રામાયણની સ્ટોરી : લક્ષ્મણ સતત 14 વર્ષ સુધી ઊંઘ્યાં નહોતા, જાણો કેમ?

0
446

જાણો શા માટે લક્ષ્મણે નિંદ્રા દેવી પાસે 14 વર્ષ સુધી ઊંઘ ન આવે એવું વરદાન માંગ્યુ. રામચંદ્રજીને જ્યારે તેમના પિતા દશરથ રાજપાટ સોંપવાના હતા, ત્યારે તેમની બીજી પત્ની કૈકેયીને તેમની દાસી મંથરાએ ખૂબ જ ભડકાવી હતી. મંથરાએ કહ્યું કે રાજા તો તમારા પુત્ર ભરતને બનવું જોઈએ. ત્યાર પછી કૈકેયીએ રાજા દશરથ પાસે બે વરદાન માગ્યા, પ્રથમ ભરતને રાજગાદી મળે અને બીજા રામે 14 વર્ષ જંગલમાં રહેવું પડશે. રાજા દશરથે પોતાની પત્નીના વરદાન પુરા કરવા પડયા.

જ્યારે રામચંદ્રજી વનવાસ માટે અયોધ્યાથી નીકળ્યા ત્યારે લક્ષ્મણજીએ પણ તેમની સાથે જવાની ઇચ્છા વ્યક્ત કરી. લક્ષ્મણની જવાની વાત સાંભળીને તેમની પત્ની ઉર્મિલા પણ તેમની સાથે જવાની જીદ કરવા માંડી. ત્યાર બાદ લક્ષ્મણ તેમની પત્ની ઉર્મિલાને સમજાવે છે કે તે તેના મોટા ભાઈ અને મા સમાન સીતાની સેવા કરવા જઇ રહ્યા છે. જો તમે વનવાસમાં સાથે આવશો, તો હું યોગ્ય રીતે સેવા કરી શકીશ નહીં. લક્ષ્મણની સેવા ભાવના જોઈ ઉર્મિલાએ તેમની સાથે જવાનો આગ્રહ છોડી દે છે અને મહેલમાં જ રોકાઈ જાય છે.

જંગલમાં પહોંચીને લક્ષ્મણ ભગવાન રામ અને સીતા માટે ઝૂંપડી બનાવે છે. જ્યારે રામ અને સીતા ઝૂંપડીમાં વિશ્રામ કરતા હોય ત્યારે લક્ષ્મણ બહાર રક્ષા કરતા હતા. વનવાસના પહેલા દિવસે જ્યારે લક્ષ્મણ રક્ષા કરી રહ્યા હતા, ત્યારે તેમની સમક્ષ નિંદ્રા દેવી હાજર થયા. લક્ષ્મણે નિદ્રા દેવી પાસેથી વરદાન માંગ્યું કે તે 14 વર્ષ સુધી નિંદ્રા મુક્ત રહેવા માંગે છે. નિદ્રા દેવીએ કહ્યું કે તમારા ભાગની ઉંઘ બીજા કોઈએ લેવી પડશે. લક્ષ્મણ કહે છે કે તેમના ભાગની ઊંઘ તેમના પત્નીને આપો. આ કારણોસર લક્ષ્મણને 14 વર્ષ સુધી ઉઘ ન આવી અને તેમની પત્ની ઉર્મિલા સતત 14 વર્ષ સુધી સૂઈ રહી.

14 વર્ષ પછી, જ્યારે ભગવાન રામ અને માતા સીતા સાથે લક્ષ્મણ અયોધ્યા પરત ફર્યા, ત્યારે નિદ્રાધીન અવસ્થામા રામચંદ્રજીના રાજતિલક સમારોહમાં ઉર્મિલા પણ હાજર હતા. આ જોઈને લક્ષ્મણ હસી પડ્યા. જ્યારે લક્ષ્મણને હાસ્યનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે નિદ્રા દેવીના વરદાન વિશે બધું કહ્યું. લક્ષ્મણે કહ્યું કે જ્યારે હું બગાસુ ખાઇશ ત્યારે ઉર્મિલાની ઉંઘ ખૂલી જશે. લક્ષ્મણજીની આ વાતો સાંભળીને સભામાં હાજર દરેક લોકો હસી પડ્યા. બધાને હસતા જોઈ ઉર્મિલા શરમાઇને સમારોહમાંથી ઉભી થઈ અને બહાર નીકળી જાય છે.

આ માહિતી મોમજંકશન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.