પહેલો ભાગ તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
મથુરા પર ઘેરાયેલ જરાસંધની ચડાઈના વાદળથી ચિંતિત થઈને મથુરાના સેનાપતિ અક્રુરજી હસ્તિનાપુરના રાજા ધૃતરાષ્ટ્ર પાસે સૈન્યસહાય માંગવા આવ્યા ત્યારે આ વાત પર વિચાર કરવા માટે તેઓએ અક્રુરજી પાસે થોડો સમય માગ્યો અને તે દરમ્યાન તેમને થોડો વિશ્રામ કરવાનો આગ્રહ કર્યો.
પણ એ સમયગાળામાં શકુનીએ ધૃતરાષ્ટ્રના કાનમાં ઝેર ઓકવાનું કામ કર્યું. તેણે કહ્યું કે-
“મહારાજ, જ્યારે રાજકુમારો મોટા થશે, ત્યારે તમે કોને યુવરાજ તરીકે કોને ઘોષિત કરશો? તમારા પુત્ર દુર્યોધનને? કે પાંડુના પુત્રને? અને ત્યારે આ બધી યાદવશક્તિ જો કુંતીપુત્રોની તરફેણમાં ઉભી રહેશે, તો તમે શું કરશો? તેથી જ મહારાજા, મથુરાનો નાશ થતો હોય તો થવા દો. જેથી પાંડવોને મદદ કરવા માટે કોઈ ન હોય.”
ધૃતરાષ્ટ્ર મથુરાને સહાયે ના જાય, તે માટે શકુનીએ પ્રયત્ન કર્યો અને ધૃતરાષ્ટ્રને પણ શકુનીની વાતો ગળે ઉતરતી જણાઈ.
ત્યારે બીજી તરફ અક્રુરજી મહાત્મા વિદુરને મળ્યા. અક્રુરજીએ એમને કહ્યું- “શ્રીકૃષ્ણએ તમારા વિશે કહ્યું છે કે તમે ધર્મ, ન્યાય અને સત્યની મૂર્તિ છો.”
એટલે વિદુરજીએ પણ કૃષ્ણ પ્રત્યેની તેમની નિષ્ઠાભક્તિ વ્યક્ત કરીને તેમના ગુણગાન કર્યા અને પછી કહ્યું- “હું તેમને મળવા માટે ખૂબ ઉત્સુક છું.”
ત્યાર બાદ જ્યારે અક્રૂરજી ભીષ્મ પિતામહને મળ્યા, ત્યારે તેઓએ અક્રુરજીને પોતાના અંગત વ્યક્તિ ગણીને મહેલની ભીતરની પરિસ્થિતિ સમજાવીને કહ્યું કે-
“યેનકેન પ્રકારેણ આ સામ્રાજ્ય પુત્રમોહ અને શકુનીની ચુંગલમાં ફસાયુ છે અને ભાઈને ભાઈના દુશ્મન બનાવી દીધા છે.”
પછી તેઓએ કૌરવો અને પાંડવો વચ્ચેની અપ્રગટ શત્રુતાને પ્રગટ કરી.
થોડી વાતો બાદ ભીષ્મ પિતામહ અચાનક જ બોલ્યા-
“ઓહો તમારી સમસ્યાનો ઉકેલ કરવાને બદલે હું મારા પરિવારની સમસ્યા લઈને બેસી ગયો.”
“તાતશ્રી, મને મારા રાજ્યની સમસ્યા વિશે વધુ ચિંતા નથી, કારણ કે મથુરાનો રક્ષણહાર તો મથુરામાં જ બેઠો છે.” -અક્રુરજીએ ઉત્તર આપ્યો.
“મને પણ ખબર છે, છતાં તમારે મહારાજને સાંજ મળી લેવું જોઈએ. હું જાણું છું કે તેઓ તમને મદદ કરશે નહીં. કારણ કે તમે રાણી કુંતીના સંબંધી છો.” -પિતામહે આશંકા વ્યક્ત કરી.
ત્યારબાદ અક્રૂરજી પાંડવોની માતા કુંતીને મળવા ગયા.
કુંતીજીએ પોતાની વ્યથા બતાવતા કહ્યું- “કમનસીબે અહીં કોઈ મારી વાત સાંભળતું નથી. આ વિધવા તો સાવ લાચાર છે. મારા બાળકો તેમની આંખોમાં કાંટાની જેમ ખટકે છે. દુર્યોધને તો એક વખત મારા ભીમને ઝેરથીમા રીના ખવા પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ઇશ્વરકૃપાથી તે બચી ગયો. અહીં ફક્ત વિદુરજી જ એક છે જે મારા હિતેષુ છે ને મારી સહાય કરે છે, બાકી મારે પિયર મથુરામાંય મારી ચિંતા કરવાવાળુ કોઈ નથી.”
“સાવ એવું નથી દેવી. કૃષ્ણ તમારી ચિંતા કરે જ છે, અને પોતાની યાદી અપાવી એણે આપના ખબરઅંતર પુછાવ્યા છે.” -અક્રુરજીએ ધરપત આપતા કહ્યું.
“કૃષ્ણ? કોણ? વસુદેવનો પુત્ર કૃષ્ણ?”
“હા જી..!”
“હું તેની વાતો સાંભળતી રહું છું. સાંભળ્યું છે કે તે અલૌકિક શક્તિ ધરાવતો એક બાળક છે.”
“તે અલૌકિક શક્તિવાળો બાળક નથી, તે તો સ્વયં ઈશ્વર છે.” -અક્રુરજીએ અહોભાવથી કહ્યું અને પોતાનો યમુનાકાંઠેની ઘટનાનો અનુભવ કુંતીને કહી સંભળાવ્યો.
પછી અક્રુરજીએ કૃષ્ણનો, પોતાની કુંતીફોઈ માટેનો સંદેશો પણ કહી સંભળાવ્યો, જે સાંભળીને માતા કુંતીને નિરાંત વળી.
આ બધાં પછી, અક્રુરજી મહારાજ ધૃતરાષ્ટ્રને મળ્યા ત્યારે ધૃતરાષ્ટ્રએ ઠાવકાઈથી કહ્યું- “તમને મદદ કરવી એ અમારી ફરજ છે, પરંતુ અમારું રાજ્ય પણ તત્કાળ મુશ્કેલીમાં જ છે કારણ કે અમારે રાજકુમારો હજુ નાના છે અને મુજને એક અંધ રાજા જાણી એ લોકો અમારા પર આ કર મણ કરવાની ઇચ્છા સાથે તકની વાટ જોતા બેઠા છે, તો અમારા પર પણ કોઈપણ સમયે હુમલો થઈ શકે છે, તેથી ઈચ્છા હોવા છતાં અમે તમારી મદદ કરી શકતા નથી. હા, અમે પ્રભુને પ્રાર્થના અવશ્ય કરીશું કે તે મહારાજ ઉગ્રસેનને સહાય કરે.”
“આપની શુભેચ્છા બદલ આભાર.” -અક્રુરજીએ ઉત્તર વાળ્યો- “એમ તો, જ્યારે ભગવાન સ્વયં અમારી મદદ કરશે તો પછી, અમને બીજા કોઈની મદદની જરૂર જ નહીં રહે. પણ મહારાજ, પાછા ફરતા પહેલા, શ્રીકૃષ્ણએ મને જે સંદેશ આપ્યો છે તે હું તમને જણાવવા માંગું છું.”
“ઓહો..! મારા અહોભાગ્ય.. આપ સંભળાવો.”
“શ્રીકૃષ્ણએ કહ્યું છે કે, હે કુરુનંદન, તમારે તમારા સર્વે સંબંધીઓ સાથે સમાનતાભર્યો વ્યવહાર કરવો જોઈએ અને સમદ્રષ્ટિથી તમારી પ્રજાનું પાલન કરવું જોઈએ મહારાજ. તમારું કલ્યાણ આમાં જ છે.”
“અક્રુરજી, જે કંઈ પણ થઈ રહ્યું છે તે પ્રભુ ઈચ્છાથી થઈ રહ્યું છે, તો પછી તેઓ માનવીને કેમ દોષ આપે છે?” -ધૃતરાષ્ટ્રએ ચતુરાઈપૂર્વક વાત ટાળી.
અક્રુરજી પણ વધુ કોઈ વાર્તાલાપ કર્યા વગર ત્યાંથી મથુરા આવી ગયા અને કૃષ્ણને તમામ પ્રકારના સમાચાર વર્ણવ્યા.
“માણસનો અહંકાર કેટલો પ્રબળ છે, કે પ્રજાહિત અને પરિવારના ભલાઈ માટે આપેલા ઉપદેશની પણ તેની પર કોઈ અસર થતી નથી.” -કૃષ્ણએ પ્રતિભાવ આપ્યો.
ત્યારબાદ શ્રીકૃષ્ણ અક્રુરજી પાસેથી વિદુરજી અને માતાકુંતી વિશેના સમાચાર જાણવા પામ્યા.
“વિદુર તો તમારા પરમ ભક્ત છે. તેઓ તમને મળવા આતુર છે.” -અક્રુરજીએ કહ્યું તો કૃષ્ણે પણ આતુરતા દર્શાવી- “એ ધર્મરાજના દર્શન માટે તો હુંય ઘણો ઉત્સુક છું.”
શ્રીવિષ્ણુના કંઠે વહેતા કૃષ્ણ-અક્રુરજીના વાર્તાલાપને રસધ્યાનથી સાંભળી રહેલા લક્ષ્મીજીની એકાએક ઉત્કંઠા જાગી, એટલે અધવચ્ચે જ સવાલ કરી બેઠા-
“ધર્મરાજ? વિદુરજીને ધર્મરાજ કહ્યા?”
“હા દેવી,” -શ્રીહરિ રહસ્યમય હસ્યાં- “તેઓ ધર્મરાજનો અવતાર છે. મહર્ષિ માંડવ્યના શ્રાપને કારણે આ ધરતી પર માનવયોનિ ધારણ કરવી પડી છે.”
“પ્રભુ, એ ઘટનાથી હું અવગત નથી. આગળ વધતા પહેલા આપ એ વાત જણાવશો?”
“અવશ્ય દેવી. તો લ્યો, એ સાંભળો.”
માંડવ્ય ઋષિ એક મહાન તપસ્વી હતા જે ખાંડવ વનમાં તેમના આશ્રમની ઝૂંપડીમાં રહેતા હતા. એક દિવસ કેટલાક ચોરટાઓ ભાગતા ભાગતા આવ્યા અને તેમને ખોટું કહ્યું કે કેટલાક લૂ ટારુઓ તેમની પાછળ પડ્યા હોવાથી, ઋષિએ તેમનું ધન સાચવી લેવું જોઈએ અને તેમને શરણ આપવું જોઈએ
ઋષિએ તેમને વેપારી જાણીને ઝૂંપડીમાં તેમનું ધન સાચવીને મુકવા કહ્યું પછી ત્યાંથી ભાગી છૂટવાનો પાછલો માર્ગ બતાવ્યો.
પણ થોડી જ વારમાં રાજાના સૈનિકો ત્યાં આવ્યા અને આશ્રમની ઝૂંપડીમાંથી ચોરી કરેલ ધન ખોળી કાઢ્યું. તેઓએ ઋષિની વાત સાચી માની નહીં કે કોઈ વેપારી આ ધન મૂકી ગયો છે, બલ્કે સૈ નિકોએ માંડવ્ય ઋષિને કોઈ દંભી ઢોંગી સાધુ સમજી રાજ દરબાર લઈ ગયા.
રાજા કહે- “સાધુની વેશમાં કરવામાં આવેલા આવા ઘોર અપરાધ માફ કરવામાં આવતાં નથી, તેથી આ ઢોંગીનેશૂ ળીએચડાવી દો.” માંડવ્ય ઋષિએ રાજાને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ રાજા કોઈ વાત માનવા રાજી નહોતો.
રાજાના સૈ નિકો માંડવ્ય ઋષિનેશૂ લીએ ચડાવ્યા પરંતુ તેઓ પોતાના તપોબળથી ત્યાં ઉપર હેમખેમ રહ્યા. આ ચમત્કાર જોઈને સૈનિકો રાજા પાસે ગયા પણ તે દરમ્યાન રાજાને ખબર મળી જ ગયા હતા કે શૂળીએ ચડાવેલ સાધુ તો મહાન તપસ્વી માંડવ્ય છે.
સૈનિકોની વાત સાંભળીને રાજાને તુરંત પોતાનો દોષ સમજાયો અને ઋષિ પાસે ક્ષમા માંગવા આવ્યા અને તેમને શૂળીએથી નીચે ઉતારવા કહ્યું.
ત્યારે ઋષિ કહે- “હવે તો રાજા, આ અન્યાયનો નિર્ણય ધર્મરાજા પોતે જ લેશે. હું અહીંથી સીધો તેમની પાસે જ જઉ છું.”
ધર્મરાજા પાસે પહોંચ્યા પછી તેઓએ ધર્મરાજાને પૂછ્યું- “જાણીજોઈને તો મેં મારા જીવનમાં કોઈ પાપ કર્યું નથી, પરંતુ અજાણતામાં, મારાથી કયું પાપ થઈ ગયું કે જેનું એવું ભયંકર ફળ મળ્યું?
“હે તપસ્વી બાળપણમાં તમે પતંગિયાઓના પુ ષ્ટભાગમાં સિં ગખોસી તેમનેતરા સઆપ્યો છે તેનું આ પરિણામ મળ્યું છે.” -ધર્મરાજે કારણ આપ્યું ત્યારે માંડવ્ય ઋષિ કહે- “ધર્મશાસ્ત્ર મુજબ, બાળક જન્મથી લઈને બાર વર્ષની ઉંમર સુધી જે કંઈ કરે છે તે અપરાધ માનવામાં આવતો નથી. કારણ કે તે સમય સુધી તે અબોધ અને અણસમજુ રહે છે. પણ છતાંય તમે બાળપણમાંની મારી મૂર્ખતાને પાપ ગણાવીને મારી સાથે અન્યાય કર્યો છે.
બીજી વાત એ છે કે તમે ભૂલી ગયા છો કે ન્યાયની બેઠક પર બેઠેલી વ્યક્તિ ગુનાની માત્રા મુજબ જ શિક્ષા કરે છે. આ માત્રા કરતા અધિક શિક્ષા આપવું એ અન્યાય કરવાનું પાપ છે. અને, સ્વયં ન્યાયમૂર્તિ થઈને બીજાઓ સાથે અન્યાય કરે, તો તે ભયાનક ગુનો કહેવાય છે. તો હે ધર્મરાજા, આ પાપની સજા સહન કરવા માટે, તમે માનવયોનીમાં જન્મ પામશો. કોઈ એક શુદ્ર નારીની કુખે જન્મ લઈ, જીવનભર ત્યાં બસ.. તમે ન્યાય અને અન્યાયની ગાંઠો ઉકેલતા ઉકેલતા કંટાળી જશો. આ તમારી સજા છે.”
એટલે આ શ્રાપના ફળસ્વરૂપ ધર્મરાજ પૃથ્વી લોકમાં માનવસ્વરૂપે વિદુર બનીને અવતર્યા.
આમ વિદુરજીના પૂર્વજન્મ રહસ્યને અનાવૃત કરીને શ્રીહરિ પુનઃ રણછોડ-વૃતાંત વર્ણન કરવા લાગ્યા, અને મહાદેવી રસપૂર્વક એ સઘળું સાંભળી રહ્યા.
(ક્રમશ:)
પહેલો ભાગ તમે અમારા પેજ પર જઈને વાંચી શકો છો.
(સાભાર અશ્વિન મજીઠીયા, અમર કથાઓ ગ્રુપ)