શ્રીવિષ્ણુ અને દેવી લક્ષ્મી, બન્ન નિરાંતની પળોમાં વાર્તાલાપ કરી રહ્યા છે. વિષય ચાલી રહ્યો છે શ્રીહરિના કૃષ્ણ સ્વરૂપે અવતારનો. પૃથ્વીલોક પર આ સ્વરૂપે તેમની જે લીલાઓ યુગો સુધી રસપ્રદ, તો અમુક તો ચર્ચાસ્પદ પણ બની રહી, તેમાં લક્ષ્મીજી વધુ રસ દાખવી રહ્યા હતા.
“પ્રભુ, કૃષ્ણાવતારમાં જેને ઘણું જ ચર્ચાસ્પદ ગણી શકાય એવું જો કઈંક હોય તો એ છે, કૃષ્ણને મળેલ એક ઉપનામ ‘રણછોડ’, જેનો સાદો અર્થ છે, ‘રણમેદાન છોડીને નાસી જનાર’. તો હે સ્વામી, કૃષ્ણ માટે સંબોધાતા આ ઉપનામને શું આપે હદયપૂર્વક સ્વીકાર્યું છે?”
આ સાંભળી શ્રીહરિ મીઠું મલકાયા અને બોલ્યા, “અલબત્ત દેવી, આ ઉપનામ પણ કૃષ્ણના અન્ય ઉપનામો જેટલું જ મને પ્રિય છે કારણ એ ઉપનામ એનાં અર્થને યોગ્ય રીતે સાર્થક કરે છે તે છતાંય, એમાં લેશમાત્ર ય કાયરતાનું મહેણું નથી. બલ્કે એમાં તો છતો થાય છે એક રાજાનો લોકપ્રેમ અને એની પ્રજાવત્સલતા. લોકહિતને સાચવવા લીધેલું એક સમજદારીભર્યું દુરંદેશી પગલું જો આ ઉપનામ આપી જાય તો એવું નામ સર્વદા આવકાર્ય જ ગણાય.”
“તો પ્રભુ, આ પ્રસંગ પરની આપણી ચર્ચા રસપ્રદ બની જ શકે ને?”
“અવશ્ય દેવી, પણ આ પ્રસંગનો વિસ્તાર તો વરસોનાં વરસ સુધીમાં ફેલાયેલો છે. કૃષ્ણના રણછોડ બનવાનું મંડાણ તો તેના મથુરામાં આગમન સમયે જ, તેની કિશોરાવસ્થામાં જ થઈ ગયું હતું. અને માટે જ, આપે આ વસ્તુસ્થિતિ ત્યારથી એ સમયથી જ સમજવી પડશે. લો સાંભળો..”
મગધ રાજ્યના સમ્રાટ જરાસંઘની બે દીકરીઓ હતી, પ્રાપ્તિ અને અસ્તિ. આ બન્નેના લગ્ન મથુરાનરેશ કંસ સાથે થયા હતા. ‘મથુરા રાજ્યના નાના એવા એક ગામડાના ગોવાળ કૃષ્ણ દ્વારા કંસનો અંત થયો છે’ એવા દુઃખદ સમાચાર જરાસંધને તો ત્યારે મળ્યા કે જ્યારે તેની આ બન્ને પુત્રીઓ વિધવા થઈને રોતી-કકળતી પોતાને પિયર મગધ રાજ્યમાં પાછી ફરી, અને એ આખી ઘટના એને સવિસ્તાર સંભળાવી.
આ માહિતીથી જરાસંધ તો ઘાયલ સિંહની ઝનૂની બની વિફર્યો અને તેની બન્ને પુત્રીને સાંત્વના આપતા કહ્યું કે- “હું તમારા પતિ કંસને પાછો તો લાવી શકતો નથી, પણ હું તેનો અંત કરનારને, કંસ ગયો છે ત્યાં મોકલી જરૂર આપીશ.”
તુરંત તેણે પોતાના સેનાપતિને યુ ધની તૈયારીનો આદેશ આપ્યો અને કહ્યું કે- “જે દિવસે આપણી બધી સૈ ન્ય ભેગી થશે, કે આપણે તરત જ મથુરા તરફ પ્રયાણ કરીશું. આપણે માત્ર મથુરાની સેનાને જ નહીં, પરંતુ તમામ મથુરા લોકોને નષ્ટ કરવા માંગીએ છીએ. આપણે સમસ્ત યાદવોનો આ ધરતી પરથી નાશ કરવા માંગીએ છીએ.”
પછી થોડો સમય બાદ જરાસંધે તેની વિશાળ સૈ ન્ય સાથે મથુરા તરફ કૂચ કરી. રસ્તામાં મદ્ર રાજ્યના રાજા શલ્યની સેના પણ તેની સેના સાથે મિત્રભાવે જોડાઈ. રાજા શલ્યની બહેન માદ્રી હસ્તીનાપુરના પાંડુરાજાની પત્ની હતી, કે જે પતિના દુનિયા માંથી વિદાય લીધા પછી પોતાના બન્ને પુત્રો સહદેવ નકુલને તેની શોકય કુંતીને સોંપી, પોતે પતિની ચિતાએ ચડી સતી થઈ હતી. આ રાજા શલ્યની મગધનરેશ જરાસંધ સાથે ગાઢી મિત્રતા હતી એટલે એ મથુરા પર ચઢાઈ કરવા તુરંત મિત્રની મદદે આવ્યો.
જરાસંઘની આ સૈ ન્ય-હિલચાલની ખબર મળતા જ બીજી તરફ, મથુરામાં એક તાકીદની રાજબેઠક ભરાઈ, જેમાં વસુદેવ, કૃષ્ણ, બલરામ, મથુરાના સેનાપતિ અક્રૂરજી વગેરે ઉપસ્થિત હતા. બેઠક શરૂ થઈ એટલે વસુદેવના પિતા રાજા શુરસેન બોલ્યા-
“આજે મથુરા પર સંકટના વાદળ છવાયા છે. આ બેઠક, આ મોટી કટોકટીને ધ્યાનમાં લેવા માટે જ બોલાવવામાં આવી છે, કારણ કે આપણા મહારાજા ઉગ્રસેન હવે વયોવૃદ્ધ થયાની સાથે તેઓ યુ ધનું નેતૃત્વ કરવામાં અસમર્થ છે, તો આપણે કોઈએ હવે યુ ધનું નેતૃત્વ કરવું જોઈએ.”
ત્યારે અક્રુરજી બોલ્યા- “પણ આ જરાસંધની સેના તો આપણી મથુરા-સેના કરતા ખૂબ જ, અનેકગણી મોટી છે.”
એટલે બીજો એક સરદાર બોલ્યો- “તો પછી હવે પરિણામ શું આવશે?”
આ સાંભળીને કૃષ્ણ બોલ્યા- “યુ ધના ક્ષેત્રે પરિણામનો વિચાર કરનાર યો ધાક્યારેય યુ ધમાંજીતી શકતો નથી. તેથી, ક્ષત્રિયોને ફક્ત એક જ ધર્મ શીખવવામાં આવે છે કે જ્યારે રાજ્યને બચાવવાનો સવાલ ઉભો થાય છે, ત્યારે તેઓએ તેની રક્ષા માટે યુ ધના ક્ષેત્રમાં હિંમતભેર કૂદકો લગાવવો જોઇએ. પછી પરિણામ ગમે તે હોય.”
કૃષ્ણ જોકે ત્યારે બસ કિશોરાવસ્થામાં જ હતા, પણ તેમની વાણી વેધક હતી અને વિચારો વેગીલા હતા. ઉપરાંત તેમની વાકછટા પ્રભાવશાળી હતી.
તે પછી તેઓએ ભગવાન રામનું ઉદાહરણ રજૂ કર્યું, જેમાં રામે વિશ્વની સૌથી શક્તિશાળી સૈ ન્યના રાજા રાવણને કેવી રીતે પરાજિત કર્યા અને તે પણ એવા સમયે જ્યારે તેમની પાસે અયોધ્યાનું સૈ ન્ય પણ નહોતું.
આ બધા ઇતિહાસનું કૃષ્ણે અદભુત વર્ણન કર્યું. સર્વે તેમના જુસ્સાદાર વક્તવ્યથી પ્રભાવિત થયા ને તેમના વિચારો સાથે દરેક સહમત પણ થયા.
પછી એક સરદારે ઇન્દ્રપ્રસ્થના સર્વેસર્વા એવા ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્યની મદદ લેવાનું સૂચવ્યું અને બોલ્યો- “વાસુદેવજીની મોટી બહેન કુંતીજી પણ ત્યાં વસે છે, તો એ સંબંધે આ વાત સરળ બનશે.”
અક્રુરજી બોલ્યા- “હું પણ આ દ્રષ્ટિકોણથી સંમત છું.”
ત્યારે વસુદેવના પિતા શુરસેન બોલ્યા- “સુચન વ્યાજબી છે, જોકે મારા જમાઈ પાંડુનું તો અવસાન થયું છે, એટલે મારી પુત્રી કુંતીનો ત્યાં કેટલો પ્રભાવ બચ્યો છે તે આપણે જાણતા નથી, તેમ છતાં અમને ખૂબ આશા છે કે મહારાજ ધૃતરાષ્ટ્ર અને મહાત્મા ભીષ્મ આપણને મદદ કરશે. તો સેનાપતિ અક્રુરજી, તમે ઇન્દ્રપ્રસ્થમાં જાવ.”
જ્યારે અક્રુરજી ઇન્દ્રપ્રસ્થ જવા માટે તૈયારી કરી રહ્યા ત્યારે શ્રીકૃષ્ણે તેમને કહ્યું- “જો અક્રુરજી હસ્તિનાપુર જઇ રહ્યા છે, તો ત્યાં અમારી ફોઈ મહારાણી કુંતીને પણ મળતા આવે અને અમારી વતી તેમની ક્ષેમકુશળતાના વાવડ પૂછતાં આવે; ઉપરાંત તેમના પાંચ પુત્રોના સમાચાર પણ લેતા આવે. તેઓને ત્યાં ધરપત આપવી કે, તેમના પિતાના દુનિયા માંથી વિદાય લીધા પછી, જો તેઓ પોતાને બેસહારા ને વિવશ માનતા હોય તો મારા વતી બાંહેધરી આપજો કે જ્યાં સુધી હું આ પૃથ્વી પર છું ત્યાં સુધી તેમણે ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. તેમના રક્ષણનો ભાર મારા પર છે એટલે નિશ્ચિંત રહે.”
જ્યારે અક્રુરજીએ હસ્તિનાપુરના દરબારમાં હાજરી આપીને સૌનું અભિવાદન કર્યું, ત્યારે રાજા ધૃતરાષ્ટ્રે તેમને આસન ગ્રહણ કરવાનો વિવેક કર્યો.
“માફ કરો મહારાજ, આ સમયે હું આસન ગ્રહણ કરી શકતો નથી કારણ કે હું તમારી પાસેથી કંઈક માંગવા આવ્યો છું, અને માંગણ હોય એ દાતા સમક્ષ આસન ગ્રહણ કરવાની અસભ્યતા કરતો નથી.” અક્રુજીએ સામે વ્યવહરિતા દાખવી.
ધૃતરાષ્ટ્ર કહે- “અમે તમારી વકતૃત્વથી પ્રસન્ન છીએ, આપના અહીંના આગમનનો હેતુ જણાવવા કૃપા કરશો.”
અક્રુરજીએ પોતાની વાત મૂકી.
“હું મારા મહારાજ ઉગ્રસેન વતી આપ પાસે સૈન્ય-સહાય માંગવા આવ્યો છું. આ સમયે મગધના રાજા જરાસંધ પોતાના સૈન્ય સાથે મથુરા તરફ કૂચ કરી છે અને તેણે પ્રણ લીધું છે કે તેઓ મથુરામાં વસતા વૃદ્ધ બાળકો, મહિલાઓ સહિત કોઈપણ માનવીને જીવતા નહીં રહેવા દે. પણ એ પૈશાચીક માનવસંહારથી મથુરાને બચાવવા માટે, અમે એકલા તેની સામેલ ડીશકીએ એટલા સમર્થ નથી મહારાજ. તેથી રાજા ઉગ્રસેને આ ધર્મયુ ધમાં આપની સહાય યાચવા મને અહીં મોકલ્યો છે.”
“પણ અમારી જ સહાયતા શા માટે ઈચ્છો છો?” -ધૃતરાષ્ટ્રે પૂછ્યું.
“આપની મદદ એટલા માટે, કારણ કે કટોકટીમાં પડોશી રાજ્યનું રક્ષણ કરવાના કાર્યને પરમધર્મ માનવામાં આવે છે. ઉપરાંત રાજકીય દ્રષ્ટિકોણથી વિચારો તો પણ જરાસંધથી મથુરાને ઉગારવી એ તમારુ કર્તવ્ય બને છે, કારણ કે જો જરાસંધ મથુરાનો કબજો મેળવી પોતાનું સામ્રાજ્ય વિસ્તારી દેશે, તો તેના રાજ્યની સીમાઓ તમારા રાજ્યની સીમાને અડોઅડ થઈ જશે. જેનો અર્થ એ થશે કે આ વિશાળ શક્તિશાળી દુશ્મન પછી સતત તમારા માથા પર ઝળુંબતો જ રહેશે ને આપની સુખનિંદ્રા છીનવાઈ જશે.” -અક્રુરજીએ રાજનીતિ સમજાવી.
ધૃતરાષ્ટ્રએ આ અંગે તાતશ્રીને આ વિષય પર પોતાનો અભિપ્રાય આપવા કહ્યું.
“મને લાગે છે કે તેને મદદ કરવી જોઈએ.” -ભીષ્મ બોલ્યા.
પણ ગાંધાર કુમાર શકુનીનું મંતવ્ય જુદું જ પડ્યું. તેઓ બોલ્યા-
“મહારાજ, રાજકારણ તો એમ પણ કહે છે કે શક્તિશાળીની તો બસ મિત્રતા જ કરવી જોઈએ. કારણ વગર શા માટે આપણે કોઈ બળશાલીની શત્રુતા નિમંત્રી લેવી? તેથી, આપણે આ વિષય પર લાંબો વિચાર કરીને જ નિર્ણય લેવો જોઈએ”
ત્યારે ધૃતરાષ્ટ્ર કહે- “શકુનીની વાત પણ સાચી છે, અમારે પૂરતો વિચાર કરીને નિર્ણય લેવો પડશે. તો અક્રુરજી, તમારે તે દરમિયાન અમારા અતિથિ-મહેલમાં જ આરામ કરવો જોઈએ.”
“પણ હું તમને મહારાજને વિનંતી કરું છું કે આ અંગે ત્વરિત નિર્ણય લો કારણ કે જરાસંધની સેના મથુરા પહોંચવાની જ છે.” અક્રુરજીએ ઉતાવળ દાખવી
‘અમે તમારો સમય નાહક વ્યતીત નહીં કરીએ, કારણ કે આપની પરિસ્થિતિને અમે સારી રીતે સમજીએ છીએ.” -ધૃતરાષ્ટ્રે ધરપત આપી.
એટલે અક્રુરજીએ વિશ્રામ માટે અતિથિભવનમાં રહેવાના સૂચનનો સ્વીકાર કર્યો.
(ક્રમશ:)
(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)