રામેશ્વરમ જ્યોતિર્લિંગ જ્યાં ભગવાન શ્રીરામને મળ્યા હતા વિજયના આશીર્વાદ, જાણો તેનું મહત્વ.

0
244

કેવી રીતે બન્યું રામેશ્વરમ ધામ? જાણો તેની સ્થાપના અને તેના મહત્વ વિશે, અહીંના કુવાઓ પણ તીર્થ સમાન છે.

રામેશ્વરમ ધામ હિંદુઓના તમામ પવિત્ર તીર્થધામોમાંનું એક છે. કુદરતની સુંદરતાની સાથે જ તે તમિલનાડુના રામનાથપુરમ જિલ્લામાં સ્થિત એક વિશાળ અને ભવ્ય મંદિર છે. આ સિવાય અહીં સ્થાપિત શિવલિંગને બાર જ્યોતિર્લિંગોમાંનું એક માનવામાં આવે છે. પુરાણોમાં રામેશ્વરમનું નામ ગંધમાદન તરીકે વર્ણવવામાં આવ્યું છે. શિવપુરાણમાં જણાવ્યા અનુસાર બ્રહ્મ હત્યા જેવા પાપોને રામેશ્વરમના દર્શન માત્રથી દૂર કરી શકાય છે. જે વ્યક્તિ અહીં સ્થિત ભગવાન શિવના જ્યોતિર્લિંગને સંપૂર્ણ ભક્તિભાવ સાથે ગંગાજળ અર્પણ કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ રીતે બન્યું જ્યોતિર્લિંગ :

વાલ્મીકિ રામાયણ અનુસાર આ મંદિરમાં જે શિવલિંગ છે તેની પાછળની માન્યતા એ છે કે, જ્યારે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ, સીતાજીને રાવણની કેદ માંથી છોડાવવા લંકા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમને તરસ લાગી હતી. જ્યારે તે પાણી પીવા ગયા ત્યારે તેમને યાદ આવ્યું કે તેમણે ભગવાન શંકરના દર્શન નથી કર્યા, તો તે પાણી કેવી રીતે પી શકે.

ત્યારબાદ શ્રીરામે વિજય મેળવવા માટે રેતીના શિવલિંગની સ્થાપના કરીને ભગવાન શિવની પૂજા કરી, કારણ કે ભગવાન રામ જાણતા હતા કે રાવણ પણ શિવજીનો મોટો ભક્ત છે અને તેને યુદ્ધમાં પરાજિત કરવું મુશ્કેલ કાર્ય છે, તેથી ભગવાન રામે લક્ષ્મણ સાથે ભગવાન શિવની પૂજા કરી. અને ભગવાન શિવ પ્રસન્ન થઈને માતા પાર્વતી સાથે પ્રગટ થયા અને શ્રીરામને વિજયી થવાના આશીર્વાદ આપ્યા. ભગવાન રામે ભગવાન શિવને લોકોના કલ્યાણ માટે તે જ સ્થાન પર શિવલિંગના રૂપમાં હંમેશ માટે નિવાસ કરવાનું કહ્યું, જે ભગવાન શિવે સ્વીકાર્યું.

મણિ દર્શન :

અહીંની માન્યતા અનુસાર, સમુદ્રમાં સ્નાન કરવું અને જ્યોતિર્લિંગ પર ગંગા જળ ચઢાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં સવારે 4 થી 6 દરમિયાન મણિ દર્શન કરાવવામાં આવે છે. મણિ દર્શનમાં સ્ફટિકના શિવલિંગના દર્શન કરાવવામાં આવે છે જે દિવ્ય જ્યોતિ તરીકે દેખાય છે. મોટી સંખ્યામાં ભક્તો બાબા ભોલેના મણિ દર્શન કરીને પોતાનું જીવન ધન્ય માને છે.

24 કૂવાઓનો મહિમા :

શ્રી રામેશ્વરમમાં 24 કુવાઓ છે, જેને તીર્થ તરીકે સંબોધવામાં આવે છે. તેમાંથી હવે માત્ર 22 જ બચ્યા છે. દરેક કૂવાનું નામ પણ અલગ છે. એવું માનવામાં આવે છે કે આ કુવાના પાણીથી સ્નાન કરવાથી વ્યક્તિને તેના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. અહીંનું પાણી મીઠુ હોવાથી ભક્તો તેને ખૂબ જ ભાવ અને ભક્તિથી પીવે છે.

કુવાઓ વિશે એવું માનવામાં આવે છે કે આ કુવાઓ ભગવાન શ્રી રામ દ્વારા તેમના અચૂક તીરોથી તૈયાર કરવામાં આવ્યા હતા. તેમણે અનેક તીર્થસ્થાનોમાંથી પાણી એકઠું કરીને આ કૂવામાં નાખ્યું હતું, જેના કારણે આ કૂવાઓને આજે પણ તીર્થધામ કહેવામાં આવે છે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.