રામાયણ રહસ્ય 82: પોતાના વનવાસ અને ભરતના રાજા બનવાના સમાચાર સાભળીને રામજી કૈકેયીને શું કહે છે

0
217

રામાયણ રહસ્ય 82 (રામાયણ માહાત્મ્ય)

રામજી કૈકેયીને વંદન કરી ને કહે છે, માં, મારો ભરત રાજા થાય તે સાંભળી મને આનંદ થાય છે. તમારો મારા પર ભરત કરતાં પણ અધિક પ્રેમ છે. મને ઋષિ-મુનિઓનો સત્સંગ થાય અને મારું કલ્યાણ થાય તે માટે તમે વનમાં મોકલો છો તેનાથી વધુ સારું શું? માં, મને વનવાસ આપવામાં પણ તમે મારા સુખનો જ વિચાર કર્યો છે, વળી આ તો પિતાજીની આજ્ઞા છે તે આજ્ઞા પાળવામાં મારું સર્વ પ્રકારે કલ્યાણ થશે. અને વળી મારો પ્રાણપ્રિય ભરત રાજા થશે.

આટલા બધા સર્વ લાભ થતા હોય તો છતાં જો હું વનમાં ના જાઉં તો મારા જેવો મહા-મૂર્ખ કોણ? ‘જો ન જાઉં ઐસે હું કાજા, પ્રથમ ગનીબ મોહી મૂઢ સમાજા.’ પિતાજી તો ધીરજના સાગર છે, આવી નાની વાત પર તેઓ આટલું દુઃખ કરે નહિ, પરંતુ મને એવું લાગે છે કે, મારાથી બીજો કોઈ અપરાધ થઇ ગયો છે, તેથી જ તેઓ મારી સાથે બોલતા નથી, માટે હે માતા, બીજું જે કંઈક પણ હોય તો મને તમે કહો, તેમની આજ્ઞા મુજબ હું વનમાં તો જઈશ જ.

રામચંદ્રજીના વનમાં જવાના નિર્ણયને જાણી કૈકેયી ખુશખુશ થઇ ગઈ. મનમાં ને મનમાં તે રામના વખાણ કરે છે, અને વિચારે છે કે કેટલાં પુણ્યે આવો દીકરો મળે!

તે બોલી, બીજું કોઈ કારણ નથી. રામ, તારો કોઈ દોષ નથી. કૈકેયીનું કાળજું પણ કહે છે કે રામનો કોઈ દોષ નથી! એટલામાં દશરથ રાજાને કંઈક કળ વળીને થોડા ભાનમાં આવ્યા. રામ આગળ આવી પિતાને વંદન કરવા લાગ્યા. મંત્રીએ દશરથ રાજાને થોડા બેઠા કરીને કહે છે, તમારો રામ તમને વંદન કરે છે.

રામ શબ્દ સાંભળતા જ દશરથે આંખો ખોલી, બે હાથ લંબાવી રામને છાતી સરસો ચાંપે છે. “રામ મને છોડીને જઈશ નહિ” તે વધુ કંઈ બોલી શક્યા નહિ. આંખમાંથી અશ્રુઓનો ધોધ વહી ચાલ્યો છે, રામજીને છાતીથી અલગ કરવાનું રાજાને મન થતું નથી, મનમાં ને મનમાં ઈશ્વરને પ્રાર્થના કરે છે કે, હે પ્રભુ, મારો રામ મારાથી અળગો ના થાય, વચનભંગ થવાથી ભલે હું પાપમાં પડું, ભલે જગતમાં મારો અપજશ થાય, ભલે હું નરકમાં પડું, પણ મારો રામ મારી આંખોથી દૂર ન થાઓ.

રામજી પિતાને સમજાવે છે, આપ તો ધર્મધુરંધર છો, આપને કોણ સમજાવી શકે? મહાપુરુષો પ્રાણના ભોગે ધર્મનુ પાલન કરે છે. ચૌદ વર્ષનો સમય જલ્દી પુરો થઇ જશે, અને આપનાં દર્શન કરવા આવીશ. તમારાં આશીર્વાદથી વનમાં પણ મારું કલ્યાણ થશે. પ્રસન્ન થઇ મને આશીર્વાદ આપો. રામચંદ્રજીએ આશ્વાસન આપ્યું છે, રાજા, દશરથ અત્યંત ખેદ-શોકને લીધે કંઈ બોલી શકતા નથી, પણ રામના અડગ નિર્ણયને જોઈને પોક મૂકીને રડી પડ્યા છે, અને ફરીથી બેભાન થયા છે.

અભાન અવસ્થામાં માત્ર રામ-રામ એટલું બોલે છે અને આંખમાંથી આંસુ નીકળે છે. દશરથ અને કૈકેયીને વંદન કરી રામજી કૌશલ્યા માં ને વંદન કરવા જાય છે. સાથે લક્ષ્મણજી છે. લક્ષ્મણજીનું મન વ્યાકુળ છે, ચહેરા પર ઉગ્રતા છે, પણ મોટાભાઈની આમાન્યામાં કશું બોલતા નથી. રામજીના મુખ પર જરા સરખું પણ દુઃખનું ચિહ્ન દેખાતું નથી, તેમની સમતા અદભૂત છે.

સમતા એ સંતોનો ગુણ છે. તેથી તો રામચરિતમાનસની શરૂઆત કરતાં તુલસીદાસ કહે છે કે,

બંદઊ સંત અસંતન ચરના! (સંત-અસંત સહુના ચરણમાં વંદન કરું છું)

માનવી જો આવી સમતા પ્રાપ્ત કરી શકે તો તેણે બીજું કશું પ્રાપ્ત કરવાનું બાકી રહે નહિ. કારણ કે સમતાની “પ્રાપ્તિ” થાય છે ત્યારે “કામના” જ ચાલી ગઈ જાય છે. અત્રે તુલસીદાસ કહે છે કે, અયોધ્યાનું રાજ્ય ત્યજી વનમાં જવા તૈયાર થયેલા રામજીના મનમાં દુઃખનું તો નામો નિશાન નહોતું, પણ ચાર ગણો હર્ષ હતો. ચાર ગણો હર્ષ એ કે, પિતાજીની આજ્ઞા મળી, માતાની સંમતિ મળી, વહાલા ભાઈને ગાદી મળી, ને પોતાને ઋષિ-મુનિઓના દર્શનની તક મળી.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)