આંધ્રપ્રદેશના ખમ્મમ જીલ્લામાં બનેલું હનુમાનજીનું આ મંદિર ખુબ જ ખાસ છે. અંહી હનુમાનજી બ્રહ્મચારીના રૂપમાં નહીં પરંતુ પોતાની પત્ની સુવર્ચલા સાથે બિરાજમાન છે.
ઘણા બધા લોકો એમ માને છે કે હનુમાનજી બાલબહ્મચારી હતાં. વાલ્મીકિ રામાયણ તથા રામચરિત માનસમાં બાલાજીના આ રૂપનું વર્ણન મળશે. પરંતુ પરાશર સંહિતામાં હનુમાનજીના આ રૂપનો ઉલ્લેખ છે. આનું સાક્ષી છે આંધ્રપ્રદેશના ખમ્મામ જીલ્લામાં બનેલું એક મંદિર જે હનુમાનજીના લગ્નની સાખ પુરાવે છે.
આ મંદિર પવનપુત્રના એ ચરિત્રની યાદ અપાવે છે કે જયારે તેમને લગ્નના બંધનમાં પડવું પડયું હતું. પરંતુ આનો એવો અર્થ નથી કે હનુમાનજી બાલબ્રહ્મચારી ન હતાં. હનુમાનજીના આ વિવાહ થયા હતાં અને તે બાલબ્રહ્મચારી પણ હતાં.
કંઈક અલગ પરિસ્થિતિઓનો કારણે જ બજરંગબલીને સુવર્ચલા સાથે વિવાહના બંધનમાં બંધાવું પડયું હતું. હકીકતમાં હનુમાનજીએ સુર્યને પોતાના ગુરુ બનાવ્યા હતા. હનુમાનજી સુર્ય પાસે પોતાની શિક્ષા ગ્રહણ કરતા હતા. સુર્યદેવ કયાંય રોકાઈ નથી શકતા. આથી હનુમાનજીએ આખો દિવસ સુર્ય દેવના રથની સાથે સાથે ઉડવું પડતું અને અને સુર્યદેવ તેમને વિભિન્ન પ્રકારની વિદ્યાઓનુ જ્ઞાન આપતા. એક દિવસ સુર્યદેવ ની સામે ધર્મસંકટ આવી પડયું.
કુલ નવ પ્રકારની વિદ્યામાં હનુમાનજીને એમનાં ગુરૂએ પાંચ પ્રકારની વિદ્યા તો શીખવી દીધી હતી. પરંતુ જે ચાર પ્રકારની વિદ્યા અને જ્ઞાન બાકી હતાં તે એવાં હતાં કે તે ફક્ત વિવાહિત લોકોને જ શીખવી શકાય એમ હતું. હનુમાનજી પુરી શિક્ષા લેવાના પ્રણ લઈ ચુક્યા હતા. અને ઓછી વિદ્યા શીખવાનું માનવા તે કોઈ રીતે તૈયાર ન હતાં. આ બાજુ ભગવાન સુર્યદેવ સામે સંકટ એ હતું કે ધર્મના અનુશાસનને કારણે અવિવાહિત લોકોને તે અમુક વિદ્યા શીખવાડી શકે તેમ ન હતાં.
આવી પરિસ્થિતિમાં સુર્યદેવે હનુમાનજીને વિવાહ કરવાની સલાહ આપી. હનુમાનજી પોતાનું પ્રણ પુરૂ કરવા માટે વિવાહના બંધનમાં બંધાઈ શિક્ષા ગ્રહણ કરવા માટે તૈયાર થઈ ગયા. પરંતુ હનુમાનજી માટે કન્યા ક્યાંથી લાવવી એ પણ બધાને માટે ચિંતાનો વિષય હતો.
સુર્યદેવે પોતાની પરમ તપસ્વી અને તેજસ્વી પુત્રી સુવર્ચલાને હનુમાનજી સાથે વિવાહ કરવા માટે મનાવી લીધી. પછી હનુમાનજીએ પોતાની શિક્ષા પુરી કરી અને સુવર્ચલા હંમેશાને માટે તપસ્યામાં લીન થઈ ગઈ. આવી રીતે હનુમાનજી ભલે વિવાહના બંધનમાં બંધાયેલા હોય પરંતુ શારીરિક રૂપથી આજે પણ બ્રહ્મચારી જ છે.
પારાશર સંહિતામાં લખ્યું છે કે ખુદ સુર્યદેવે આ વિવાહ પર કહ્યું કે આ વિવાહ બ્રહ્માંડના કલ્યાણ માટે થાય છે. અને આનાથી હનુમાનજીના બ્રહ્મચર્યમાં કોઈ પ્રભાવ નહીં પડે.
જય બજરંગબલી.
– સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ)