રામજી, પોતે ભલે લઘર વઘર હોય પરંતુ એની શાકની લારી માં સજાવેલા આઠ થી દસ પ્રકારના તાજા શાક ભાજી જોઈ ને ઘડીભર તો એની લારી પાસે ઊભા રહી જવાનું મન થાય એવી એની લારી ની સજાવટ હતી..
થોડોક ભાવ વધારે પણ ચોક્કસ માપ તાલ અને તાજા શાકભાજી ની ખરીદી સાથે માગ્યા વિના હસતાં મોઢે ગ્રાહક ને વધારા ના આપતા એકાદ બે મરચા ને થોડી કોથમીર ને લીધે મોટાભાગ ની ગૃહિણીઓ રામજી ની લારી પરથી જ શાક લેવાનો આગ્રહ રાખતી.
હમણાં થોડા દીવસ પહેલાંની વાત છે. રવિવાર નો દિવસ હતો. સોસાયટી ના નાકે ની લારી લઈને રામજી ને ઊભેલો જોયો. છેલ્લા એકાદ વર્ષ થી ચાલતી મહામારી અને કમરતોડ મોંઘવારી ની અસર રામજી ની શાક ની લારીની સજાવટ પર પણ થઈ એવું લાગતું હતું..
લારી માં મોટાભાગ ના અદ્રશ્ય થઈ ગયેલા શાક ની વચ્ચે ફક્ત આઠ દસ.કિલો જેટલા લીંબુ અને બે ચાર કિલો જેટલા મરચા અને કોથમીર.. બસ આ સિવાય કશું એની લારી માં દેખાયું નહિ… પણ મારું કામ થઈ ગયું.. કારણકે રજા હોવા ને કારણે શ્રીમતીજી ના કહેવાથી હું લીંબુ ની ખરીદી કરવા જ નીકળ્યો હતો..
બોલો સાહેબ..શું આપુ?
લીંબુ છે…
મરચા છે…
કોથમીર છે….
બીજા કોઈ શાક હમણા હવે તો નથી લાવતો..
પણ આ રોગચાળા ની સીઝન માં લીંબુ ની માંગ ઘણી રહે છે, એટલા માટે બસ લીંબુ જ લાવું છું….
ભાવ તો જુવો સાહેબ આ લીંબુ ના.. આસમાને પહોંચ્યા છે.
ચાલીસ ના અઢીસો… ને કિલો લેવા હોય તો બસ્સો પુરા.. રામજી એ બોલવાનું પૂરું કર્યું..
મે જોયુ લીંબુ તો સરસ મોટા અને રસવાળા હતા. રામજી ની બીજી વાતો તો ઠીક પણ રામજી ના મોઢે બોલાયેલા લીંબુના ભાવ સાંભળી ને મારા કાન સરવા થઈ ગયા. હું જરા અચરજ પામ્યો.. મને લાગ્યું કે, ચોક્કસ રામજીની કોઈ ભૂલ થતી લાગે છે..
ચાલીસ ના અઢીસો… ને કિલો લેવા હોય તો બસ્સો પુરા?
આવું કેમ?
જોકે મારા ઘર માં કોઈ બીમાર નહોતું. અને શ્રીમતી જી એ તો જરૂર પૂરતા જ લીંબુ મંગાવ્યા હતા પરંતુ આ સીઝન માં થોડા વધારે લાવીને ફ્રીઝ માં મૂકી રાખ્યા હોય તો કામમાં આવે.. એ ગણતરી એ, મારે એક કિલો લીંબુ લેવા હતા…
રામજી ફરી બોલ્યો… “ચાલીસ ના અઢીસો… ને કિલો લેવા હોય તો બસ્સો પુરા..”
રામજી ના મોંઢે બોલાયેલ લીંબુ ના આ અસંગત ભાવ જાણ્યા પછી મજાક સાથે જાણે કે એના અભણ દિમાગ ની કસોટી કરતો હોય એમ મે એને હસતા હસતા પૂછ્યું..
તો પછી હે, રામજી…!! આ લારી માં પડ્યા છે એ બધા લીંબુ શું ભાવ કિલો આપીશ બોલ?
બધા એકસાથે લઈ લઉં..
આ સાંભળી ને, રામજીનો પિત્તો ગયો હોય એમ લાગ્યું.
એ વિચિત્ર રીતે મારી સામે તાકી રહ્યો. મને પણ થોડું અજુગતું લાગ્યું.
રામજી કહે “સાહેબ, ભાવ સાંભળીને ચોંકશો નહીં, મે તમને બરોબર જ ભાવ કીધો છે…
ચાલીસ ના અઢીસો…ને કિલો લેવા હોય તો બસ્સો રૂપિયા. અને જો તમારે વધારે લીંબુ લેવા હોય તો બીજી કોઈ લારી પકડી લો…
મારી લારી એ તો અઢીસો ગ્રામ થી વધુ લીંબુ હું તમને નહિ આપુ.
રામજી ની વાતો ની આડોડાઈ અને લીંબુ ના ભાવ ની અસંગતતા સામે મારા ચેહરા પર ઉતરી આવેલા ગુસ્સાના ભાવ ને ઓળખી લીધો હોય એમ પ્રત્યુતર રૂપે એણે મને આપેલો જવાબ સામાજિક પ્રાણી કહેવાતા મનુષ્ય એ જીવન જીવવા માટે બનાવેલ માનવમૂલ્યો ની યાદી માં રામજી ને કયા સ્થાને મૂકે છે…
એનો નિર્ણય આપ વાંચક મિત્રો એ કરવાનો છે..
રામજી મને કહ્યું ” સાહેબ, તમને ભલે ખોટું લાગે પણ, આ આર્થિક સગવડતા વાળા મોટા માણસો ની સૌથી મોટી ખામી હોય તો એ આ જ છે. પોતાની જરૂરિયાત કરતા વધારે વસ્તુઓનો સંગ્રહ કરી લેવાનો .. અને, એટલે જ મે આ પ્રકાર નો ભાવ રાખ્યો છે..
અને સાહેબ, એટલું તો વિચારો કે, તમે તો આ કપરી પરિસ્થિતિ માં અછત ઊભી થાય તો ઘર માં કામ આવશે એવા ઉદ્દેશ થી વધારે લીંબુ લઈ જઈ ને ફ્રીઝ માં જ મૂકી રાખશો ને..!!
પરંતુ કેટલાય સંપન્ન લોકોની આવી સંગ્રહખોર વૃત્તિ ને કારણે જ્યારે જીવન જરૂરી ચીજો ની અછત સર્જાય છે ત્યારે નાનો માણસ અથવા તો જેને ખરી જરૂરિયાત છે એ કેટલો હેરાન થાય છે? એનો અંદાજો તમને નહિ હોય સાહેબ..!!
અને એનું દુઃખ મને પૂછો સાહેબ. કારણકે વાયરસની સારવાર માં વપરાતા પેલા કોઈક ફલાણા ઇન્જેક્શન ની અછત માં હજુ એક મહિના પહેલા જ મે મારો જુવાન દીકરો ગુમાવ્યો છે.
ભીની થયેલી આંખો ના ખૂણા સાથે રામજી એ “જેટલા શ્વાસ માતાજી એ આપ્યા હશે એટલા એના પૂરા થયા હશે..” એમ કહી પોતાના દીકરા ના જવાનું દુઃખ તો ખંખેરી નાખ્યું પરંતુ સાવ સામાન્ય એવી શાકની લારી ચલાવતા અભણ રામજી એ આજે મને જીવન નો એક મોટો બોધ શીખવાડી દીધો.
નરેશ ગજજર.
(પૂર્ણ)
(સાભાર અનિલ પઢીયાર, અમર કથાઓ ગ્રુપ)
(ફોટા પ્રતીકાત્મક છે.)