રવિવારની વ્રત કથા : સૂર્યદેવના વ્રત અને પૂજાના પ્રતાપે વૃદ્ધ મહિલાનું સુધર્યું જીવન.

0
153

પ્રાચીન સમયમાં, એક નગરમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી. તે દર રવિવારે સવારે ઉઠીને સ્નાન કર્યા પછી પોતાના ઘરના આંગણાને ગાયના છાણથી લીંપતી, પછી સૂર્યદેવની પૂજા કરતી અને તેમને ભોગ ધરાવીને પછી પોતે ભોજન કરતી. પણ તે વૃદ્ધ મહિલા પોતાના આંગણાને લીંપવા માટે પાડોશીની ગાયનું છાણ લાવતી. બીજી તરફ સૂર્યદેવની કૃપાથી વૃદ્ધ મહિલાને કોઈ પ્રકારની તકલીફ પડતી નહોતી, જેને જોઈને તેમની પાડોશણને ખૂબ ઈર્ષ્યા થતી.

એકવાર રવિવારના દિવસે પાડોશણે પોતાની ગાયને અંદર બાંધી દીધી જેથી વૃદ્ધ મહિલાને ગાયનું છાણ ન મળે અને તે લીંપણ ન કરી શકે. તે રવિવારે વૃદ્ધ મહિલા નિરાહાર રહી અને ભૂખી જ સૂઈ ગઈ. સૂર્યદેવે તેમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને પૂછ્યું કે આજે મને ભોગ કેમ ન ધરાવ્યો? આ અંગે વૃદ્ધ મહિલાએ કહ્યું કે તેની પાસે ગાય નથી અને પાડોશીએ ગાયને અંદર બાંધી છે, જેના કારણે તે લીંપણ કરી શકી નહીં અને ખાવાનું પણ બનાવી શકી નહીં. ત્યારે સૂર્યદેવે કહ્યું કે હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન થયો છું અને હું તમને એક ગાય આપું છું જે તમારી બધી મનોકામના પૂરી કરશે.

સવારે જ્યારે વૃદ્ધ મહિલા જાગી ત્યારે તેણે જોયું કે આંગણામાં એક સુંદર ગાય અને વાછરડું ઊભા હતા. વૃદ્ધ મહિલાએ નિષ્ઠાપૂર્વક ગાયની સેવા કરવાનું શરૂ કર્યું. પરંતુ જ્યારે પાડોશણને ખબર પડી કે વૃદ્ધ મહિલા પાસે એક ગાય પણ આવી છે, તો તે ખૂબ જ બળતરા કરવા લાગી. પછી તેણે જોયું કે તે ગાય સોનાનું છાણ આપે છે. સોનાનું છાણ જોઈને પાડોશણની આંખો પહોળી થઈ ગઈ.

પાડોશણે તે વૃદ્ધ મહિલાની ગેરહાજરીમાં ગાયનું છાણ ઉપાડ્યું અને પોતાના ઘરે લઈ ગઈ. સોનાના છાણને બદલે તેણીએ પોતાની ગાયનું છાણ ત્યાં મૂકી દીધું. આ રીતે સતત સોનાનું છાણ ભેગું કરીને પાડોશણ થોડા દિવસોમાં ધનવાન બની ગઈ. હવે સૂર્યદેવે વિચાર્યું કે મારે જ કંઈક કરવું પડશે. તેઓએ સાંજે જોરદાર વાવાઝોડું સર્જ્યું, વાવાઝોડાના કારણે વૃદ્ધ મહિલાએ ગાયને આંગણામાં બાંધી દીધી. અને સવારે તેમણે જોયું કે આ ગાયનું છાણ તો સોનાનું છે. પછી તે દરરોજ ગાયને અંદર બાંધવા લાગી.

હવે પાડોશણથી આ સહન થયું નહીં અને તેણે રાજાને કહ્યું કે મારી પાડોશમાં રહેતી વૃદ્ધ મહિલા પાસે એક ગાય છે જે સોનાનું છાણ આપે છે. રાજાએ સૈનિકો મોકલીને વૃદ્ધ મહિલા અને તેની ગાયને લાવવાનો આદેશ આપ્યો. ગાય મહેલમાં આવી પણ તેણે પોતાના દુર્ગંધ મારતા છાણથી આખા મહેલનું વાતાવરણ દૂષિત કરી નાખ્યું.

તે જ રાત્રે સૂર્યદેવ દ્વારા રાજાને સ્વપ્ન આવ્યા અને કહ્યું કે ગાય માત્ર વૃદ્ધ મહિલા માટે છે. તે દર રવિવારે નિયમપૂર્વક મારું વ્રત કરે છે અને મને ભોગ ધરાવે છે. એટલા માટે ભલાઈ એમાં જ છે કે તે ગાય તેમને પાછી આપી દેવામાં આવે. સવારે રાજાએ ગાય તે વૃદ્ધ મહિલાને પાછી આપી અને સાથે ઘણું બધું ધન પણ આપ્યું. રાજાએ નગરમાં જાહેરાત કરી કે નગરના તમામ રહેવાસીઓ રવિવારે વ્રત કરશે અને સૂર્યદેવની પૂજા કરશે.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

આ માહિતી એસ્ટ્રોયોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.