કહે છે કે, મહેલ છોડી વનમાં જશો તો ત્યાં પણ ઝુંપડી તો જોઈશે જ. મિષ્ટાન્ન છોડી દેશો તો પણ સુકો રોટલો પણ પેટમાં નાખવા જોઈશે જ. એટલે વ્યવહારમાં મળી ગયા વગર, અને સતત આત્મ સ્વરૂપનું અનુસંધાન રાખીને વ્યવહાર કરવામાં આવે તો કોઈ વાંધો નથી.

મનના સ્થૂળ અને સૂક્ષ્મ એવા બે ભાગ છે. મનનો સ્થૂળ ભાગ ભલે વ્યવહારમાં હોય પણ મનનો સૂક્ષ્મ ભાગ પરમાત્મામાં પરોવી રાખવાનો છે. જેમ પનિહારી કૂવેથી પાણીનું બેડું ભરીને બેડું માથે મુકીને જતી હોય ત્યારે તેની કેડમાં છોકરાને એક હાથથી પકડે અને બીજો હાથ છુટો હોય વળી જોડેનું પનિહારી સાથે વાત પણ કરતી હોય, તેણે ભલે હાથથી માથે મુકેલા બેડાને પકડ્યું નથી પણ તે ઘડો નથી નીચે પડતો કે નથી તેમાંથી પાણી છલકાતું.

કારણકે, તેનું સ્થૂળ મન ભલે વાતોમાં કે બાળકની સંભાળ રાખવામાં હોય પણ તેનું સૂક્ષ્મ મન ઘડાની તરફ છે અને ઘડાની બરોબર ધ્યાન રાખે છે. તેમ સૂક્ષ્મ મનને ઈશ્વરમાં રાખવાનું છે.

પરમાર્થ સરળ છે પણ વ્યવહાર કઠણ છે. રાગ-દ્વેષ વગરનો વ્યવહાર મનુષ્યને મુક્તિ અપાવે છે. વ્યવહાર એવી રીતે કરવો જોઈએ કે પુનર્જન્મનું બીજા રોપણ ના થાય. વ્યવહાર કરવો તે પાપ નથી, પણ વ્યવહાર કરતાં ભગવાનને ભૂલી જવા તે પાપ છે. પરમાત્મા એ લક્ષ્ય છે, લક્ષ્યને ભૂલવાનું નથી, જેમ પનિહારી ઘડાને ભૂલતી નથી તેમ.

આ જગતમાં કોઈ ધન માટે, કોઈ સ્ત્રી કે પુત્ર માટે તો કોઈ જશ માટે જીવે છે, પણ પરમાત્માને માટે કોઈ જીવતું નથી. પરમાત્માને માટે જે જીવે તેનો વ્યવહાર શુદ્ધ થાય અને શુદ્ધ વ્યવહાર થાય તો ભક્તિ પ્રગટે.

ઈશ્વરે મનુષ્યને બુદ્ધિ આપી છે તેનો ઉપયોગ ઈશ્વરને ઓળખાવા માટે કરવાનો છે. પણ મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરે છે પૈસા કમાવામાં. વ્યવહાર ચલાવવા પૈસા કમાવાની જરૂર છે, પણ માત્ર પૈસા જ કમાવવા એ જિંદગીનો હેતુ નથી. એટલે બુદ્ધિનો ઉપયોગ ઈશ્વરની ઉપાસના માટે કરવો જોઈએ.

વ્યવહારની વાત આવી છે. વ્યવહારની પાછળ પડવું નહિ, પણ વ્યવહારને પોતાની પાછળ રાખવો, આગળ રાખવાના પરમાત્માને. તે જ એકલા સાચા માર્ગદર્શક અને સમર્થ છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)