વાંચો રવિવારની વ્રત કથા અને સૂર્ય દેવના આ વ્રતના નિયમ.

0
521

એક સાસુ-વહુ હતા. સાસુનો પુત્ર એટલે કે વહુનો પતિ પોતે સૂર્યનો અવતાર હતો. તેનું નામ હતું સુર્યબલી. એ સદૈવ અંતર્ધાન જ રહ્યો કરતો. કોઈ વાર તે ઘરમાં આવતો પછી તરત જ તે નીકળી જતો. એ જ્યારે આવતો ત્યારે એક રત્ન પોતાની માતાને અને એક રત્ન પોતાની પત્નીને આપી જતો. તેનાથી તેઓ ઘરનો ખર્ચ ચલાવતા.

એક દિવસ જયારે સૂર્યબલી ઘરે આવ્યો ત્યારે માતાએ કહ્યું : ‘તું જે રત્ન મને આપી જાય છે તેનાથી ઘરનો ખર્ચ પૂરો થતો નથી. કંઈક વધુ આપતો જા.”

પુત્રએ કહ્યું, ‘હું જે રત્ન તને આપું છું તે કિંમતી હોય છે. એ રત્નથી આખું જીવન જીવી શકાય છે. તું આવી વાત કેમ કહે છે?’

માં કંઈ બોલી નહિ.

પત્નીએ કહ્યું : “હું અને માં હવે રવિવાર કરીશું. કાર્તિક સ્નાન પણ કરીશું.”

પુત્રએ કહ્યું : “જરૂર આ વ્રત કરો.”

સાસુ અને વહુએ રવિવારનું વ્રત કરવાનું શરુ કરી દીધું. રવિ એટલે સૂર્ય. સૂર્યનું પૂજન કરવા માંડ્યું. એક વખત જમે. આવું કરતા કરતા 12 વર્ષ પસાર થઇ ગયા. એક દિવસ સૂર્યબલી ઘરે આવ્યો.

ત્યારે વહુએ કહ્યુ, “રવિવારનું વ્રત મેં વાર વર્ષ કર્યું છે. હવે મારે તે વ્રત ઉજવવું છે. ઘરમાં જોઈતી સામગ્રી ભરી દે.’

સૂર્યબલીએ ઘરમાં જોઈતી બધી જરૂરી સામગ્રી ભરી દીધી.

વહુએ ઠાઠથી રવિવારનું વ્રત ઉજવ્યું. સૂર્યનારાયણ પ્રસન્ન થયા. તેમણે કહ્યું ‘તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું. ઇચ્છામાં હોય તે માંગી લે.’

વહુએ કહ્યું : ‘મારા પતિ મારાથી દૂર રહે છે. તેઓ ઘરમાં રહે તેમ કરો.’

‘તથાસ્તુ.’

રાત થતા જ સૂર્યબલીએ માતાને કહ્યું : ‘હું આજે ઘરે રહીશ.’

માં અને વહુ રાજી રાજી થઇ ગયા

સૂર્યબલી રાત પડી એટલે પથારીમાં સુઈ ગયો.

બીજે દિવસે સવારે સૂર્યોદય જ ન થયો. જગત આંખમાં અંધકાર છવાઈ ગયો. જીવો તરફડવા લાગ્યા. પશુપક્ષીઓ અકળાવા લાગ્યા. ઋષિમુનિઓના તપમાં પણ વિઘ્ન આવ્યું.

બધા દોડતા ડોસીના ઘરે આવ્યા. બધાએ વહુને પ્રાર્થના કરી : ‘વહુ દીકરા, તારા પતિને છોડ. તેને ફરવા દે.’

વહુએ જવાબ આપ્યો ‘હું ક્યાં ના પાડું છું.’

ડોસીમાંએ પણ વહુના જવાબ પર સહમતી દેખાડી.

સૂર્યબલીને લોકોએ કહ્યું ‘બહાર નીકળો.’

‘હું બહાર નીકળું તો ખરો પણ આ સાસુ-વહુનું શું? તેમના ઘરમાં સમૃદ્ધિ ભરો. સૂરજ તેમને ત્યાં સદા તપતો રહે તેવું વરદાન આપો તો જ હું ઘર ત્યજી શકું, તેના વગર નહિ.’

ઋષિઓએ દેવતાઓને પ્રાર્થના કરી.

દેવતાઓએ કહ્યું ‘તથાસ્તુ.’

ઋષિઓએ સાસુ-વહુને કહ્યું, ‘તમારું રવિવારનું વ્રત ફળ્યું છે. તમારું ઘર લીલું બન્યું છે.’

રવિવારના વ્રતમાં મીઠું અને તેલ ખાવામાં આવતું નથી. આ વ્રત કરનાર સૂર્યોદય હોય તે જ સમયે ફળાહાર કે ભોજન કરવામાં આવે છે. રવિવારે માત્ર એક જ વખતે જમવામાં આવે છે.

(નોંધ : વડીલોએ કહી હતી તે કથા અહીં વર્ણવી છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)