આપણે આપણો દ્રષ્ટિકોણ બદલી નાંખીએ તો દુનિયા આપમેળે જ બદલી જશે, વાંચો સ્ટોરી.

0
842

એક નગરમાં એક અબજોપતિ માણસ રહેતો હતો. તમામ પ્રકારની સુખ- સુવિધાઓ હોવા છતા પણ જીવનની મજા એ નહોતો લઇ શકતો કારણ કે એને આંખોનો ભયંકર દુખાવો થતો હતો…

નામાંકિત તમામ આંખોના ડોકટરની દવાઓ લેવા છતા પણ એના દુ:ખાવામાં કોઇ રાહત થતી ન હતી…

એક દિવસ એના નગરમાં એક સંત આવ્યા…

કોઇએ આ પૈસાદાર માણસને સંત પાસે જવાની સલાહ આપી.

સંતે એમની વાતો સાંભળ્યા બાદ આંખોનો દુ:ખાવો દુર કરવા માટે એક ઉપાય બતાવતા કહ્યુ, “તમારી આંખો સતત લીલો રંગ જુવે એવુ કંઇક કરો. તમારી નજર સતત લીલા રંગ પર રહેશે, તો એનાથી તમારી આંખોની બળતરા ઓછી થશે…

પેલા ધનકુબેરે તો પોતાના માણસોને બોલાવીને આદેશ આપી દીધો કે જે ખર્ચ કરવો પડે તે કરો પણ મારી જ્યાં નજર પડે ત્યાં બધે જ લીલુ લીલુ દેખાવું જોઇએ.

ઘરની એક એક વસ્તુને લીલા કલરથી રંગી નાંખો.

માણસો કામે લાગી ગયા અને થોડા જ દિવસમાં વિશાળ બંગલાની અંદર અને બહાર બધું જ લીલા રંગથી રંગી નાંખ્યુ.

થોડા સમય પછી પેલા સંત આ ગામમાં આવ્યા અને અબજપતિ માણસને મળવા માટે એના ઘરે ગયા…

સંતને પેલા માણસ સુધી લઇ જતા પહેલા એના કેસરી કલરના કપડા પર લીલો રંગ છાંટીને પછી જ અંદર જવા દેવામાં આવ્યા.

સંતે અંદર જઇને અબજપતિને કહ્યુ કે આ બધુ કરવાની શી જરુર?

અબજપતિ એ કહ્યુ , “આપે જ કહેલું કે તમારી નજર પડે ત્યાં બધુ જ લીલુ લીલુ હોવુ જોઇએ.”

સંતે હસતા હસતા કહ્યુ , “અરે, ભાઇ આ બધુ બદલવા કરતા તમે માત્ર

લીલા રંગના ચશ્મા પહેરી લીધા હોત તો પણ બધુ જ લીલુ થઇ જાત.”

મિત્રો , આપણે પણ આપણા આનંદ માટે આપણી તમામ શક્તિઓ ખર્ચીને દુનિયાને બદલવાની મુર્ખામી કરીએ છીએ. આપણે આપણો દ્રષ્ટિકોણ બદલાવી નાંખીએ તો દુનિયા આપમેળે જ બદલી જશે…

(સાભાર હિતેશ રાયચુરા, અમર કથાઓ ગ્રુપ)