ખોરાસા (તા. વંથલી) સૌરાષ્ટ્રના વંથલી તાલુકામાં આવેલું એક મહત્વનું અને લગભગ ૩૦૦૦ હજારની વસ્તી ધરાવતું ગામ છે. દક્ષિણ ભારતમાં આવેલા પ્રખ્યાત તિરુપતિ મંદિર જેવું આબેહૂબ મંદિર જૂનાગઢથી પશ્ચિમે ૩૦ કિ.મી. દૂર આવેલા તિરુપતિ ખોરાસા તરીકે ઓળખાતા આ ગામમાં આવેલું છે. તેની દંતકથા જોઇએ તો માંગરોળ જવા નીકળેલા અને રસ્તો ભૂલા પડેલા નરસિંહ મહેતા અને તેમના કાકા પર્વત મહેતાના રક્ષણ માટે ભગવાન શ્રીકૃષ્ણે આ ગામ વસાવ્યું હતું.
લગભગ ૨૦૦ વર્ષ પૂર્વે અયોઘ્યા નજીક જન્મેલા સરવરીઆ બ્રાહ્મણ ગોપાલ નાની વયમાં કુટુંબનો ત્યાગ કરી વૈરાગી સાધુઓ સાથે નીકળી પડ્યા હતા. તીર્થસ્થાનોમાં ફરતાં-ફરતાં દક્ષિણમાં તોતોદ્રીસ્થાનમાં બદરીનારાયણ સ્વામી પાસે રામાનુજ સંપ્રદાયની વિધિ પ્રમાણે પંચે સંસ્કાર દીક્ષા લઇ તેઓ વૈષ્ણવ થયા હતા અને ધર્મ-સંપ્રદાયનો પ્રચાર કરવા મહાશિવરાત્રિએ ગિરનાર પધાર્યા હતા. અહીં તેઓને ખોરાસાના રહીશ આદિ લોહાણા ઠા. લવજીભાઈ ઉનડકટનો ભેટો થયો હતો.
લવજીભાઈએ સ્વામીજીને ખોરાસા આવવાનું આમંત્રણ આપ્યું હતું. સ્વામીજીએ આમંત્રણનો સ્વીકાર કરતાં લવજીભાઈ તેમને પૂર્ણ સન્માન સાથે ખોરસા સાથે લાવ્યા હતા. સ્વામીજી ખોરાસાની ભૂમિથી પ્રભાવિત થયા અને આ ભૂમિ પર ભગવાન કૃષ્ણ અને નરસિંહ મહેતાનો પ્રસંગ સ્વામીજીને યોગ દ્વારા ઘ્યાનસ્થ સ્થિતિમાં જણાતા તેઓએ અહીં જ નિવાસ કરવાનો નિર્ણય કર્યો હતો. એક નાના મકાનમાં ઇષ્ટદેવની ઉત્સવ મૂર્તિ વેંકટેશ તથા દેવી ભૂદેવી પધરાવી આરાધના શરૂ કરી હતી.
દક્ષિણમાં પ્રચલિત દેવો વિશે આપણને પણ બેઝીક માહિતી નથી. વેંકટેશ્વર કે વ્યંકટેશ્વર? બાલાજી, શ્રીનિવાસ, તિરુવેંગડમ, મનિવાન્નન, તિરુપતિ વગેરે સંજ્ઞાઓ વિશે કશી માહિતી નથી. કે. કા. શાસ્ત્રીજી કહે છે કે ‘વૈકુંઠ’ ઉપરથી દ્રવિડપ્રદેશમાં ‘વ્યંકટ’ ને ‘વેંકટ’ શબ્દ બન્યા છે. કમ્પયુટરજીનું સદાબહાર વિકિપુરાણ જણાવે છે કે વેંકટેશ્વરને તેલેગુમાં વેંકન્ના ને કર્ણાટકમાં તિરુપતિ તિમ્માપ્પા નામે પણ આરાધાય છે. અન્ય નામો છે વેંકટાચલપતિ, તિરુમાલેશ, તિરુમાલ, શ્રીનિવાસ, શ્રીપતિ, બાલાજી ઇત્યાદિ. સંસ્કૃત ‘શ્રી’નું તમિળમાં ‘તિરુ’ (‘થિરુ’) થયું છે.
વિકિપુરાણાનુસાર, એકદા ભાગીરથી તટે કશ્યપાદિ ઋષિઓને નારદ મુનિએ પૂછ્યું, ‘કે પરમ પરમેશ્વર કોણ છે?’ તેનો ઉત્તર શોધવા ભૃગુમુનિ સત્યલોકમાં બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી ચતુર્મુખેથી ચાર વેદોનો પાઠ કરતા હતા તેથી ભૃગુમુનિ તરફ તેમણે ધ્યાન નહીં આપ્યું. છેડાઈને ભૃગુમુનિ કૈલાસ ઉપર શિવજી પાસે ગયા. ત્યાં પણ તે પાર્વતીજી સાથે ગોષ્ઠિમગ્ન હતા તેથી તેમણે ભૃગુને ગણકાર્યા નહીં. તેથી શંભુને શાપ આપી ભૃગુ વૈકુંઠે વિચર્યા. ત્યાં આદિશેષ ઉપર વિષ્ણુજી પોઢેલા હતા અને લક્ષ્મીજી તેમના પગ દબાવતાં હતાં. એ કારણે વિષ્ણુનું પણ ધ્યાન ભૃગુમુનિ તરફ ના ગયું તેથી મુનિજીએ વિષ્ણુજીના હૃદય સ્થાને લા તમારી.
તો મુનિને શાંત કરવા ભગવાન ભૃગુમુનિના પગ દબાવવા લાગ્યા. ભૃગુના પગના તળિયે એક ત્રીજી આંખ હતી. તે ત્રીજી આંખ ભૃગુના અહંકારનું પ્રતીક હતી. ભગવાને તે આંખનું મર્દન કર્યું ત્યારે મુનિને પોતાની ભૂલ સમજાઈ. તેમણે ગદગદ થઈને ભગવાનની ક્ષમા માગી અને ઋષિઓની પાસે પાછા જઈને કહ્યું કે પરમ પરમેશ્વર દેવાધિદેવ તો વિષ્ણુ જ છે. વિષ્ણુજીના હૃદયમાં લક્ષ્મીજીનો વાસ છે, અને ત્યાં લા તમાર નાર મુનિને દંડ કરવાના બદલે ભગવાને તેમની પગચંપી કરી તેથી તેમના ઉપર કોપાઈને લક્ષ્મીજીએ વૈકુંઠ છોડી પૃથ્વી ઉપર કારાવિરાપુરમાં વાસ કર્યો, જે આજનું કોલ્હાપુર છે.
લક્ષ્મીજીના વિરહમાં વિષ્ણુજી પણ પૃથ્વીલોકે અવતર્યા. તેમણે પુષ્કરિણી નિકટના એક આમલીના વૃક્ષ નીચે બંધાયેલા કીડીના રાફડા પાસે લક્ષ્મીને પ્રસન્ન કરવા તપ આદર્યું. તેમણે અન્નજળ ત્યાગ્યાં જાણી બ્રહ્મા અને શિવે ગાય અને વાછરડાનું રૂપ ધર્યું, ને લક્ષ્મીજી ગોવાલણ બન્યાં. ગોવાલણે ગાય અને વાછરડું ચોલાદેશના રાજાને વેચી દીધા.
ચોલારાજે તેમને પોતાના ગોધન સાથે ‘વેંકટ’ નામે ટેકરા ઉપર ચરવા મોકલ્યાં. ત્યાં વિષ્ણુજીને તપશ્વર્યા કરતા જોઈ ગાયે પોતાનું સમસ્ત દૂધ તેમના મુખમાં રેડી દીધું. અને એ રીતે વેંકટગિરીના વિષ્ણુજી વેંકટેશ્વર કહેવાયા. વેંકટેશ્વરની રોમાંચક કથા હજી ઘણી લાંબી છે. દક્ષિણની કથાઓ ગુજરાતમાં ખાસ પ્રચલિત નથી.
વાચેલી નોંધના આધારે રૂબરૂ મુલાકાત ઓગસ્ટ ૨૦૧૭.
– સાભાર જિતુ ઠકરાર (ગામ ગાથા ગ્રુપ)