અમીર માણસ પોતાના પુત્રને ગામડાની ગરીબી જોવા લઇ ગયો, પછી તે થયું તેણે તેની આંખો ખોલી દીધી.

0
2446

આજનો પ્રેરક પ્રસંગ – “જોવાનો દૃષ્ટિકોણ” :

એક દિવસ એક પૈસાદાર માણસ પોતાના પુત્રને એક ગામની યાત્રાએ લઈ ગયો. તે પોતાના દીકરાને એ જણાવવા માંગતો હતો કે તેઓ કેટલા પૈસાદાર અને ભાગ્યશાળી છે, અને તે ગામના લોકો કેટલા ગરીબ છે. તેમણે કેટલાક દિવસ એક ગરીબના ખેતરમાં પસાર કર્યા અને પછી તેઓ પોતાના ઘરે પાછા આવી ગયા.

ઘરે પાછા ફરતી વખતે રસ્તામાં એ પૈસાદાર વ્યક્તિએ પોતાના પુત્રને પૂછ્યું, તે જોયું કે તે લોકો કેટલા ગરીબ છે અને તેઓ કેવું જીવન જીવે છે? પુત્ર એ જવાબ આપ્યો, હા મેં જોયું. આપણી પાસે એક કૂતરો અને એમની પાસે ચાર છે. આપણી પાસે એક નાનો સ્વિમિંગ પુલ અને એમની પાસે એક આખી નદી છે.

આપણી પાસે રાત્રે પ્રકાશ માટે વિદેશમાંથી મંગાવેલું મોંઘુ ફાનસ છે. અને તેમની પાસે રાત્રે ચમકતા ચંદ્ર અનેક અરબો તારા છે. આપણે આપણું ખાવાનું બજારમાંથી લાવીએ છીએ, જ્યારે એ લોકો પોતાનું ખાવાનું જાતે પોતાના ખેતરમાં ઉગાડે છે. આપણી પાસે એક નાનો પરિવાર છે જેમાં ફક્ત 5 વ્યક્તિ છે. જ્યારે એમનું આખું ગામ એક પરિવાર છે.

આપણી પાસે ખુલ્લી હવામાં ફરવા માટે એક નાનકડો બગીચો છે. અને તેમની પાસે આખી ધરતી જે ક્યારે પણ પૂરી થતી નથી. આપણી રક્ષા માટે ઘરની ચારે તરફ મોટી મોટી દીવાલો છે. અને તેમની રક્ષા માટે તેમની પાસે સારા સારા મિત્રો છે.

પોતાના પુત્રની આ બધી વાતો સાંભળીને પૈસાદાર વ્યક્તિ કંઈ બોલી શકયો નહીં. પુત્રએ પોતાની વાત પૂરી કરતા કહ્યું, પપ્પા, તમારો આભાર મને એ બતાવવા માટે કે આપણે કેટલા ગરીબ છીએ. પુત્રની આંખમાંથી ઝળઝળિયા આવી ગયા.

બોધ : ઉપરના પ્રસંગ માંથી આપણને એ શિક્ષા મળે છે કે, વ્યક્તિ જેવું વિચારે છે, તેને બધું જ એવું નજર આવે છે. બધું આપણા જોવાના દૃષ્ટિકોણ ઉપર આધાર રાખે છે. માટે હંમેશા ખુશ રહો. જે મળ્યું છે તે પુરતું છે.