સુકાઈ ગયેલા છોડ પરથી જાણો જીવનને નવી રીતે શરૂ કરવાની રીત : વાંચો આ નાનકડી સ્ટોરી.

0
498

નવજીવન

આજથી ત્રણ વર્ષ પહેલા એક ભાઈએ ભેટ સ્વરૂપે એક છોડ આપ્યો હતો. જે છોડ માં 3-4 ફૂલની કળીઓ હતી. નિયમિત પાણી પાવાથી છોડની સારી વૃદ્ધિ થઈ હતી. અને તેમા સુંદર મજાના ફૂલો પણ આવી ગયા હતા. એકવાર 15 દિવસના પ્રવાસાર્થે(ટુર) બહારગામ જવાનું થયું. છોકરાઓ અને વડીલ ઘરે હોવાથી કોઈપણ પ્રકારની ચિંતા નહોતી.

અમારી ગેરહાજરીમાં અમારા શયનખંડમાં કોઈ જ પ્રવેશ કરતું નહીં. છોડ અમારા શયનખંડની બાલ્કનીમાં હતો. એટલે છોકરાઓ તેને પાણી પાવાનું ભૂલી ગયા.

15 દિવસના પ્રવાસથી આવ્યા બાદ જોયું તો છોડ મુરઝાઈ ગયો હતો. તેના પાન અને ફૂલ પણ ખરી ગયા હતા. જોઈને ખૂબ જ દુઃખ થયું. અઢી વરસથી એ કુંડુ એમનું એમ જ પડ્યું રહ્યું. સૂકા છોડના ઠૂંઠા સાથે.

અચાનક જ એક દિવસ શું સુઝ્યું કે તે કુંડામાં, થોડા સૂકા ધાણા નાખ્યા. બાજુમાં એલોવીરા(કુંવારપાઠા)નો છોડ હતો. એલોવીરાના છોડમાં પાણી નાખતી વખતે, બાજુના નાના કુંડામાં પણ સાથે જ પાણી નાંખી દેતી. થોડા જ દિવસોમાં એ નાના કુંડામાં પણ કુંપણો દેખાવા લાગી. તે કુંપણો ધાણામાંથી ઊગી નીકળી હતી. જોઈને ખૂબ જ આનંદ થયો.

આ જોઈને મનમાં વિચાર આવ્યો કે સુકાઈ ગયેલો છોડ કદાચ ફરી વૃદ્ધિ ના પામે, પણ તેમાં બીજા બી રોપવાથી નવો છોડ ઊગી શકે છે. તો પછી આપણા જીવનમાંથી જો કોઈ વ્યક્તિ ચાલ્યો જાય, તો હતાશ થવાની જરાય જરૂર નથી કે પછી જીવનનો અંત આણવાની પણ જરૂર નથી. નવા વ્યક્તિ સાથે નવેસરથી જીવનની શરૂઆત થઈ જ શકે છે.

લેખક – મીના સાવલા કારીઆ (અમર કથાઓ ગ્રુપ)