રિક્ષાવાળાને મળ્યું પૈસાથી ભરેલું પેકેટ, પત્ની બોલી આ આપણે રાખી લઈએ, પછી જે થયું તે જાણવા જેવું છે.

0
2789

રિક્ષા ચાલક પરેશ આજે ખૂબ ચિંતામાં હતા. તેનું કારણ એ હતું કે પોતાના દીકરાની કોલેજની ફી ભરવા માટે તેમની પાસે પૂરતા પૈસા નહોતા. અને આવતીકાલે પરેશને પણ કોલેજમાં બોલાવેલા હતા.

સાંજનો સમય હતો, દિવસના છેલ્લા પેસેન્જરને ઉતારીને તે પોતાના ઘરે જવા લાગ્યા. ઘરે પહોંચીને રિક્ષા તેની જગ્યાએ પાર્ક કરી ત્યારે તેમણે રિક્ષામાં એક પેકેટ જોયું. તે પેકેટ ઉપરથી ખુલ્લુ હતું અને તેમાં પૈસા હતા. પરેશને ધ્યાનમાં હતું કે જે છેલ્લો પેસેન્જર તેમની રિક્ષામાં બેસેલો તેના હાથમાં જ આ પેકેટ જોયું છે.

પરેશ રિક્ષામાં બેસીને પાછા જતા હતા ત્યારે તેમની પત્ની ફાલ્ગુની તેમને પૂછે છે,

ફાલ્ગુની : તમે પાછા ક્યાં જાવ છો?

પરેશ ફાલ્ગુનીને પોતાની પાસે બોલાવે છે અને કહે છે,

પરેશ : ૩૦-૪૦ મિનિટનું કામ છે, આ કોઈના પૈસા આપણી રિક્ષામાં રહી ગયા છે, હું તે આપી આવું.

ફાલ્ગુની : આ કામ પછી પણ થશે, પહેલા મારી સાથે ઘરમાં આવો.

પરેશ પત્નીની વાત માનીને ઘરમાં જાય છે.

ફાલ્ગુની : આ પેકેટમાં પૈસા છે તે કેટલા છે?

પરેશ : મને નથી ખબર, પણ તારે જાણીને શું કરવું છે?

ફાલ્ગુની પરેશના હાથમાંથી પૈસાનું પેકેટ લઈ લે છે અને ગણતરી શરૂ કરે છે.

ફાલ્ગુની : આમાં તો એટલા પૈસા છે કે આમાંથી આપણા દીકરાની ફી પણ ભરાઈ જશે અને થોડા પૈસા વધશે પણ ખરા.

પરેશ આ વાત સાંભળી ગુસ્સે થાય છે અને ફાલ્ગુની પાસેથી પૈસા ખેંચી લે છે.

પરેશ : પહેલી વાત એ કે આ પૈસા આપણા નથી. અને જેમ આપણને પૈસાની જરૂર છે તેમ પેલા ભાઈને પણ જરૂર હશે તો.. જો તેને આ પૈસા ન મળે તો તેની ખરાબ દુઆઓ આપણને લાગશે. બીજા વાત એ કે જ્યારે આપણા દીકરાને આ વાતની જાણ થશે તો તે આપણા વિષે કેવું વિચારશે? અને તે ભણીને કોઈ મોટો સાહેબ બનશે તો તે પણ આવી જ રીતે ગેરકાયદેસર કામ કરવા લાગશે.

ફાલ્ગુની : તમે સંસ્કાર અને ઈમાનદારીથી જીવન જીવો છો તો આજે તમારી પાસે ફી ભરવાના પૈસા કેમ નથી. આજનો સમય વાંકો છે તો આપણે પણ થોડા વાંકા વળી જઈએ તો તમને શું વાંધો છે?

પરેશ ફાલ્ગુનીને કોઈ જવાબ આપ્યા વિના જતો રહે છે. મોડી રાત્રે તે પેલા પેસેન્જરને જ્યાં ઉતારેલા તે ઘરે જાય છે અને તેમને પૈસા પાછા આપે છે. તે ભાઈ તેમની ઈમાનદારીના વખાણ કરે છે અને તેમને અમુક પૈસા આપે છે.

પરેશ : ના, સાહેબ આ તમારા પૈસા છે આમાં મારો શું હક?

પેસેન્જર : હું તો મારા પૈસા ગુમાવી જ ચૂક્યો હતો. પણ તમારી ઈમાનદારીને કારણે આ મારી પાસે પાછા આવ્યા છે. એટલે હું તમને રાજીખુશીથી આ પૈસા આપું છું.

પરેશ : ના સાહેબ રહેવા દો.

પેસેન્જર : તમારી ઈમાનદારીને સલામ. પૈસા તો તમે લેવા નથી માંગતા તો જમીને જાવ.

પરેશ : સાહેબ ઘરે મારો દીકરો અને પત્ની મારી રાહ જુએ છે.

પેસેન્જર : હું ભગવાનને પ્રાથના કરીશ કે બધાને તમારા જેવી સદબુદ્ધિ મળે.

પરેશ ઘરે આવે છે ત્યારે તેમની પત્ની ગુસ્સામાં જમવાનું આપે છે અને રૂમમાં જતી રહે છે.

સવારે પરેશ અને તેમનો દીકરો કોલેજ જવા નીકળે છે ત્યારે દીકરો કહે છે : ‘પપ્પા, તમે મારા હીરો છો. ગઇકાલે મમ્મીની અને તમારી વાતો મેં સાંભળી હતી. તમે જે કર્યું તે સારું જ કર્યુ. આઈ લવ યુ પપ્પા.’

પરેશ દીકરાની વાતોથી ખુશ તો હતા પણ મનોમન ગભરાયેલા પણ હતા કે કોલેજવાળા ફી બાકી હોવાને કારણે તેમના છોકરાને કાઢી ન મૂકે.

પરેશ અને તેમનો દીકરો ફી કાઉન્ટર પર જાય છે તો તેમને જણાવવામાં આવે છે કે, મોટા સાહેબે તમને મળવા માટે બોલાવ્યા છે.

બંને ઓફિસમાં જાય છે અને અંદર પ્રવેશતા જ પરેશ ચકિત થઇ જાય છે. કારણ કે સામે તે જ સાહેબ હોય છે જેમના  પૈસા તેમની રિક્ષામાં રહી ગયા હતા.

સાહેબ તેમને બેસવાનું કહે છે.

સાહેબ : તમે ઘણા સમયથી ફી ભરી નથી. તેનું કારણ જાણી શકું?

પરેશ : હમણાં ઘરની પરિસ્થિતિ નબળી છે પણ હું વાયદો કરું છું કે થોડા દિવસોમાં જ હું ફી ભરી દઈશ.

સાહેબ : પરેશ ભાઈ મને તમારી વાત પર વિશ્વાસ છે. પણ તમારે હવે ફી ભરવાની જરૂર નથી.

પરેશ (ગભરાઈને) : ના સાહેબ, હું કહું છું ને હું ભરી દઈશ.

સાહેબ : ગભરાશો નહિ. મારો કહેવાનો અર્થ એ છે કે હવેથી તમે તમારા છોકરાની ફી અને ભણવાની ચિંતા છોડી દો.  કારણ કે આજથી તમારા છોકરાની ભણવાની જવાબદારી મારી રહેશે. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

પરેશ અને તેમનો દીકરો સાહેબનો આભાર માનીને વિદાઈ લે છે. તેઓ ઘરે પહોંચે છે ત્યારે પત્ની પૂછે છે,

ફાલ્ગુની : કોલેજમાં શું થયું?

પરેશ : કાંઈ નહિ, ફી ન ભરવાના કારણે આપણા છોકરાને કાઢી મુક્યો.

ફાલ્ગુની ગુસ્સે થઇ જાય છે અને બબડવા લાગે છે કે જોઈ લીધું ઈમાનદારીનું પરિણામ. મારી વાત માની લીધી હોત તો આપણો દીકરો કોલેજ પૂરી કરી શક્યો હોત.

આ વાત સાંભળી બંને બાપ દીકરા હસવા લાગે છે અને સંપૂર્ણ હકીકત જણાવે છે.

પરેશ (ફાલ્ગુનીને) : જોયું ઈમાનદારીનું પરિણામ. એક વાત યાદ રાખજે ભલે આપણે ગમે એટલી ખરાબ સ્થિતિમાં હોઈએ પણ આપણે આપણા સંસ્કાર અને ઈમાનદારી ક્યારેય ગુમાવવી ન જોઈએ.

– દીપક મેટકર.