રામાયણ રહસ્ય 98: અંતકાળે ભગવાનનું નામ લઈશું તો પણ તરી જઈશું એવું વિચારતા લોકોએ આ ખાસ વાંચવું

0
319

રામાયણ રહસ્ય 98 (રામાયણ માહાત્મ્ય)

મનુષ્ય એમ વિચારે છે કે, આખી જિંદગી કામ-ધંધો કરીશું, કાળાં-ધોળાં કરીશું અને અંતકાળે ભગવાનનું નામ લઈશું તો પણ તરી જઈશું. પણ આ સમજ ખોટી છે. એક તો અંતકાળ ક્યારે આવશે તેની કોઈને પણ ખબર નથી. એટલે તો સંતો કહે છે કે, આ પળે જ મો-ત-આ-વ-વા-નું છે તેમ સમજીને ચાલો, અને બીજું, અંતકાળ આવશે ત્યારે પ્રભુનું નામ લઇ શકાશે જ એની કોઈ ખાતરી નથી. જિંદગીભર જેનું ચિંતન કર્યું હશે તે જ અંતકાળે યાદ આવશે.

એટલે પ્રભુજી ગીતામાં પણ કહે છે કે, સર્વ કાળ મારું જ સ્મરણ-ચિંતન કરો. પણ જીવ (મનુષ્ય) એવો ખેપાની છે કે ભગવાન કહે તે ખોટું માને, ને પોતાનો કક્કો ઘૂંટ્યા કરે છે. આખી જિંદગી કાળાં-ધોળાં કરે ને અંત સમયે કાળ ધક્કો મારીને કાઢે, ત્યારે “બાપરે, હાય રે” કરતો કરતો રોતાંરોતાં જાય (મ-રે). આખું જીવન જેની પાછળ જાય તે જ અંતકાળે પણ યાદ આવવાનું.

એક ડોસો માંદો થઇને મ-ર-વા પડ્યો. તેની આખી જિંદગી કંજુસાઈ કરી આ, તે ને પેલું બધું ભેગું કરવામાં જ કાઢેલી. અંતકાળ નજીક આવ્યો ત્યારે દીકરાઓ કહે છે કે, બાપા ભગવાનનું નામ લો, વાસુદેવાય નમઃ બોલો. પણ બાપના મુખમાંથી પ્રભુનું નામ નીકળતું નથી. જીભ વળતી જ નથી. ટેવ હોય તો વળે ને?

દીકરાઓ ભગવાનની છબીઓ લાવી બાપના મોઢા આગળ ધરે છે, ને કહે છે કે, બાપા, ભગવાનની ઝાંખી કરો, ભગવાન તારી દેશે. (છોકરાઓને પણ ખબર છે કે બાપા ડૂબવાના છે!) પણ ડોસાની આંખ ભગવાનના સ્વરૂપને જોતી નથી પણ એ આંખ તો આંગણામાં વાછરડો સાવરણી ચાવે છે તે જુએ છે. અને ડોસો મનથી હૈયું બાળે છે કે મેં ટાઢ-તડકો એક કરીને કેવી રીતે આ બધુ મેળવ્યું છે, તે આ લોકોને ખબર નથી, મારા ગયા પછી આ લોકો કશું સાચવી શકશે નહિ. બધું ફના-ફાતિયા થઇ જશે.

ડોસાને બોલવું છે પણ જીભ ખેંચાતી નથી, બોલાતું નથી. તેણે જોર કરી તૂટક-તૂટક શબ્દોમાં બોલાવા માંડ્યું.” વા…વા….સા..”

આડોશી-પાડોશી પાસે બેઠાં હતા તેમણે કહ્યું કે, બાપા, વાસુદેવાય બોલે છે. પણ ડોસાના દીકરાઓ બાપને ઓળખાતા હતા, તે મનમાં વિચારે છે કે બાપા, કંઈ વાસુદેવાય બોલે નહિ. પણ કંઈક ‘વારસા’ ની વાત બોલતા હોય તેમ લાગે છે, કદાચ વારસાની ખાનગી મિલકત ક્યાંક સંતાડી હશે. એટલે તેમણે દાક્તરને બોલાવ્યા ને તેમને કહ્યું કે, બાપા થોડી વાર બોલી શકે તેમ કરો.

દાક્તર કહે છે કે, એક હજાર રૂપિયા લાગશે. વારસાની લાલચમાં છોકરાઓએ હજાર આપી દીધા. દાક્તરે ઇન્જેક્શન આપ્યું, બધા કાન માંડીને ઉભા રહ્યા.

થોડીવારે દવાની અસરથી બાપા બોલ્યા કે, આમ, મારી સામે શું જુઓ છો? પેલો વાછડો સાવરણી ખાય છે. અને આમ ડોસાએ “વાછડો-સાવરણી” એમ બોલતાં બોલતાં જીવ છોડ્યો.

આ કથા હસવા માટે નથી, પણ સાવધાન થવા માટે છે, એકલાં લક્ષ્મીજી આવે તો રડાવીને જાય છે પણ સાથે ઠાકોરજી આવે તો તે મનુષ્યને સુખી કરે છે. ઘણા લોકો વિચારે છે કે કાળ આવવાનો છે તેની શી રીતે ખબર પડે? પણ કાળ માનવીને સાવધાન કરીને પછી જ આવે છે. કાળ આવતાં પહેલાં કાગળ લખીને આવે છે.

માથાનું ઉપરનું છાપરું ધોળું થવા માંડે, દાંત પડવા લાગે, એટલે સમજવાનું કે કાળની નોટીસ આવી. પણ આજકાલ તો લોકોએ વાળ કાળા કરવાનું શોધી કાઢ્યું છે, દાંતના ચોકઠાં ચડાવવા માંડ્યાં છે, કહે છે કે ચોકઠું હોય તો પાપડ ખાવાની મજા પડે છે. પણ ભાઈ, પાપડ ક્યાં લગી ખાશો? શરીર એ તો રોગનું ઘર છે.

રોગો થાય તે પછી મનુષ્ય, તે રોગની દવાઓ ખાવા પર ચડી જાય છે. બેચેની લાગે છે? તો ખા ગોળી, થાક લાગ્યો છે? તો ખા ગોળી, ઊંઘ નથી આવતી? તો ખા ગોળી. ભૂખ નથી લાગતી? તો ખા ગોળી. ઊંધ નથી આવતી? તો ખા ગોળી, યાદ રહેતું નથી? તો ખા ગોળી.

બધા રોગો પેદા કરવાના ને પછી તેની ગોળીઓ (દવાઓ) કરવાની મનુષ્યને આદત પડી છે અને દવાઓ ખાઈખાઈ ને તે, હેરાન પણ થાય છે. પણ બધા રોગોની એક જ દવા છે અને તે છે કૃષ્ણ રસાયણ (દવા) પણ આ દવા (રસાયણ) પીવાનું કોઈને સુઝતું નથી. મનુષ્ય રામ નામની દવા લે તો તેનો બેડો પાર છે.

– પૂ. ડોંગરેજી મહારાજ.

(શિવોમ પરથી.)