એકવાર શ્રી ઠાકુર દૂર-દૂરથી તેમનું સત્સંગ સાંભળવા આવેલા ભક્તો સાથે બેસીને સત્સંગ કરી રહ્યા હતા.
શ્રી માતા થોડે દૂર રસોડામાં ભોજન બનાવી રહ્યા હતા. પણ ઠાકુર વારંવાર સત્સંગ છોડીને રસોડામાં આવી જતા અને શ્રી માને પૂછતા કે, કેટલી વાર લાગશે, ભોજન બન્યું કે નહીં? અને પાછળ સત્સંગમાં જઈ બેસી જતા.
થોડીવારે પાછા રસોડા તરફ આવી જતા અને શ્રી માતા ને જણાવતા કે, આટલી સરસ સુગંધ આવી રહી છે ભોજનશાળા માંથી. કેટલી વાર લાગશે?
મને ભૂખ લાગી છે. જલ્દી કરો. ભૂખથી રહેવાતું નથી. અને પાછા સત્સંગમાં જઈ બેસી જતા.
તેમનું આવું વર્તન જોઈને શ્રી માતા તેમને મીઠો ઠપકો આપતા કે, તમે શું નાના બાળકની જેમ કરો છો.
તમને સાંભળવા કેટલા ભક્તો દૂરદૂરથી આવે છે. આમ ચાલુ સત્સંગમાં વારેવારે રસોડામાં કેમ આવી જાવ છો. બહાર સત્સંગમાં બેઠેલા ભક્તો ઉપર તમારી કેવી છાપ પડશે. તમારા વિશે શું વિચારશે?
છતાં પણ ઠાકોર માન્યા નહીં અને વારંવાર ભોજન માટે નાના બાળકની જેમ આતુર થઈ ગયા. શ્રી માતા તે વખતે તેમને સમજી શક્યા નહીં.
સત્સંગ માં બેઠેલ ભક્તો પણ આ બધું જોતા હતા. પણ શ્રી ઠાકોર પ્રત્યેની ભક્તિ અને વિશ્વાસ ને લીધે કઈ બોલતા નહીં.
પછી જ્યારે સત્સંગ પૂરો થયો અને ભક્તો વિદાય થયા પછી શ્રી માતાએ ઠાકુરને પૂછ્યું, તમે ભોજન માટે આટલા આતુર કેમ બની જાઓ છો. તમને સત્સંગ છોડીને પોતાની પત્ની પાસે રસોડામાં આવવામાં શરમ નથી આવતી.
ત્યારે શ્રી ઠાકુરે જણાવ્યું કે, મારા જીવનમાંથી કામ ક્રોધ લોભ મોહ જેવા બધા જ વિકારો દૂર થઈ ગયા છે.
જે વ્યક્તિમાં આ બધા જ વિકારો લુપ્ત થઈ જાય એટલે કે કોઈપણ પ્રકારની મોહમાયા રહે નહીં, તો આ શરીરમાં રહેવું મુશ્કેલ થઈ જાય. પ્રાણને ટકાવી શકાય નહીં. તે આપોઆપ શરીરનો ત્યાગ કરી દે છે અને મોક્ષ તરફ ગતિ કરે છે. આ એક નાનકડું બિંદુ પરમાત્મા રૂપી સમુદ્રમાં વિલીન થઈ જાય છે. તે માટે જ મારે કોઈ પણ ઇચ્છા ના હોવા છતાં કોઈપણ મોહમાયા ના હોવા છતાં કોઈ એક વસ્તુ પ્રત્યે મોહમાયા કે પ્રીતિ રાખવી પડે છે. જેથી આ આત્મા શરીરમાં ટકી રહે.
તમને મારી આ ભોજન પ્રત્યેની પ્રીતિ જોઈને આશ્ચર્ય થાય છે. પણ આ ભોજન પ્રત્યેની પ્રીતિ મેં મારી જાતે ટકાવી રાખી છે.
આજે એક વાત કહું તે ધ્યાનથી સાંભળો. હું ભોજન માટે હંમેશા આતુર રહું છું. પણ જે દિવસે તમે ભોજનની થાળી લઈને આવશો અને હું ત્યારે તે ભોજનની થાળી પરથી મારું મુખ બીજી દિશામાં ફેરવી લવ, ત્યારે તમારે સમજી જવાનું કે તેના ત્રણ દિવસ પછી હું શરીરનો ત્યાગ કરી દઈશ.
અને એક દિવસ એમ જ થયું. શ્રી માતા ભોજનની થાળી લઈને રામકૃષ્ણ દેવ ના કક્ષમાં ગયા. અને તેઓશ્રી એ ભોજન પરથી પોતાનું મુખ બીજી દિશામાં ફેરવી લીધું.
ત્યારે શ્રી માતાને રામકૃષ્ણ દેવે કહેલી પેલી વાત યાદ આવી અને શ્રી માતાના હાથમાંથી ભોજનની થાળી પડી ગઈ. અને બન્યું પણ એમ જ ત્રણ દિવસ પછી શ્રી રામકૃષ્ણ દેવે પોતાનો દેહ ત્યાગ કર્યો.
જય ઠાકુર.
– સાભાર રણવીર રાણા (અમર કથાઓ ગ્રુપ)