રામાયણ રહસ્ય 88: શ્રીરામ સત્ય પરબ્રહ્મ છે, અને રામ વિના આ જગતમાં બીજું કંઈ છે જ નહિ, જાણો કઈ રીતે

0
238

રામાયણ રહસ્ય 88 (રામાયણ માહાત્મ્ય)

લક્ષ્મણજી આગળ કહે છે કે, મનુષ્ય જન્મની અંદર જે કંઇ ધર્મ, અર્થ અને કામ પ્રાપ્ત થાય છે તે, પણ પૂર્વજન્મમાં કરેલાં ધર્મ-કર્મનું જ ફળ છે. તે જ પ્રારબ્ધ (દૈવ) છે. અને તે ભોગવ્યા વિના કોઈ પણ ઉપાયે તેનો નાશ થઇ શકતો નથી. ભોગવાઈ જાય એટલે આપોઆપ આ પ્રારબ્ધ (દૈવ) પુરુ થાય છે. એકવાર રામજી આગળ હું પુરુષાર્થની બડાઈ કરતો હતો ત્યારે તેમણે જ મને કહ્યું હતું કે જેને પુરુષાર્થ કહે છે તે કાક તાલીય ન્યાય જેવું છે.

જેમ, કાગડાનું બેસવું અને તાડના ઝાડના ફળનું પડવું, એ બે ક્રિયાઓ કોઈ વાર એક સાથે થઇ જાય છે, તેમ, પુરુષાર્થથી ફળ મળી જાય છે, પરંતુ તેમ છતાં પ્રારબ્ધ જ સર્વ વાતે બળવાન છે. અને પ્રાણી માત્રને સુખ, દુઃખ, ભય, લાભ, હાનિ, ક્રોધ, લોભ, બંધન અને મોક્ષ એ બધામાંથી જે કંઈ પ્રાપ્ત થાય છે,
એ પ્રારબ્ધ (દૈવ) નું જ કાર્ય છે.

ઘણીવાર મોટા આરંભેલા કાર્યનો પણ એકાએક વિઘ્ન આવતા નાશ થઇ જાય છે. હે ભાઈ, આ સંસારમાં કોઈ કોઈને સુખી કે દુઃખી કરી શકતું નથી, પરંતુ, સૌ પોતપોતાનાં કરેલાં કર્મોનું ફળ ભોગવે છે. ‘કાહુ ન કોઉં સુખ કર દુઃખ દાતા, નિજ કૃત કરમ ભોગ સબુ ભ્રાતા.’

સુખ-દુઃખનું કારણ અંદર શોધે તે સંત, અને બહાર શોધે તે પામર. પામર એટલા માટે કે એને બહાર કશું જડવાનું નથી, કેવળ ભ્રમ પ્રાપ્ત થવાનો છે. કોઈ બીજો સુખ-દુઃખ આપે છે એવી કલ્પના માત્રથી તે વ્યક્તિ પ્રત્યે વેરભાવ પેદા થાય છે. માટે સર્વદા મનને સમજાવવું કે સુખ-દુઃખ તેં જ પેદા કરેલું છે.

મનમાં જ્યાં સુધી સુખ-દુઃખ છે ત્યાં સુધી તે સુખ-દુઃખ છે, બાકી તે (સુખ-દુઃખ) ખરેખર તો છે જ નહિ. સંયોગ-વિયોગ, શત્રુ-મિત્ર, જન્મ-મ-રૂ-ત્યુ, સંપત્તિ-વિપત્તિ એ સર્વનું મૂળ મોહ છે, અજ્ઞાન છે.

જમીન, ઘર, ધન, નગર, પરિવાર, સ્વર્ગ, નરક એ બધું યે અજ્ઞાનનું જ ફળ છે. ખરી રીતે તે બધાં છે જ નહિ. જેમ સ્વપ્નમાં રાજા ભિખારી થઇ જાય કે ભિખારી રાજા થઇ જાય, પણ જાગ્યા પછી જુએ તો, નથી કોઈ ભિખારી થયો કે નથી કોઈ રાજા થયો, તેમ આ બધી સ્વપ્નની દુનિયા છે.

આપણે બધાં મોહની રાત્રિમાં સૂતાં છીએ અને સૂતાં સૂતાં સ્વપ્ન જોઈએ છીએ. અહીં જે જાગે છે તે જોગી છે, અને જે નથી જાગતો તે ભોગી છે. જ્યાં સુધી ભોગ છે, વિષય-વિલાસ છે, ત્યાં સુધી આ સ્વપ્નના જેવી દુનિયા સાચી છે એવું લાગે છે, પણ જેવો ભોગ છૂટ્યો, અને વૈરાગ્ય આવ્યો, ત્યારે સ્વપ્નમાંથી જાગૃતિમાં પ્રવેશ થયો સમજવો.

એટલા માટે ગીતામાં કહ્યું છે કે, ભોગીઓ જયારે ઊંઘે છે ત્યારે જોગીઓ જાગે છે અને જોગીઓ જયારે ઊંઘતા હોય છે ત્યારે ભોગીઓની આંખ ઉઘાડી હોય છે.

શ્રીરામ પરમાનંદ બ્રહ્મ-સ્વરૂપ છે. મનથી ન જણાય તેવા, સૂક્ષ્મ દ્રષ્ટિથી યે ન દેખાય એવા, એ, અનાદિ, અનુપમ, અવિકારી અને ભેદ રહિત છે. એમને કર્મનું કોઈ બંધન નથી, તેઓ તો કર્માંતીત છે, અને તેઓ પોતાની ઇચ્છાથી પ્રગટ થાય છે.

“શ્રીરામ સત્ય પરબ્રહ્મ છે, અને રામ (બ્રહ્મ) વિના આ જગતમાં બીજું કંઈ છે જ નહિ”

અરે, રામજી (રામ-નામ) નું જે સ્મરણ કરે, તેણે કદી દુઃખ થતું નથી તો રામજીને શું દુઃખ થવાનું?

રામજીને તો તળાઈ (રૂ ની પથારી) કે પરાળ (ઘાસની પથારી) સરખાં છે, મેવા-મીઠાઈ ને કંદમૂળ સરખાં છે, રાજપાટ અને વનવાસ પણ સરખાં છે. કૈકેયીએ એમને વનવાસ દીધો પણ એમના મનમાં ક્ષણ માટે પણ રોષ પ્રગટ્યો નથી. એમના મનમાં દ્વિધાને સ્થાન નથી, સંશયને સ્થાન નથી, રાગ-દ્વેષને સ્થાન નથી.

જીવને પોતાનાં કર્મ પ્રમાણે જન્મ મળે છે, તે કર્મથી બંધાયેલ છે, પણ ઈશ્વર (બ્રહ્મ) તો સ્વેચ્છાએ પ્રગટ થાય છે. તેઓ તો કર્મથી પર છે. તેમ છતાં પરમાત્મા જયારે લીલા કરવા પૃથ્વી પર પધારે છે ત્યારે, તેઓ કર્મની મર્યાદામાં રહે છે, અને જગતને એવો આદર્શ બતાવે છે કે, “હું ઈશ્વર છું, છતાં પણ કર્મની મર્યાદા પાળું છું, કર્મના બંધનમાં છું” આ ભગવાનની લીલા છે. પૃથ્વી પરના જીવોને આશ્વાસન આપવા માટે પ્રભુ આમ કરે છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)