રામાયણ રહસ્ય 89: શ્રી રામે પોતાના કયા કર્મનું ફળ ભોગવવા માતા-પિતાથી દુર જવું પડ્યું, વાંચો કથા.

0
1085

રામાયણ રહસ્ય 89 (રામાયણ માહાત્મ્ય)

કૈકેયીએ જયારે રામજીને વનવાસ આપ્યો ત્યારે કૌશલ્યા માં ને અપાર દુઃખ થયું હતું. તે વખતે તેમને આશ્વાસન આપતાં રામજી કહે છે કે, “આ બધું મારા કર્મોનું ફળ છે.”

શ્રીરામ તો પરમાત્મા, બ્રહ્મ સ્વરૂપ છે, તો તેમને વળી કર્મ શું અને કર્મફળ શું? ભોગવવાનું કે છૂટવાનું શું? તેમ છતાં રામજી, કૌશલ્યા માં ને સમજાવે છે કે, પરશુરામ અવતારમાં મેં જે કર્યું તે રામાવતારમાં ભોગવવાનો વખત આવ્યો. પૂર્વ જન્મમાં કૈકેયી, એ રેણુકા હતી, કે જે રેણુકા જમદગ્નિ ઋષિની પત્ની અને પરશુરામની માતા હતી.

એકવાર ગંધર્વો અને અપ્સરાઓની ક્રીડા જોઈ ને રેણુકાના મનમાં ચંચળતા થઇ, જેથી ઘરના નિયત કામમાં અને ઋષિની સેવામાં વિલંબ થયો, એટલે જમદગ્નિ ગુસ્સે થયા ને પુત્ર પરશુરામને આજ્ઞા કરી કે તારી માતાનું મસ્તક છે-દી નાખ ! અને પિતાની આજ્ઞા માથે ચડાવી પરશુરામે મા-તા-નું મસ્ત-ક ફરસીથી છે-દી નાખ્યું.

શ્રીરામ કહે છે કે, પૂર્વજન્મમાં મેં માં ને દુઃખ આપ્યું તેથી આ જન્મમાં કૈકેયી મને દુઃખ આપે છે.

આમ પરમાત્માને અવતાર લઈને પણ કર્મનું ફળ ભોગવવું પડે છે.

આખી રાત લક્ષ્મણજી અને ગુહ વચ્ચે વાર્તાલાપ ચાલ્યો. અને આખી રાત આંખનું એક મટકું પણ માર્યા વગર ઉભા ઉભા જ બંનેએ રાત વિતાવી દીધી. સવારે રામજી ઉઠયા અને રામ-લક્ષ્મણે સ્નાન-સંધ્યા આદિ નિત્ય-કર્મ પતાવીને, વડનું દૂધ આણ્યું, અને તે દૂધ લગાડી, માથા પર જટા ધારણ કરી.

તે પછી મંત્રી સુમંત્રને રામજીએ કહ્યું કે, હવે અમે ગંગા પાર કરીને અરણ્ય(વન) માં જશું. ને પગે ચાલીને જ જશું. માટે તમે અહીંથી રથ લઈને પાછા ફરો. આ સાંભળતાં જ સુમંત્ર બાળકની જેમ રડી પડ્યો. તેણે રડતાં રડતાં જ કહ્યું કે, મહારાજની આજ્ઞા છે કે મારે તમને ચાર દિવસ વનમાં ફેરવીને પાછા અયોધ્યા લઇ જવા.

ત્યારે રામજી કહે છે કે, સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી એવા સત્ય ધર્મનો ત્યાગ કરી જો હું પાછો અયોધ્યા આવું, તો મારી અને મારા પિતાજીની ત્રણે લોકમાં અપકીર્તિ થાય, કરોડો મ-રૂ-ત્યુનું દુઃખ ખમાય પણ, તે અપકીર્તિનું દુઃખ ખમાય તેવું નથી હોતું. માટે પિતાજીના ચરણોમાં વંદન કરીને તેમને કહેજો કે, મારી ચિંતા છોડો. હે, સુમંત્રજી તમે પણ મારા પિતાતુલ્ય છો, પિતાજીને દુઃખ ના થાય તેમ તમે કરજો.

સુમંત્ર જુએ છે કે રામનો નિશ્ચય કોઈ રીતે ડગવાનો નથી. તેથી તેમણે મહારાજાનો બીજો સંદેશો કહ્યો કે, મહારાજે આજ્ઞા કરી છે કે સીતાજી વનનું દુઃખ સહન કરી શકશે નહિ, માટે તેઓ પાછાં ફરે તેમ કરવું.

પિતાજીની આજ્ઞા સમજી રામજીએ સીતાજીને પાછાં ફરવા સમજાવ્યાં. ત્યારે સીતાજીએ પોતાનો રામજીથી છૂટા નહિ પડવાનો અડગ નિર્ણય જાહેર કર્યો. અને કહ્યું કે મહેલના વૈભવ કરતાં પણ રઘુનાથજીની ચરણરજ મને વધુ સુખદાયી છે. મને સ્વભાવથી જ વન ગમે છે અને વનમાં હું સુખી છું. માટે ભૂલથી પણ મારા માટે શોક કરશો નહિ.

સુમંત્રજી સીતાજીની આવી વાણી સાંભળી એવા દિગ્મૂઢ થયા છે કે તે પોતે કઈ રીતે સીતાજીને સમજાવે? ભારે હૈયે તેમણે ત્યાંથી વિદાઈ લીધી.

રામજીને હવે ગંગા પાર કરીને સામે કિનારે જવાનું હતું. ગંગાજીની અંદર નૌકાવાળો ક્યારનોય રામજીની તરફ નજર માંડીને બેઠો હતો, અને રામ રામનો જપ કરતો હતો. એ નૌકાવાળો હતો કેવટ. લક્ષ્મણજીએ તેની પાસે જઈને કહ્યું કે, ભાઈ તું અમને સામે પાર લઇ જઈ શકીશ?

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)