એક ગામમાં છોકરીઓની શાળામાં આવનારી એક શિક્ષિકા ખુબ જ સુંદર હતી, અને શૈક્ષણિક રીતે પણ તે ખુબ મજબૂત હતી. પરંતુ હજુ સુધી તેના લગ્ન થયા નહોતા.
બધી છોકરીઓ તેની આસપાસ એકઠી થઈ ગઈ અને મજાક કરવા લાગી કે મેડમ તમે હજી લગ્ન કેમ નથી કર્યા?
મેડમે વાર્તા કંઈક આવી રીતે શરૂ કરી કે, એક સ્ત્રીને ત્રણ દીકરીઓ હતી. પતિએ તેને ધ-મ-કી આપી કે, જો આ વખતે પણ દીકરી થશે તો તે દીકરીને બહાર કોઈ રસ્તા કે ચોક પર ફેંકી દેશે.
ભગવાનની મરજી એજ જાણે. ચોથી વખત પણ તે સ્ત્રીને દીકરી જ જન્મી. દીકરીનો જન્મ થયો અને પતિએ દીકરીને ઉપાડીને રાતના અંધારામાં સોસાયટીની બહાર રસ્તા પર વચ્ચોવચ મૂકી દીધી. માતાએ આખી રાત એ નાનકડા જીવ માટે પ્રાર્થના કરી અને દીકરીને ભગવાનને સોંપી દીધી.
બીજા દિવસે વહેલી સવારે પતિ ચોકમાંથી પસાર થયો ત્યારે જોયું કે દીકરીને કોઈ લઈ ગયું ન હતું. પતિ દીકરીને ઘરે લઈ આવ્યો. પરંતુ બીજી રાત્રે પિતાએ ફરી દીકરીને ચોક પર મૂકી દીધી. પણ તેને કોઈ લઇ ન ગયું. રોજેરોજ આવું જ થતું. દરેક વખતે પતિ દીકરીને બહાર મૂકી આવતો અને જો કોઈ તેને લઈ ન જાય તો તે મજબૂરીમાં તેને પાછો લાવતો. આમ કરતા કરતા પતિ પણ થાકી ગયો અને ભગવાનની ઇચ્છા સાથે સંમત થયો.
પછી ભગવાને કંઈક એવું કર્યું કે એક વર્ષ પછી સ્ત્રી ગર્ભવતી થઇ અને આ વખતે તેને એક પુત્ર થયો, પરંતુ થોડા દિવસો પછી પુત્રીઓમાંથી એક પુત્રીનું અ-વ-સા-ન થયું. એ પછી સ્ત્રીએ બીજી બે વખત બે દીકરાઓને જન્મ આપ્યો. પણ દર વખતે કોઈને કોઈ કારણે તેમની એક દીકરી આ દુનિયા છોડી જતી. હવે ઘરમાં ત્રણ પુત્ર તો આવ્યા પણ તેના બદલે ત્રણ દીકરીઓ ગુમાવવી પડી અને પિતાને તેનો કોઈ અફસોસ પણ ન હતો.
હવે ફક્ત એક જ દીકરી બચી હતી અને તે એ જ દીકરી હતી જેનાથી બાપ છુટકારો મેળવવા માંગતો હતો. પોતાની ત્રણ દીકરીઓના દુઃખમાં માતાનું પણ અ-વ-સા-ન થઇ ગયું. હવે ત્રણ દીકરા અને એક દીકરી બચી હતી. માતાના ગયા પછી પિતાએ દીકરીને વધારે પ્રેમ કર્યો નહિ. બધું દીકરાઓને સોંપી દીધું.
શિક્ષિકાએ કહ્યું – શું તમે જાણો છો કે જે દીકરી જીવિત છે તે કોણ છે? બધી વિધાર્થિનીઓએ કહ્યું “ના”. પછી શિક્ષિકાએ કહ્યું – “તે હું જ છું.” અને મેં હજી લગ્ન કર્યા નથી કારણ કે મારા પિતા એટલા વૃદ્ધ છે કે તેઓ પોતાના હાથથી ભોજન પણ ખાઈ શકતા નથી અને તેમની સેવા કરવા માટે બીજું કોઈ નથી. હું ફક્ત તેમની જ ચિંતામાં રહું છું અને તે ત્રણ દીકરા ક્યારેક ક્યારેક આવીને પિતાના સ્વાસ્થ્ય વિશે પૂછે છે. પણ જયારે પિતા તેમની પાસે મદદ માંગે છે, તો શહેરના ખર્ચ અને બીજા ખર્ચા કહીને નામ માત્ર પૈસાની મદદ કરે છે.
પિતા હંમેશા શરમથી રડી પડે છે અને મને કહે છે, મારી વહાલી દીકરી, તારી સાથે બાળપણમાં મેં જે કાંઈ પણ કર્યું છે તેના માટે મને માફ કરજે.