૧૯૨૮ના ડિસેમ્બરની એક સર્દ રાત. લાહોરનું એક શાંત મકાન. પતિ ક્યાંક બહારગામ ગયેલો છે. ઘરમાં માત્ર વીસ વર્ષની ગૃહલક્ષ્મી હાજર છે અને એની ગોદમાં છે એક વર્ષનો પુત્ર. અંધકારની પછેડી ઓઢીને એક યુવાન ઘરમાં પ્રવેશે છે. ધીમેથી પૂછે છે…
‘દુગૉભાભી !
એક કામ કરવાનું છે. કરશો ?’
‘ભાઈ, મારાથી એકલીથી થઈ શકે તેવું હોય તો ફરમાવો, તમારા મિત્ર તો કોલકાતા માં બેઠા છે.’ ભાભી એ જવાબ આપ્યો…
‘એ હોત તો પણ આ કામ તો તમારે એકલાંએ જ કરવું પડ્યું હોત.’ યુવાન આટલું બોલીને અટકયો, પછી મુદ્દાની વાત પર આવી ગયો, ‘એક માણસને લાહોરમાંથી ભગાડવાનો છે.’
‘કોણ છે ?’ દુગૉએ પૂછ્યું.
‘નામ નહીં જણાવું, કામ જણાવું છું. એ એક ક્રાંતિકારી છે. થોડાક દિવસ પહેલાં જ એણે એક અંગ્રેજ નુંખુ નકર્યું છે. જો પકડાશે તો એને ફા સીની સજા થશે. સરકાર લાહોર ની ધૂળમાં એનું પગેરું શોધી રહી છે. શહેરમાંથી બહાર જવાના એક-એક માર્ગ પર પોલીસ નજર રાખીને બેઠી છે. કોઈ વાહન ચેકિંગ વગર છટકી શકતું નથી. ભાભી, હા પાડતાં પહેલાં, વિચાર કરી લેજો. જોખમ છે. ગો ળી પણ ચાલી શકે છે.’
‘હું તૈયાર છું. મારે શું કરવાનું છે ?’ વીસ વર્ષની યુવતી જીવતો સાપ હાથમાં પકડવા માટે તૈયાર થઈ ગઈ.
‘આજે મોડી રાત્રે એ યુવાન અહીં પહોંચી જશે. હું જ એને લઈને આવી પહોંચીશ. એનો ચહેરો-મહોરો પૂરા હિન્દુસ્તાન માં હવે તો જાણીતો બની ચૂકયો છે. માટે એણે પૂરો વેશપલટો કરી લીધો હશે. એ હિન્દુસ્તાન માં રહેતા અંગ્રેજ સાહેબ ના ગેટઅપમાં સજજ હશે. સાથે એનો નોકર પણ હશે.‘
‘નોકર તો નિર્દોષ હશે ને ?’ દુગૉએ પૂછ્યું…
‘ના, એ પણ ક્રાંતિકારી છે. આપણે મન ક્રાંતિવીર અને અંગ્રેજો માટે આ તકવાદી છે. તમારે ગોરી મેમસાહેબ બનીને પેલા બડા બાબુની સાથે પ્રવાસમાં સામેલ થવાનું છે. ક્રાંતિકારીની પત્ની બનીને. સાથે તમારો દીકરો હશે. પોલીસ ને ખબર છે કે એ યુવાન કુંવારો છે, એટલે તમને ત્રણેય ને સાથે જોઈને કોઈને શંકા નહીં પડે.’
‘ક્યાં જવાનું છે? ક્યારે નીકળવાનું છે? કઈ રીતે?’
‘કાલે સવારે કોલકાતા એક્સપ્રેસના ફર્સ્ટ કલાસમાં રવાના થવાનું છે. ટિકિટો આવી ગઈ છે. પહોંચવાનું છે કોલકાતા.’
‘અરે ! તમારા ભાઈ ત્યાં જ ગયા છે. આજે સવારે જ એમની સાથે વાત થઈ, એ પૂછતા હતા કે કોંગ્રેસ નું અધિવેશન આ વરસે કોલકાતામાં ભરાવાનું છે, હું એમાં હાજરી આપવા જવાની છું કે નહીં ?’
‘તમે શો જવાબ આપ્યો, ભાભી ?’
‘મેં ના પાડી, પણ હવે હું જઈશ. પતિને મળવા માટે નહોતી જવાની, પણ હવે એક દેશભકતને ભગાડવા માટે જઈશ. હે ભગવાન! મારી સહાય કરજે! મારા પતિના મનમાં કશી ગેરસમજ ન પ્રગટે!’
ચર્ચા પૂરી થઈ.
મોડી રાત્રે ત્રણ યુવાનો ખડકી માં દાખલ થયા. ગોરાસાહેબે યુરોપિયન ઓવરકોટ, પેન્ટ અને બૂટ પહેર્યાં હતાં. માથા પર તીરછી અદામાં ફેલ્ટ હેટ ધારણ કરેલી હતી. સાથે જાણે છેલ્લી સાત પેઢીથી નોકર પરંપરા ચાલી આવતી હોય એના વારસદાર જેવો એક નોકર હતો. દુગૉભાભી એ બંનેની સામે ધારી ધારીને જોઈ રહ્યાં. પહેલાં તો એ બંને ઓળખાયા જ નહીં, પછી જ્યારે ઓળખાયા ત્યારે દુગૉભાભી નાં મુખમાંથી આશ્ચર્ય મિશ્રિત શબ્દો સરી પડ્યા..
‘અરે ! આ તો આપણો ભગત છે !’
હા, એ દેશી બાબુ હતા ક્રાંતિવીર ભગતસિંહ. સાથેનો નોકર હતો રાજગુરુ અને એમને લઈને આવનાર હતો સુખદેવ. ભારત માતાના લલાટ ઉપરના સૌથી તેજસ્વી સિતારા એવા આ ત્રણ સરફરોશ ક્રાંતિકારીઓ બહુ નજીક ના ભવિષ્ય માં શહીદે આઝમ બનીને ઈતિહાસ માં અમર થઈ જવાના હતા.
અત્યારે તો અંગ્રેજ પોલીસ અમલદાર સોંડર્સનીહ ત્યાકરીને એ ત્રણેય લાહોર છોડી જવાની ફિરાકમાં હતા અને એમને મદદ કરવાના હતા એમના જ એક ક્રાંતિકારી મિત્ર ભગવતીચરણ બોહરા ની પત્ની…દુગૉદેવી.
ભગવતીચરણ મૂળ ગુજરાતના નાગર યુવાન હતા, પણ પંજાબમાં સ્થાયી થયાં હતાં. એમની પત્ની દુગૉ જ્યારે લગ્ન કરીને આવી હતી ત્યારે સામાન્ય, અશિક્ષિત અને અબુધ બાળા જેવી હતી. પતિનું પડખું સેવતાં-સેવતાં એ સસલી મટીને સિંહણ બની ગઈ હતી. અંગ્રેજી અને સંસ્કૃત પણ શીખી રહી હતી. એની ગોદમાં રમી રહેલા એક વર્ષના પુત્ર શચિને તો ભાન પણ ક્યાંથી હોય કે આવતી કાલે સવારે એ ભારત ના સ્વાતંત્રય સંગ્રામ ની એક મહત્વ ની ઘટના નું અતિમહત્વ નું પાત્ર બની જવાનો છે ?!
સવારે ભગતસિંહ કોલકાતા એક્સપ્રેસના ફર્સ્ટ કલાસના ડબ્બામાં ચડ્યા ત્યારે પ્લેટફોર્મ ઉપર ખડકાયેલા પોલીસમેનો પાઘડીધારી શિખને પકડી પાડવા માટે આમથી તેમ ફાંફાં મારી રહ્યા હતા. ભગતસિંહે લાંબા કેશ કપાવી નાખ્યા હતા. ઓવરકોટનો કોલર ઊભો કરીને ચહેરાને અડધો-પડધો ઢાંકી લીધો હતો.
તીરછી હેટ બાકીનું કામ પૂરી કરી આપતી હતી. તેમ છતાં જો કોઈ પોલીસ એમની તરફ ઝીણી નજરે જોવાનો પ્રયત્ન કરે, તો એમણે તેડેલો ‘પુત્ર’ શચિ જાણે પિતાને વહાલ કરતો હોય એવી અદામાં ગાલ પર ચૂમી કરી લેતો હતો. સાથે મેમસાહેબ બનેલાં દુગૉભાભી લાંબું ફ્રોક ચડાવીને ઊંચી એડીના સેન્ડલ પહેરીને ‘ખટ-ખટ’ કરતાં ચાલી રહ્યાં હતાં. નાગરાણી હતાં એટલે રૂપાળાં તો હતાં જ, ઉપરથી ગાલ ઉપર પાઉડરનો થર ! ગોરી મે’મ પણ એમની આગળ હબસણ જેવી લાગે એવો ઠાઠ હતો.
અંગ્રેજ પોલીસ ફાંફાં મારતી રહી ગઈ અને ગાડી રવાના થઈ ગઈ. રેલવેના આજ સુધીના ઈતિહાસ માં કોઈ ટ્રેન આવા અને આટલા મોંઘેરા મુસાફરો સાથે ઊપડી નહીં હોય. બાજુના થર્ડ કલાસના ડબ્બામાં ભજન ગાતાં બાવાઓની જમાતમાં એક બાવો બનીને પ્રવાસ કરી રહ્યા હતા ચંદ્રશેખર આઝાદ. આ ચારેય જણા પછીથી આથમી ગયા. જિંદગી જેને સાચવી શકવાની ન હતી, એમને આ ટ્રેન સાચવીને લઈ જતી હતી.
કોલકાતાના રેલવે સ્ટેશને ભગવતીચરણ બોહરા પત્નીને અને સાથીદારોને લેવા માટે આવ્યા. એમને તાર દ્વારા સમાચાર મળી ગયા હતા. એ દુગૉને શોધતા હતા, ત્યાં એક અંગ્રેજ મેડમ સામે આવીને ઊભી રહી ગઈ…
‘મને ઓળખી ?’
પતિ એ પત્ની ને તો ન ઓળખી, પણ એના અવાજને ઓળખ્યો. પોતાના મિત્રના પ્રાણ બચાવનાર પત્ની માટે છાતીમાંથી પ્રેમના સાત દરિયા સામટા ઊછળી પડ્યા. એ આટલું જ બોલ્યા…
‘તને મેં આજે જ ઓળખી, દુગૉ !’
આજથી લગભગ અંશી વર્ષ પૂર્વેની ઘટના.
રૂઢિચુસ્ત ભારતની એક સંસ્કારી નારી પોતાનાં પતિ ના મિત્ર ની પરણેતર બની ને ટ્રેનના એકાંત ડબ્બામાં પ્રવાસ ખેડે, કોલકાતા પહોંચ્યા પછી પણ ડોળ ચાલુ રાખવા ખાતર પારકા જુવાન સાથે હોટલ ના કમરામાં રાત ગુજારે અને એનો પતિ એની પવિત્રતા નો સ્વીકાર કરે, આ …‘ન ભૂતો ન ભવિષ્યતિ’ જેવી ઘટના છે.
ભગતસિંહ કોલકાતા જઈને બંગાળી ક્રાંતિકારીને મળ્યા, એમની પાસેથી બો મબ બનાવવાનું શીખ્યા અને પછી ધારાસભામાં કારનામુ કર્યું. પછી ફા સીએ ચડી ગયા. નહીં ઓવરકોટ, નહીં પેન્ટ, નહીં હેટ, માત્ર બસંતી રંગનો ચોળો ધારણ કરીને ચાલ્યા ગયા.
તાજેતરમાં એક સ્ત્રીનાં જીવનની કરુણ ઘટના સાંભળવા મળી. પતિ નોકરી પર હતો. એનો મિત્ર ઘરે મળવા આવ્યો. બહારથી જ પાછો ચાલ્યો ગયો. સાંજે પતિ મહાશયે ઘરે આવીને પત્નીને ફટ કારી પછી ઘરની બહાર કાઢી મૂકી. ત્યારે થયું કે સાચું દામ્પત્ય ‘આઈ લવ યુ’ બોલી નાખવામાં નથી સમાઈ જતું, એ તો ક્રાંતિ ની વેદી ઉપર વિશ્વાસ ના ફૂલ ધરી દેવાનું જ બીજું નામ હોય છે. ભારત તો દુગૉભાભી જેવી વિરાંગનાઓનો દેશ છે..!!!
– ડોક્ટર શરદ ઠાકર
સાભાર અનિરુદ્ધ ગઢવી (અમર કથાઓ ગ્રુપ)