રામાયણ રહસ્ય 91: કેવટે રામજીની અને પોતાની જાત એક જણાવી તો લક્ષ્મણજી થયા ગુસ્સે, જાણો પછી શું થયું 

0
198

રામાયણ રહસ્ય 91 (રામાયણ માહાત્મ્ય)

કેવટ ગંગાજળ નાંખી અને જોરથી પ્રભુનાં ચરણ ઘસી ઘસીને જેટલો બને તેટલો વધુ સમય લઇને પ્રભુનાં ચરણને પખાળે છે. ચરણની સેવા કરે છે. વિચારે છે કે આ ચરણ આજે હાથ લાગ્યાં, ફરી લાગે કે ના લાગે.

સ્વર્ગના દેવો પણ આકાશમાંથી જોઈ રહ્યા છે કે, આ કેવટ કેવો ભાગ્ય શાળી! સીતાજી (લક્ષ્મીજી) અને લક્ષ્મણજી (શેષજી) આજે લાચાર બનીને જોડે ઉભાં છે, અને કેવટ સેવા કરે છે. કેવટ મનમાં ને મનમાં તેમને જાણે કહે છે કે, આજે તમે ઉભાં છો, અને તમારી સામે જ હું સેવા કરું છું. રામજી મનમાં વિચાર કરે છે કે, બે ચરણના બે માલિક જોડે ઉભા છે અને આ વળી ત્રીજો જાગ્યો.

રામજીના લગ્ન પહેલાં લક્ષ્મણજી રામજીની ચરણ-સેવા કરતા હતા. લગ્ન પછી સીતાજીએ એ સેવાનો અધિકાર પોતાનો છે એવો દાવો કર્યો. લક્ષ્મણજી કહે છે કે, હું આ અધિકાર નહિ છોડું, મોટાભાઈ પરણ્યા એટલે કંઈ મારા મોટાભાઈ છે તે થોડા મટી જાય છે? એટલે મારો અધિકાર કાયમ રહે છે. સીતાજી કહે છે કે, પતિ પર પત્નીનો જ અધિકાર છે. છેવટે બંનેની આ મીઠી તકરારનો ફેંસલો કરવાનું વશિષ્ઠજીને સોંપ્યું.

વશિષ્ઠજીએ ચુકાદો આપ્યો કે, સીતાજી જમણા ચરણની અને લક્ષ્મણજી ડાબા ચરણની સેવા કરે. પણ આજે પ્રસંગ એવો થયો છે કે, આ ત્રીજો અનન્ય ભક્ત કેવટ બંને પગનો અધિકાર લઇને બેસી ગયો છે, અને બંને ચરણની સેવા કરે છે, તે પણ સીતાજી અને લક્ષ્મણજીની સામે જ કરે છે. અને બંને લાચાર છે.

ભક્તિ શું નથી કરી શકતી? અનન્ય ભક્તિ પ્રભુને ય પણ ભક્તને આધીન બનાવી દે છે. ધન્ય, કેવટની ભક્તિ અને ધન્ય છે, કેવટનું ભાગ્ય!

ત્યાર પછી શ્રીરામ, સીતા અને લક્ષ્મણને કેવટ હોડીમાં બેસાડી ગંગા પાર ઉતારે છે, અને પાર ઉતાર્યા પછી કેવટ રામજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. રામજીની ઈચ્છા થઇ છે કે નદીની ઉતરાઈ (ભાડું-મજૂરી) માટે કેવટને હું કંઈક આપું. પણ કેવટને આજ હું શું આપું?

ત્રણે ભુવનના માલિક પાસે, આજે રામજીની પોતાની પાસે કશું પણ નથી કે જે કેવટને આપી શકે! માલિકની નજર નીચી થઇ છે. કેવટની સામે આજે નજર મિલાવી શકતા નથી! કેવટના આજના ઉપકાર સામે તે પ્રતિ-ઉપકાર કરી શકતા નથી!

(રામાયણમાં બે વાર રામજી, ભક્તના ઉપકાર બદલ સામે કશું (પ્રતિ-ઉપકાર) આપી શકતા નથી, ને ઉપકારના ભાર તળે માલિકની નજર, ભક્ત સામે નજર મિલાવી શકતી નથી, નજર નીચી થઇ છે, એક તો આજે અને બીજી વાર જયારે હનુમાનજી લંકા જઈ સીતાજીની ખબર લઇને આવે છે ત્યારે. માલિક કહે છે કે, પ્રતિઉપકાર કરું કા તોરા, સન્મુખ ન શકત હો મન મોરા)

સીતાજી જોડે ઉભાં છે અને રામજીના મનની વાત સમજી ગયાં છે. સીતાજીએ વશિષ્ઠજીના કહેવાથી પોતાના શરીરના આભૂષણો ઉતાર્યા નહોતા. તેમણે પોતાની આંગળીએથી પોતાની વીંટી ઉતારીને રામજીના હાથમાં આપી.

રામજીએ તે વીંટી, કેવટને આપવા માંડી અને કહ્યું કે, મજૂરી તરીકે નહિ પણ સેવાની ભેટ આપું છું.

રોમાંચિત થયેલો કેવટ બે હાથ જોડીને રામજીની સામે ઉભો છે, આંખોમાં હર્ષના આંસુ છે. આજ પોતાના ગૌરવમાં મસ્ત બન્યો છે ને માથું ધુણાવે છે, અને મજૂરી (ઉતરાઈ) લેવાની ના પાડે છે. કહે છે આટલાં વર્ષ મેં નાવડી ચલાવી, પણ આજે જે મજૂરી (માલિકની ચરણ સેવાની) મળી તેવી કદી મને મળી નથી, દુનિયા આખીને દેવાવાળા માલિકે આજે મારી પાસે નાવ (ઉતરાઈ માટે) માગી, એ શું નાની-સૂની કે જેવી તેવી વાત છે? આજે તો મારા ધન્ય-ભાગ્ય છે, માલિકના દર્શન થયા છે, આજે હું કશું નહિ લઉં.

ત્યારે રામજી કહે છે કે પ્રસાદ તરીકે લે. કેવટ કહે છે કે, પ્રસાદ લેવાનો આજ વખત નથી, ચૌદ વર્ષનો વનવાસ પુરો થાય અને આપ ગાદીએ બેસો, ત્યારે આ સેવકને પ્રસાદી આપજો. કેવટ, રામજીની વાત કોઈ પણ રીતે માનતો નથી, અને વીંટી લેતો નથી. લક્ષ્મણજી કહે છે કે, ચૌદ વર્ષ પછીની વાત ત્યારે… ચૌદ વર્ષ પછી. પણ હાલ તો આ વીંટી લઇ લે.

તો કેવટ કહે છે કે, જાતભાઈ પાસેથી ઉતરાઈ ના લેવાય, નાઈ, નાઈ પાસેથી કે ધોબી, ધોબી પાસેથી મજૂરી લે નહિ. ત્યારે લક્ષ્મણજી ગુસ્સે થઇને કહે છે કે, તુ શું બકે છે? શું તારી અને અમારી જાત એક છે? કેવટ કહે છે કે, તમારી અને મારી જાત એક નહિ, પણ રામજીની અને મારી જાત એક છે. હું લોકોને ગંગા પાર ઉતારું છેં અને રામજી લોકોને ભવ સિંધુ પાર ઉતારે છે. માટે હે, માલિક, આજે તો મેં તમને માત્ર ગંગા પાર ઉતાર્યા છે, પણ કાલે જયારે હું ભવસાગરના કિનારે આવું ત્યારે, તમે મને ભવસાગર પાર ઉતારજો.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)