રામાયણમાં રાવણનો વ-ધ કર્યા બાદ શ્રી રામ પુષ્પક વિમાન દ્વારા અયોધ્યા પરત ફરી રહ્યા હતા. તેમની સાથે લક્ષ્મણ, સીતા તેમજ હનુમાન, સુગ્રીવ, વિભીષણ, અંગદ, જામવંત વગેરે હતા.
માર્ગમાં જેટલા પણ સ્થાન આવતા હતા તે તમામ વિશે તેઓ દરેકને જણાવી રહ્યા હતા. અને જેવું જ પુષ્પક વિમાનમાંથી અયોધ્યા નગરી દેખાઈ કે, શ્રી રામે કહ્યું, ‘આ પવિત્ર નગરી અયોધ્યા છે. આમ તો વેદો પુરાણમાં વૈકુંઠની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે, પરંતુ મને અવધપુરી સૌથી વધુ પ્રિય છે. આ મારી જન્મભૂમિ છે. અહીં રહેતા લોકો પણ મને ખૂબ વહાલા છે.
જ્યારે શ્રી રામ આ વાત કહી રહ્યા હતા, ત્યારે બધાએ વિચાર્યું કે રામ તેમની જન્મભૂમિ અને ત્યાંના લોકોની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. દરેક વ્યક્તિએ શ્રી રામ પાસેથી એક વાત સમજી કે, જ્યાં આપણો જન્મ થયો છે, તે નગર, તે દેશ અને ત્યાંના લોકો માટે આપણી દૃષ્ટિ ખૂબ જ સન્માનનીય હોવી જોઈએ. અને આપણે સક્ષમ બનીએ, ત્યારે આપણે તેમના માટે કંઈક સારું કામ કરવું જોઈએ.
શીખ : હંમેશા તમારી જન્મભૂમિ અને ત્યાંના લોકોનો આદર કરો. જો જન્મ ક્ષેત્રમાં કોઈ વસ્તુની અછત હોય, ત્યાં શિક્ષણ, આરોગ્ય સેવાઓ, ખાણી-પીણીની વસ્તુની અછત હોય તો આપણે ત્યાંના લોકોને આપણી શક્તિ પ્રમાણે મદદ કરવી જોઈએ. શ્રી રામ કહે છે કે, આપણે જ્યાં જન્મ લીધો છે તે ભૂમિ ભગવાને આપણા માટે પસંદ કરી હોય છે, તેથી જ્યારે તમે તે ભૂમિને કોઈ વસ્તુ પરત કરો છો, તો તે પણ ભગવાનની પૂજા કરવા જેવું છે.
આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.